બોલોને ભાઇ, કયાં અટકયા છો?, હં બેન, શું તકલીફ છે?, કાં બાબા, તારા દાદી સાથે વાત કરવી છે? આવા કેટકેટલા મુંઝાયેલા અને ગભરાયેલા દર્દીઓને ત્વરિત સાંત્વના પૂરૂં પાડે છે, હેલ્પ ડેસ્ક સેન્ટર… રોજના 600થી વધુ પાર્સલ્સ, 800થી વધુ વીડિયોકોલ, અને અગણિત લોકોને માનસિક હૂંફ- એ છે અહીંની મુખ્ય કામગીરી.
કોરોના મહામારીનો મુકાબલો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર અનેક મોરચે લડત આપી રહયું છે, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મદદ કરવાના માનવીય અભિગમ સાથે કલેકટરશ્રી રેમ્યા મોહનની સીધી દેખરેખ હેઠળ ચૌધરી હાઇસ્કૂલના પ્રાંગણમાં 24ડ7 હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયું છે. આ હેલ્પ ડેસ્ક સેન્ટર ચાર તબક્કામાં કામ કરે છે. પહેલો તબક્કો પ્રોએકટીવ પેશન્ટ કોલિંગ સેન્ટરનો છે, જેમાં ડો. વિલ્પા તન્નાની રાહબરી હેઠળ સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 વાગ્યા દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓના સગાંઓને દિવસમાં બે વાર દર્દીના હેલ્થ અપડેટસ આપવામાં આવે છે. આ સુવિધા હેઠળ મેડિકલના સ્ટુડન્ટસ દ્વારા દર્દીઓનાં સગાંઓને સવારે 400 અને સાંજે 400થી વધુ ફોન કોલ્સ કરવામાં આવે છે. બીજા તબક્કામાં દાખલ દર્દીના સગાંને તેમના ક્રમ મુજબ તેમના દર્દી સાથે સમયની કોઇ પાબંદી વગર વિડિયો કોલ કરાવી દેવામાં આવે છે, જેથી સગાંઓ તેમના દાખલ દર્દીનું મોઢું જોઇને હાશકારો અનુભવે છે.
ત્રીજા તબક્કામાં દર્દીઓને સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી તેમના સગાંઓને કોઇ પણ વસ્તુ મોકલવાની સગવડ કરી દેવામાં આવે છે અને ચોથા તબક્કામાં માત્ર તબિયત જાણવા માગતી વ્યક્તિઓને દર્દીની છેલ્લામાં છેલ્લી સ્થિતિથી વાકેફ કરવામાં આવે છે.
હેલ્પ ડેસ્ક સેન્ટરના વહીવટી વિભાગના નોડલ ઓફિસર તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મેડિકલ વિભગના નોડલ ઓફિસર ડો. નીલા ભુપતાણી, ઉપરાંત, આસીસ્ટન્ટ નોડલ ઓફિસર તરીકે શ્રી વી.પી.જાડેજા, જે.જે.દેલવાડીયા અને આર.સી.ગજેરા ત્રણ શિફટમાં તેમની ફરજો બજાવે છે. જયારે ડો. તૃપ્તિ રાણપરાની આગેવાનીમાં 10 ડોકટર્સ, 6 મેડિકલ ઓફિસર્સ, 2 ઇન્ટર્ન્સ , 2 મેડિકલ સ્ટુડન્ટસ અને 95થી વધુનો નોન મેડિકલ સ્ટાફ દર્દીઓના સગાંને અવિરતપણે વિડિયો કોલિંગ કરાવે છે, અને જોબ સેટિસ્ફેકશનનો અનેરો આનંદ માણે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની ઇન હાઉસ સારવાર લેતા દર્દીઓ તથા તેમનાં સગા માટે આ હેલ્પ ડેસ્ક સેન્ટર તમામ પ્રકારની સહાયતા પુરી પાડે છે. મુરઝાયેલા ચહેરે અહીં આવતા દરેક વ્યક્તિઓ ચહેરા પર સંતોષ અને આનંદ લઇને જાય છે, જે આ સેન્ટરની ફલશ્રુતિ છે.