સેન્સેકસમાં 406 અને નિફટીમાં 128 પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો બન્યો વધુ મજબૂત
ભારતીય શેરબજાર માટે આજે મંગળવાર ખરા અર્થમાં મંગલકારી સાબીત થયો હતો. એક સપ્તાહમાં સતત બીજીવાર સેન્સેકસ 56000ની સપાટી ઓળંગવામાં સફળ રહેતા રોકાણકારોમાં હરખના ઘોડાપુર જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે સામાન્ય તેજી જોવા મળી હતી. આગામી દિવાળીના તહેવાર પહેલા સેન્સેકસ 60,000ની સપાટી કુદાવે તેવું સાનુકુળ વાતાવરણ બની રહ્યું છે.
મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ આજે ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ગત સપ્તાહે સેન્સેકસે 56000ની સપાટી હાસલ કરી એક નવો જ કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો હતો. જો કે, ઈન્ટ્રાડેમાં ફરી સેન્સેકસ 56000ની અંદર ઘુસી જતા રોકાણકારોનો વિશ્ર્વાસ ડગ્યો હતો. ગત સપ્તાહ દરમિયાન સતત માર્કેટમાં ઉતાર-ચડાવનો માહોલ રહ્યો હતો. જો કે ચાલુ સપ્તાહે જાણે નવેસરથી તેજી શરૂ થવા પામી હોય તેવું લાગી રહ્યું છે.
ગઈકાલે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં રહ્યાં બાદ આજે મંગળવાર ભારતીય શેરબજાર માટે વધુ મંગલકારી સાબીત થયો હતો. આજે બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે 56023.22નો હાઈ બનાવ્યો હતો. જે રીતે બજાર ચાલતું હતું તે જોતા એવું લાગતું હતું કે, આજે સેન્સેકસ નવો કિર્તીમાન સાબીત કરશે પરંતુ ત્યારબાદ ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધતાં તેજી પર થોડી બ્રેક લાગી હતી. આજે ઈન્ટ્રાડેમાં નિફટીએ પણ 16647 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. બુલીયન બજારમાં પણ આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
બેંક નિફટી અને નિફટી મિડકેપ ઈન્ડેક્ષ પણ ગ્રીન ઝોનમાં કામકાજ કરતા જોવા મળ્યા હતા.આજની તેજીમાં બજાર ફીનસર્વ, હિન્દાલકો, અને બજાજ ફાયનાન્સ જેવી કંપનીના શેરોના ભાવમાં 8 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નેસ્લે, બ્રિટાનીયા, એચસીએલ ટેક અને એચડીએફસીના ભાવો તેજીમાં પણ તૂટ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 406 પોઈન્ટના ઉછાળા સાથે 55962 અને નિફટી 130 પોઈન્ટના ઉછાળા સાથે 16626 ઉપર કામકાજ કરી ર્હયાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસાની મજબૂતી સાથે 74.18 પર ટ્રેડ કરી રહ્યો છે.