સૌથી વધુ દિલ્હીમાં ૬૬ કોલેજો અને યુનિવર્સિટીઓ માન્યતા વિના ધમધમી રહીછે: નકલી શૈક્ષણિક સંસ્થાઓ સામે ફરિયાદ નોંધવા અને કાર્યવાહી કરવા આદેશ
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓને ગંભીર સમસ્યા ગણાવીને કહ્યું હતું કે સેન્ટ્રલ યુનિવર્સિટીઝમાં અધ્યાપકોની ૨૦ ટકા જગ્યાઓ ખાલી છે. જાવડેકરે સંસદમાં માહિતી આપતાં કહ્યું કે વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા ઓછી થઈ રહી છે. જેના પરિણામે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અધ્યાપકોની અછત જોવા મળી રહી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓ એક ગંભીર સમસ્યા છે.
દેશમાં ૨૩ યુનિવર્સિટીઓ અને ૨૭૯ ટેકનિકલ સંસ્થાઓ નકલી છે, જેમાં એકલા દિલ્હીમાં જ આવી ૬૬ કોલેજો અને સાત યુનિવર્સિટીઓ છે. તેલંગણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આવી નકલી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ એન્જિનિયરિંગ તેમજ અન્ય ટેકનિકલ કોર્સિસ ઓફર કરે છે પણ તેમને રેગ્યુલેટર તરફથી માન્યતા મળી નથી એટલે કે આ સંસ્થાઓને ડિગ્રી પ્રદાન કરવાનો અધિકાર નથી.
યુજીસી અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને ગત મહિને વેબસાઈટ્સ પર નકલી શૈક્ષણિક સંસ્થાઓની યાદી મૂકી હતી અને નવા શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓને ચેતવ્યા હતા. માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ હાલમાં જ કહ્યું હતું કે મંત્રાલયોએ રાજ્યોને નકલી યુનિવર્સિટીઓની તપાસ કરાવવા અને તેમની વિરૂદ્ધ ફરિયાદો નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે. નકલી યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓની વિગત યુજીસીની વેબસાઈટwww.ugc.ac.inઅને એઆઈસીટીઈની વેબસાઈટwww.aicte-india.orgપર ઉપલબ્ધ છે