સેન્સેક્સમાં 1340થી વધુ અને નિફ્ટીમાં 400 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે રેપોરેટ અર્થાત વ્યાજના દરોમાં વધારો કરવામાં આવતા ભારતીય શેરબજારમાં મંદીની સુનામી આવી હતી.

સેન્સેક્સમાં 1340થી વધુ અને નિફ્ટીમાં 400 પોઇન્ટનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. આજે સેન્સેક્સે 56,000 અને નિફ્ટીએ 17,000ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આજે સવારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 55,773.60 જ્યારે નિફ્ટીએ 17,000ની સપાટી તોડી 16,654.10ની સપાટી સુધી સરકી ગયો હતો. આજે આરબીઆઇ દ્વારા રેપોરેટ અર્થાત વ્યાજદર જે 4 ટકા હતો

તેમાં 0.40 ટકાનો વધારો કરી 4.40 ટકા કરવામાં આવતા શેરબજારમાં મંદી વધુ વિકરાળ બની હતી. આગામી દિવસોમાં પણ શેરબજારમાં મંદીનું માહોલ જળવાઇ રહે તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. રેપોરેટ જાહેર કરાયા બાદ જે રીતે બજારમાં મંદીની સુનામી સર્જાઇ હતી. તેમાં પણ ઓએનજીસી, બ્રિટાનીયા, પાવર ગ્રીડ અને રેઇન ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

જ્યારે એપેલો હોસ્પિટલ, એલેમ્બીક ફાર્મા, શ્રીરામ ટ્રાન્સ. અને ઇન્ફો એઇજ્ડ જેવી કંપનીના શેરોના ભાવમાં પણ 7 ટકા જેવો કડાકો બોલી ગયો હતો. આજે વિશ્ર્વભરના શેરબજારો મંદી જોવા મળી રહી છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1345 પોઇન્ટના કડાકા સાથે 55,630 અને નિફ્ટી 405 પોઇન્ટના કડાકા સાથે 16,663 પર કામકાજ કરી  રહ્યા છે. રેપોરેટમાં વધારો કરવામાં આવતા બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ તૂટ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 17 પૈસાની મજબૂતાઇ સાથે કામ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.