જામનગર ભાજપમાં તારા મારામાં ‘આપણાં’ ખોવાયા
ધારાસભ્યએ મેયરને ઓકાતમાં રહેવાનું કહ્યું: હું મારા ઘરના રોટલા ખાવ છું: બિનાબેન
ભાજપના તડા, ગાંધીનગર તો ઠીક દિલ્હી સુધી પહોચ્યા તેવો ભણકાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મારી માટી મારો દેશ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જે દરમિયાન શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો વચ્ચે નો ઝઘડો આજે જાહેરમાં સામે આવ્યો હતો, અને ધારાસભ્ય મેયરને ઓકાતમાં રહેજો તેમ સંબોધીને સર્વે હોદ્દેદારો વગેરેની હાજરીમાં સંભળાવી દેતાં ભાજપના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.
કાર્યક્રમ દરમિયાન સાંસદ પણ હાજર હતા અને તેઓએ પણ વડીલની ભૂમિકામાં રહીને દરમિયાનગીરી કરી હતી. આખરે રિવાબા કાર્યક્રમ પૂર્ણ કરી અને જતા રહ્યા પછી મામલો શાંત થયો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ આજે સવારે 9.00 વાગ્યે રણમલ તળાવના ગેટ નંબર એક પાસે રાખવામાં આવ્યો હતો. જેના મુખ્ય મહેમાન તરીકે નગરના મેયર બીનાબેન કોઠારી હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ, તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહાનગરપાલિકાના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ જાળવવા જેવી બાબત તેમજ અન્ય કોઈ બાબતે ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી સાથે ઝકમક ઝરી હતી. થોડી ક્ષણો પછી તો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો, અને એક તબક્કે ધારાસભ્ય રીવાબાએ મેયર બીનાબેન કોઠારીને સંભળાવી દીધું હતું કે ’તમારી ઔકાતમાં રહેજો.’
જેથી બીનાબેન કોઠારી પણ નારાજ થયા હતા, અને તેઓએ કહ્યું હતું કે હું મારી ઓકાતમાં છું અને તમે આજના કાર્યક્રમ મેયર ના અધ્યક્ષ સ્થાને છે અને કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેવી વાત કહી હતી. આ લડાઈ વખતે સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા અને વડીલની ભૂમિકા ભજવીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે રીવાબાએ સાંસદને પણ વડીલની ભૂમિકા સારી રીતે નિભાવો એવું કહ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ વગેરેએ દરમિયાનગીરી કરી હતી, અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યારબાદ ધારાસભ્ય રિવાબા જાડેજા કાર્યક્રમ પૂર્ણ કરીને કાર્યક્રમના સ્થળ પરથી નીકળ્યા હતા, ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જામનગર શહેર ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી શખડ ડખળ ચાલી રહ્યું છે. પરંતુ આજે મામલો ચરમશીમાએ પહોંચ્યો હતો, અને જાહેરમાં ઓકાત દેખાડવાની વાતો થઈ, અને સમગ્ર ઘટના અનેક મીડિયા કર્મીના કેમેરાઓમાં પણ કેદ થઈ હતી. જે શહેરના તમામ સોશિયલ મીડિયામાં આ જ એકમાત્ર બનાવ વિશેષ રૂપે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે, અને વિડિયો ક્લિપિંગ ફરી રહ્યા છે. જેથી જામનગર શહેર ભાજપ ના વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે અને આ પ્રકરણના પડઘા છેક ગાંધીનગર અથવા દિલ્હી સુધી પહોંચે તેમ પણ મનાઈ રહ્યું છે.
રીવાબા મારા નાના બહેન સમાન છે, આગામી સમયમાં અમે કાર્યક્રમમાં સાથે જોવા મળીશું: સાંસદ પૂનમબેન માડમ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મારી માટી મારો દેશ ના કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા અગ્રણીઓ વચ્ચેના સંવાદ મામલે દિવસ ભર અનેકવિધિ ચર્ચાઓ થયા પછી આખરે રાત્રિના સમયે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી, અને ભાજપ એક શિષ્તબદ્ધ પાર્ટી છે, અને મોટો પરિવાર છે. માત્ર મિસ અંડરસ્ટેન્ડિંગ અને કવિક રિએક્શન એટલું જ માત્ર કારણ હોઈ શકે. ભાજપ પ્રદેશ પ્રમુખ ની સાથે ચર્ચા કર્યા પછી મીડિયા સમક્ષ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે આટલા મોટા પરિવારમાં નાની મોટી વાતો થતી રહે, નગરના મેયર બીનાબેન મારા મોટા બહેન છે, અને ધારાસભ્ય રીવાબા મારા નાના બહેન છે.
નજીકના ભવિષ્યમાં સમગ્ર ભાજપ પરિવાર અન્ય કાર્યક્રમમાં એક સાથે જોવા મળી શકે છે, તેમ પણ જણાવ્યું હતું. તળાવની પાળે યોજાયેલા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ત્રણેય વચ્ચે માત્ર અડધોમિનિટ ના સમયગાળા દરમિયાન થયેલી વાતચીતના સંદર્ભમાં સાંસદ પૂનમબેન દ્વારા ખુલાસો કરતાં જણાવાયું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ મોટો પરિવાર છે, અને જાહેર કાર્યક્રમો દરમિયાન ક્યારેક આવી ચર્ચાઓ થતી રહે છે.
ગઈકાલના કાર્યક્રમ દરમિયાન પણ માત્ર અડધી મિનિટના સંવાદમાં માત્ર કવિક રીએક્શનની પ્રક્રિયા એક માત્ર કારણ હોઈ શકે છે. અન્યથા પાર્ટીમાં કોઈ મનમોટાવ નથી. મેયર બીનાબેન મારાથી મોટી ઉંમરના છે, અને મારા મોટા બહેન છે તે જ રીતે રિવાબા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને તે મારા નાના બહેન છે. અમારે અન્ય કોઈ પણ મનમોટાવ નથી અને પાર્ટી ની ગાઈડલાઈન મુજબ નજીકના ભવિષ્યમાં ફરીથી તમામ ભાજપના કાર્યકર્તાઓ એક સાથે આગામી કાર્યક્રમોમાં જોવા મળી શકે છે, તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. મેયર મીનાબેન કોઠારી ની માફી માંગી હોવાના સંદર્ભ માં તેમણે જણાવ્યું હતું, કે મેયર બીનાબેન મારાથી મોટાબહેન છે, અને એમને માફી માંગવી પણ જોઈએ, અને સોરી શબ્દ પ્રયોગ કર્યો હોવાનું પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.
જે સ્થળે સંવાદ થઈ રહ્યો છે, તે સ્થળ પરથી આપણે શિફ્ટ થઈ જવું જોઈએ. સોરી આ સ્થળે હું વાત કરવા સહમત નથી, તે સંદર્ભમાં રીવાબા જાડેજા સાથે ’સોરી’ નો શબ્દ પ્રયોગ કર્યો હતો.
હું આ ઘટના અંગે તપાસ કરાવીશ: સી.આર. પાટીલ
જામનગર ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે આજે એક કાર્યક્રમ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાતા ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો ામે આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.
વાત આત્મ સન્માનની હતી એટલે જવાબ આપ્યો: ધારાસભ્ય રિવાબા જાડેજા
પત્રકારો સાથેની વાતચિતમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આજે મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંસદે શહીદોને ચપ્પલ પહેરી શ્રધ્ધાંજલી આપેલ. ત્યારબાદ મેં ચપ્પલ ઉતારી આદર સાથે શહીદોને ફૂલહાર ચઢાવી શ્રધ્ધાંજલી આપ્યા બાદ પાર્ટીના આગેવાનો તથા મનપાના અધિકારીઓએ પણ ચપ્પલ ઉતારી આદર સાથે શ્રધ્ધાંજલી આપી હતી. આ કાર્યક્રમ ચાલી જ રહ્યો હતો. ત્યારે હું સાંસદ અને મેયર સાથે ઉભા હતા ત્યારે સાંસદે એવી ટીપ્પણી કરી હતી કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. અમુક લોકોને નથી ખબર પડતી તેવા લોકો ઓવરસ્માર્ટ થઇને ચપ્પલ કાઢે છે. ત્યારે વાત આત્મસન્માનની વાત આવી એટલે બોલવું પડ્યું કે પાર્ટી વિરૂધ્ધનું કામ નથી કર્યું કે તમારૂં અપમાન નથી કર્યું ત્યારે વળતા જવાબમાં સાંસદ પૂનમબેન બોલ્યા કે તમને કાંઇ નથી કહેતી બિનાબેનને કહેતી હતી.
આ અમારો શહેર ભાજપનો પારિવારિક અને આંતરિક મામલો છે: મેયર બીનાબેન કોઠારી
જામનગર શહેર ભાજપમાં મુખ્ય હોદ્દેદારોમાં છેલ્લા કેટલાક સમયથી ગડમથલ ચાલી રહી હોવાની ચર્ચાઓ શહેરભરમાં ચાલતી હતી. જોકે આજે પ્રથમ વખત સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને મેંયર અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
જે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા પછી આજે નગરના મેયર બીનાબેન કોઠારી કે જેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા, અને જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું, કે આ અમારો શહેર ભાજપનો પારિવારિક અને આંતરિક મામલો છે. તે વિશે હું કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવા માંગતી નથી, અને અમારો આંતરિક મામલો આંતરિક રહેવા દો એવી વાત કહી ને પોતાની વાત પૂરી કરી હતી.