રાજકોટમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજના કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા
રાજ્ય સરકારના કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા સાથે રાજકોટના વિવિધ ઔદ્યોગિક વસાહતોના પ્રમુખો અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરના અગ્રણી ઉદ્યોગપતિઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ વિષે ચિતાર પૂરો પાડવામાં આવ્યો હતો, તેમજ ઉદ્યોગ જગતના આગામી વિઝન અંગે પરિણામ લક્ષી ચર્ચા કરવામાં આવી હતી. આ તકે મંત્રી વિશ્વકર્માએ દરેક ક્ષેત્રમાં ઉદ્યોગ જગતને આત્મનિર્ભર થવાની પહેલ કરવા જણાવ્યું હતું, જેના માટે જરૂરી દરેક પ્રકારે રાજ્ય સરકાર વતી સહયોગ આપવાની ખાતરી મંત્રીએ ઉચ્ચારી હતી.
બેઠકમાં એસોસીએશન દ્વારા ઉદ્યોગકારોના પ્રશ્નો તથા તેમની જરૂરિયાતો બાબતે બૃહદ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે જરૂરી કેટલીક બાબતો પર મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ખાસ કરીને પાણીની જરૂરિયાત, વીજ કનેક્શન, જી.આઇ.ડી.સી.ને લગતા પ્રશ્નો, ઇન્ડસ્ટ્રીયલ સૂચિત સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવાની, રાજકોટમાં ટોયઝ તથા ઇમિટેશન પાર્કની સ્થાપના તેમજ એક્ઝિબિશન સેન્ટર બનાવવા અંગે એસોસિએશન દ્વારા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી દ્વારા આ અંગે હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ડો. પ્રદિપભાઈ ડવ, અગ્રણી કમલેશભાઈ મીરાણી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વૈષ્ણવ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ વાછાણી, લોધીકા જી.આઇ.ડી.સી.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ નરેશભાઇ શેઠ, શાપર વેરાવળ ઔધોગિક એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા, હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રવીણભાઈ જસાણી, લોઠડા પડવલા પીપલાણા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના જયંતીભાઈ સરધારા ઉપરાંત દરેક ઔદ્યોગિક વસાહતોના પ્રમુખો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરના અગ્રણી ઉદ્યોગકારો બાલાજી ગૃપના ચંદુભાઈ ભાલાળા, રાજુ એન્જિનિયરિંગના ઉત્સવભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.