નરેન્દ્રભાઇ મોદીના વિરોધીઓ દ્વારા તેમને ગુજરાતના વર્ષ-2002ના રમખાણોમાં રાજકીય બદ-ઇરાદાથી સંડોવણી કરવાનો એક વધુ નિષ્ફળ પ્રયાસ થયો
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, ઝાકીયા જાફરીની પિટિશન નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી છે. તે સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું છે કે, નરેન્દ્રભાઈ મોદીના વિરોધીઓ દ્વારા તેમને ગુજરાતના વર્ષ 2002ના રમખાણોમાં રાજકીય બદ-ઇરાદાથી સંડોવણી કરવાનો એક વધુ નિષ્ફળ પ્રયાસ થયો છે. તેમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાલના નવમાં વર્ષમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ ક્લિનચીટ મળી છે અને અગાઉ પણ અનેક કેસોમાં ક્લીનચિટ મળી છે.
નરેન્દ્રભાઈ મોદીજીને બદનામ કરવાના કોંગ્રેસ તથા વિરોધી પક્ષોના ષડયંત્રના ભાગરૂપે 60થી પણ વધુ તપાસ પંચો દ્વારા, સરકારી-બિનસરકારી સંસ્થાઓ તથા આંતરરાષ્ટ્રીય એનજીઓ દ્વારા તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલ એસઆઇટી દ્વારા પણ તપાસ થઈ છે અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ પીટીશન રીજેક્ટ કરેલ છે. આ લોબીએ હજી પણ આટલા વર્ષો પછી અને આટલી વખત નરેન્દ્રભાઈ મોદી ને ક્લિનચીટ મળી છે તો પણ તેમની રાજકીય પૂર્વાગ્રહ પ્રેરિત કાવતરા ચાલુ રાખ્યા છે અને તેથી જ આજે સુપ્રીમ કોર્ટને એવી ટીપ્પણી કરવી પડી છે કે “આ પ્રક્રિયાને 16 વર્ષથી માત્ર આ વિષયને જીવતો રાખવા માટે કરવામાં આવી છે અને સ્પષ્ટ છે કે તેનો હેતુ મલીન છે.”
સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું છે કે, આગળ સુપ્રીમ કોર્ટ એવું પણ કહ્યું છે કે “કોર્ટની પ્રક્રિયાનો દુર ઉપયોગ કરનાર તમામ લોકો કઠેડામાં હોવા જોઇએ અને તેમની ઉપર કાયદા હેઠળ કામ ચાલવું જોઇએ” આખી કાનૂની પ્રક્રિયા 20 વર્ષ ચાલી અને આ વિષયમાં સુપ્રીમ કોર્ટ 2012માં નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ ક્લિનચીટ આપી હોવા છતાં અલગ-અલગ રીતે આ વિષયને જીવિત રાખવા આ કેસ કરવામાં આવ્યો હતો અને મેજિસ્ટ્રેટ તથા ગુજરાત હાઇકોર્ટે તે કાઢી નાખ્યા પછી સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ આગેવાન કપિલ સિબ્બલ દ્વારા સળંગ આઠ દિવસ સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી અને તેનો ચુકાદો આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ કડક શબ્દો સાથે આ પિટિશન કાઢી નાખી છે. આખા દેશે આ પ્રક્રિયામાં એ જોયું છે કે સત્તા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ શકે છે અમને આશા છે કે હવે આ કેસનો આ કાયમી અંત હશે.