સતત ત્રીજા દિવસે નલીયાના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો: રાજકોટમાં પારો ઉચકયો, સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો ચમકારો
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છનું નલીયા આજે 7.4 ડિગ્રી સેલ્શીયસ સાથે થર-થર ધ્રુજ્યુ હતું. આગામી સોમવારથી રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો થોડો ઉંચકાયો હતો. પરંતુ વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. સુકા પવનોના કારણે ચામડી પર શિયાળાની અસર જોવા મળી છે. ઠંડી જામતા હવે લોકો સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ પણ વળ્યા છે.
કચ્છના નલીયાનું લઘુત્તમ તાપમાન શનિવારે 7.8 ડિગ્રી સેલ્શીયસ સાથે રાજ્યમાં સૌથી ઓછુ રહેવા પામ્યુ હતું. આજે નલીયામાં લઘુત્તમ તાપમાનનો પારો વધુ નીચો પટકાયો હતો. આજે નલીયાનું તાપમાન 7.4 ડિગ્રી સેલ્શીયસ રહ્યા પામ્યુ હતું. સતત ત્રીજા દિવસે તાપમાન સિંગલ ડિજિટમાં રહેતા નલીયાવાસીઓ થર-થર ધ્રુજી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્શીયસ રહ્યા પામ્યુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. 8:30 કલાકે શહેરનું તાપમાન 19.6 ડિગ્રી નોંધાયુ હતું. ગઇકાલે લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી નોંધાયુ હતું. આજે લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. જો કે પવનની ઝડપ વધવાના કારણે સવારના સમયે ગરમ વસ્ત્રો ધારક ફરજિયાત ધારણ કરવા પડ્યા હતા. સૌરાષ્ટ્રભરમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા શરૂ થઇ છે. જેની અસર તળે આગામી સોમવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી નીચો પટકાશે. શિયાળો ધીમે-ધીમે જમાવટ કરી રહ્યો છે. ત્યારે લોકો હવે આરોગ્યપ્રદ ખોરાક તરફ વળ્યા છે. વાસણા, અડદીયા, ગુંદર પાક, ચિકી, સાની જેવો ચીજવસ્તુની માંગમાં વધારો થઇ રહ્યો છે. ગરમ કપડાની બજારોમાં પણ ઘરાકીની ગરમી દેખાઇ રહી છે.