રાજકોટમાં ખાતે ત્રણ દિવસની રાજયકક્ષાની અન્ડર-૧૫ જવાહર નહેરૂ સબ જુનીયર ભાઇઓની હોકી સ્પર્ધાનો પ્રારંભ
અત્રે મેજર ધ્યાનચંદ હોકી મેદાન-રેસકોર્ષ ખાતે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવણી અને હોકી જાદુગર મેજર ધ્યાનચંદ જન્મ દિવસ ઉજવણી પ્રસંગે યોજાયેલ રાજયકક્ષાની ત્રણ દિવસની અંડર-૧૫ જવાહર નહેરૂ સબ જુનીયર હોકી સ્પર્ધા(ભાઇઓની)નો પ્રારંભ કરતા પ્રદેશ ભાજપના અગ્રણી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજે જણાવ્યુ હતું કે જીવનના કોઇપણ ક્ષેત્રમાં જીતનો વિશ્વાસ અનેરી સફળતા અપાવે છે.તેમણે ખેલાડીઓને શીખ આપતા જણાવ્યુ હતું કે જીતના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરવું જોઇએ. તમને ધ્યાનચંદ જેવા બનતા કોઇ રોકી શકશે નહીં. વ્યકિત રમતના મેદાનમાં પ્રગતિ કરીને એક સ્પોર્ટસમેન બનતો હોય છે.રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી રાજકોટ શહેર સંચાલિત આ રાજય કક્ષાની અંડર-૧૫ જવાહર નહેરૂ સબ જુનીયર હોકી સ્પર્ધામાં રાજયના વિવિધ જિલ્લાઓની કુલ ૩૦ ટીમો ભાગ લઇ રહી છે.આ તકે મેજર ધ્યાનચંદની જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. સમારોહના અધ્યક્ષસ્થાનેથી મેયર મતી બીનાબેન આચાર્યએ ખેલાડીઓને સ્પોર્ટસમેન સ્પીરીટથી રમીને નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં રમીને રાજયનું નામ રોશન કરવા અને સ્પોર્ટસ-રમત-ગમત ક્ષેત્રે ઉચ્ચ કારકીર્દી ઘડવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યુ કે ધ્યાનચંદે ત્રણ ઓલમ્પીકની સ્પર્ધામાં હોકીની રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને વિશ્વમાં સ્પોર્ટસમેન તરીકે નામના મેળવી હતી. તેમણે ઉમેર્યુ કે આ હોકીનું મેદાન આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે. આ અદ્યતન મેદાન બનાવવા માટે તત્કાલીન સમયના મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજે ઘર આંગણે સારા ખેલાડીઓ તૈયાર થાય તે માટે ખાસ જહેમત ઉઠાવેલ છે. મેયરએ આ તકે એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક મેળવીને ગૌરવ અપાવનાર રાજકોટના નીના વર્કીલને અભિનંદન આપ્યા હતા.રાજકોટ હોકીના વાયસ પ્રેસીડેન્ટ ડી.વી.મહેતાએ ખેલાડીઓને શુભકામના પાઠવીને હોકીને એક રમતના બદલે એક ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને ભવિષ્યના ધ્યાનચંદ બનવા અપીલ કરી હતી.