આર્થિક કટોકટી માટે મોદી સરકારને જવાબદાર ગણાવતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ: આર્થિક કટોકટી અને મંદીનું મોજુ નકારતા નાણા પ્રધાન
આપણો દેશ વિચિત્રતાઓથી ભરપૂર બનતો રહ્યો છે. એમાંય રાજકીય ક્ષેત્રની વિચિત્રતાઓ તો અજબ જેવી છે. અત્યારને તબકકે તો સત્ય, અસત્ય, અર્ધસત્ય અને એ બધાની ભેળસેળનું ચિત્રવિચિત્ર દર્શન થયા વિના રહેતું નથી.
આપણા દેશના પ્રથમ પંકિતના અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ અને હાલના નાણાપ્રધાન નિર્મલા સીતારામન વચ્ચે ચિત્રવિચિત્રતાના તણખા ઝર્યા છે. અને તે આપણાદેશ માટે સારી છાપ ઉપસાવતા નથી. આપણે એને અમંગળ એંધાણગણીએ તો તે અતિશયોકિત નહિ લેખાય !
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશના જીડીપી ગ્રોથમાં આવેલા ઘટાડાને લઈને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. આર્થિક મંદી માટે સીધી રીતે મોદી સરકારને જવાબદાર ઠેરવતા મનમોહનસિંહે કહ્યું હતુ કે, આ મેન મેડ ક્રાઈસીસ તરીકે છે. યોગ્ય સંચાલન નહી થવાના લીધે આ સમસ્યાઓ ઉભી થઈ છે. ટોચના અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યું હતુ કે, છેલ્લા ત્રિમાસીક ગાળામાં જીડીપી ગ્રોથરેટ પાંચ ટકા રહ્યો છે. આનાથી સમજી શકાય છે કે, દેશ લાંબા ગાળામાં મંદીના દોરમાં છે. ભારતની પાસે વધુ ઝડપથી ગ્રોથ કરવાની ક્ષમતા રહેલી છે. પરંતુ મોદી સરકાર દ્વારા ચારે બાજુ ઝડપથી અયોગ્ય વ્યવસ્થા કરવામા આવી રહી છે. મેન્યુફેકચરીંગ સેકટરમાં નબળા ગ્રોથ પર મોદી સરકાર પર પ્રહાર કરતા મનમોહનસિંહે કહ્યું હતુ કે, આમા ટકાવારી માત્ર ૦.૬ ટકા રહ્યો છે આનાથી સ્પષ્ટ છે કે અમારા અર્થતંત્ર પર નોટબંધી જેવા પગલાની ખોટી અસર થઈ રહી છે. નોટબંધી જેવી ભૂલોથી હજુ અર્થતંત્ર બહાર આવી શકયું નથી. આ ઉપરાંત ખોટી રીતે જીએસટીને અમી કરવાના લીધષ પણ નુકશાન થયું છે.
કારમી મંદી અંગેનો નાણામંત્રીનો આ બચાવ રાજકીય ક્ષેત્રની તાજેતરની વિચિત્રતાઓમાં એકનો વધારો કરે છે એમ કહ્યાવિના છૂટકો નથી.
તેમણે મંદીના સંભવિત ઘોડાપૂરનો અને આપણા દેશમાં મંદીનો માહોલ હોવાની બૂમરાણને નકારી છે. અને મંદી છે જ નહી એમ કહી નાખ્યું છે.
પૂર્વ વડાપ્રધાન અને વિશ્ર્વસ્તરના ઉચ્ચ કક્ષાના નાણા શાસ્ત્રીઓમાંના એક તરીકે જેમની ગણના થઈ છે. તે ડો. મનમોહનસિંઘના વિધાનને રદિયો આપવાની ચેષ્ટા કરી છે એને ભાગ્યે જ કોઈ સમજદાર નેતા વાહિયાત અને વિચિત્ર તરીકે નહિ ઓળખાવે !
અહી ઉલ્લેખનીય બાબત તો એ છે કે, વિશ્ર્વમાં અભૂતપૂર્વ આર્થિક મંદીની આંધી ફૂંકાવાની આગાહી અમેરિકાના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ કરી છે. અને તેની નોંધ આંતર રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે.
તેમણે એવી લાલબત્તી ધરી છે કે આગામી આઠ મહિનામાં એવી અસાધારણ મંદી આવશે કે, જે તાજેતરનાં સમયગાળામાં કદાપિ જોવા નહિ મળી હોય !
ડો. મનમોહનસિંઘે એની સમયસર નોંધ લેવાનો અને વિલંબ વિના એનો સામનો કરવાનાં જરી પગલા લેવાનો મત દર્શાવ્યો છે. આપણી સામે વિકરાળ સિંહ બેઠો હોય આપણે એને જોવાનો તથા ઘટતી કવાયત કરવાનો ઈન્કાર કરીએ તો દુનિયા આપણને કેવા ગણે એવો પ્રશ્ર્ન ઉઠે છે.
આપણા દેશનાં રાજકીય ક્ષેત્રની હાલત આવી જ છે. છતાં આપણા શાસકો એમની પાસે કોઈ જાદુઈ લાકડી હોય એમ દેશની સવા કરોડ જેટલી પ્રજાને ભરમાવ્યા કરે છે.
એક કાંઠે સત્ય, બીજે કાંઠે અસત્ય, ત્રીજો કપોળ ફલ્પિત કાંઠો બંનેની ભેળસેળનો પ્રવર્તે છે.!
મંદિરના સંભવિત ઘોડાપૂર, અર્થતંત્રની બેહાલી અને અસાધ્ય બની શકે એવા રાજગાદીલક્ષી રાજકારણનાં રોગ વચ્ચે આ દેશનું શું થશે, એ સવાલને ‘અકળ’ કહ્યા વગર છૂટકો નથી…. સાચા અને સારા સલાહકારોનો સાથ લેવાય, એ જ આ પરિસ્થિતિનો ઉપાય હોઈ શકે!