એન્ટીક વસ્તુઓનો શોખ ધરાવતા શિવાભાઈ પાસે બાપુની યુવાન વયની તસ્વીરો, હસ્ત લીખીત પત્રો અને વ્યાખ્યાનની વર્ષો જૂની આમંત્રણ પત્રીકાઓનો ખજાનો
હૃદયના મર્મ સુધી પહોંચી જાય તેવી રામાયણ કથા કહેનાર પૂ.મોરારીબાપુને આજે ન ઓળખતું હોય તેવું કોઈ નથી. રામકથાને પારાયણ રૂપે જીવંત કરનાર મોરારીબાપુ લોકોના હૃદયમાં આદર અને પ્રતિષ્ઠા પામ્યા છે. તા.૨૫-૯-૧૯૪૬ના રોજ જન્મેલા મોરારીબાપુ આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેમના જન્મદિવસ પ્રસંગે ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.
વૈષ્ણવ કુળમાં જન્મેલા મોરારીબાપુએ માત્ર ૩૬ વર્ષની વયે અસાધારણ પ્રતિભાની પ્રતિતિ કરાવી હતી. આજે તેઓ દેશ-વિદેશમાં રામ પારાયણો કરે છે. અનેક ભક્તો તેમની રામકથા માટે ઉમટી પડે છે. મોરારીબાપુએ ૧૪ વર્ષની વયે પોતાના વતન તલગાજરડામાં ૧૯૬૦ના ચૈત્ર માસમાં એક મહિનાની રામ પારાયણ કરીને ૧૯૬૬માં નવાધ કથાની શરૂઆત આઈ નાગબાઈના પવિત્ર સ્થાન ગાંઠીલામાં પૂ.રામકુળદાસજી જેવા પરમ પવિત્ર સંતના સાંનિધ્યમાં કરી હતી.
તેમના માતાશ્રી સાવિત્રીબેન અને પત્ની નર્મદાબેનના નિર્મળ અને સંતોષી સ્વભાવે અને ત્યાગ ભાવનાને લીધે મોરારીબાપુને આગળ વધવાની પ્રેરણા મળી હતી.કથા સિવાયના દિવસોમાં પૂ.મોરારીબાપુ ઘેર એક સંપૂર્ણ ગૃહસ્થ તરીકે ગૃહસ્થાશ્રમને દિપાવે છે. આદર્શ પૂત્ર, પિતા, પતિ અને ભાઈ તરીકે પોતાની સંપૂર્ણ ફરજ પવિત્રતાથી નિભાવે છે.
કથા દરમિયાન એક જ ટંક ભોજન લે છે. ચાર બાળકો અને છ ભાઈઓનું મોટું કુટુંબ હોવા છતાં રામ રટણ અને ચિંતનમાં લાગી રહીને મહાત્મા તુલસીદાસની જેમ રામનામની યારી કરી, જગત જેની પાછળ બધા જ દાવ લગાવી રહ્યું છે એ પૈસાનો ત્યાગ કરવાનો પવિત્ર સંકલ્પ ૧૯૭૭ના ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તેમણે લીધો હતો.
આજે મોરારીબાપુનો જન્મ દિવસ છે ત્યારે અસંખ્ય એન્ટીક વસ્તુઓ જમા કરવાનો જેમને શોખ છે તેવા શિવાભાઈ લીંબાસીયા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. શિવાભાઈ પાસે બાપુની યુવાન વયની તસ્વીરો તથા બાપુના હસ્ત લીખીત પત્રો છે. તેમની પાસે બાપુનું ૪૭ વર્ષ જૂનું સાહિત્ય સચવાયું છે. રાજકોટમાં બાપુએ કરેલા વ્યાખ્યાનોની આમંત્રણ પત્રીકાઓ પણ શિવાભાઈ લીંબાસીયા પાસે છે.