મોવિયા ગામે વડવાળી જગ્યામાં આજે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ
આજે દ્વારકા જગત મંદિરે તુલસીજી અને ઠાકોરજીના પરંપરાગત રીતે લગ્ન યોજાશે. આજે દેવ ઉઠી અગિયારસ જે દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખાય છે. ઘણા મંદિરો, ધાર્મિક સ્થળોએ ગઇકાલે તુલસી વિવાદ ઉત્સવ ઉજવાયો હતો. જયારે દ્વારકા જગત મંદિર, ગોંડલના મોવિયા ગામે સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા ખાતે આજે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ શ્રી ભાલકા મંદિર તથા શ્રી રામ મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રભાસની ભૂમિ પરથી વૈકુંઠ પ્રસ્થાન કર્યું એ પાવન ક્ષેત્રમાં તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવેલ. ભાલકા મંદિર ખાતે યજમાનશ્રીઓને ઝુમએપ દ્વારા ઘરબેઠા તુલસીપૂજા કરાવવામાં આવેલ હતી. તેમજ ટ્રસ્ટના નુતન રામ મંદિર ખાતે પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ જે તુલસી વિવાહ ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર ના યજમાન પદે યોજાયા હતા.
તુલસી વિવાહ નિમીતે આજે દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં તુલસી વિવાહના દર્શન થશે જે નીમીતે શેરડીના સાઠાઓથી મંડપ બનાવી દિપ પ્રગટાવી શુસોભન કરી તુલસી વિવાહના તહેવારની ઉજવણી થશે.
સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે એકાદશી ના તુલસી વિવાહ ના પવિત્ર દિવસે સાંજે સાડા પાંચ કલાકે થી તુલસી ના રોપાનું વીના મુલ્યે વિતરણ કરવામાં આવશે. હીન્દુ ધર્મ માં તુલસી ના છોડ ને એક છોડજ તરીકે નહીં પરંતુ એક માં નો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલું જ નહીં વિષ્ણુ ભગવાન ને તુલસી અતી પ્રીય છે. આજ કારણે સદીઓથી હીન્દુ ધર્મ માં તુલસી ના છોડ ને ધરના આંગણામાં રોપી તેની પુજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. રુષીમુનીઓ અને સાધુ સંતોના મત મુજબ તુલસીના છોડમાં અનેક બીમારીઓને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે. તુલસી ના છોડ વાળુ આંગણ સાફ સુથરુ અને સ્વાસ્થ્ય પ્રદ હોય છે. એટલાં માટે ઓછામાં ઓછો એક તુલસી નો છોડ આપ સૌના ધરમાં રોપવા માટે આપ સૌને પ્રેરીત કરી રહ્યા છીએ, એમ જગ્યાના મહંત ભરતબાપુની યાદીમાં જણાવાયું છે.
ખંભાળીયામાં શેરડીના શણગાર સાથે તુલસી વિવાહની ઉજવણી
આજની પ્રબોધની એકાદશીના માંગલીક પર્વ પર કરવામાં આવતા તુલશી વિવાહની ખંભાળીયામાં કલ્યાણરાય મંદિરમાં ઉજવણી કરવામાં આવશે શેરડીનો મંડપ બાંધી માતા તુલશીજીને ચુંદડી ઓઢાડી શાલીગ્રામ સાથે લગ્ન કરવામાં આવશે. મંડપ નીચે રંગોળી તથા વિવિધ દીવા પ્રગટાવી લગ્નનો માહાલો નિર્માણ કરવામાં આવશે.