સ્થાનિકોના મત અંકે કરવા ટ્રમ્પની મેલી મુરાદ અમેરિકાનો વિકાસ જોખમમાં મુકશે
આખી દુનિયાને ડિજીટલ શિક્ષણનું ઘેલુ લગાડનાર અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત રાખવાનો નિર્ણય લઈ પોતાના પગ પર કુહાડો માર્યો છે. જે વિદ્યાર્થીઓ કલાસમાં હાજર રહી અભ્યાસ ન કરી શકે તેને વિઝા આપવામાં નહીં આવે. એકંદરે ઓનલાઈન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીને વિઝા આપવાનો નનૈયો ભણી દેવાયો છે. કોરોનાના કારણે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, વિદ્યાર્થીઓ કલાસમાં શિક્ષણ લઈ શકે તેમ નથી. યુનિવર્સિટીઓ પણ મજબૂર છે. અમેરિકામાં ચૂંટણી નજીક છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પે સ્થાનિકોના મત મેળવવામાં રાજકારણ ખેલી જાણ્યું છે. જો કે, હકીકત એ છે કે, અમેરિકાનું ભવિષ્ય વિદેશી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીના હાથમાં છે.
ભારતીય છાત્રોના કારણે જ શોભે છે વિશ્ર્વની ટોચની યુનિવર્સિટીઓ
દર વર્ષે લાખો ભારતીયો અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. કરોડો રૂપિયા ખર્ચે છે. ભારતીય વિદ્યાર્થીઓની અભ્યાસ ભુખ અન્ય દેશોના છાત્રો કરતા વધુ છે. જેના કારણે વર્ષોથી વાલીઓ પેટે પાટા બાંધીને છાત્રોને ભણાવે છે. લાખો રૂપિયા વિદેશમાં અભ્યાસ માટે ખર્ચે છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોની અનેક યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓના કારણે શોભી રહી છે. હાલ કોરોના વાયરસના કારણે તક જોઈને ડોનાલ્ડ ટ્રમ્પે રાજકીય દાવ ખેલ્યો છે. પરંતુ ટ્રમ્પ સરકાર એ ભુલી ગઈ છે કે, ભારત સદીઓથી વિશ્ર્વગુરૂ રહ્યું છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં અત્યાધુનિક શિક્ષણ તો હમણાથી શરૂ થયું. ભારતમાં તો નાલંદા, તક્ષશિલા જેવી વિશ્ર્વ વિદ્યાલયનો દાયકાઓથી ડંકો વાગી રહ્યો હતો.
અમેરિકા રાઈટ ઓફ એજ્યુકેશન ભુલ્યુ
ભારતમાં આશ્રમમાં રહીને જ્ઞાન મેળવવાની પરંપરા ચાલી આવતી હતી. ભારતનું વિદ્યાધન અખુટ છે. હાલ દેશમાં રહીને જે અભ્યાસ મળતો નથી તે અભ્યાસ મેળવવા માટે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. ભારતમાં સમાજ વ્યવસ્થા પણ અભ્યાસ પર નિર્ભર થઈ ચૂકી છે. ત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા એચ-૧બી વિઝા અને પછી સ્ટુડન્ટ વિઝા ઉપર સકંજો કસીને પોતાનું જ ભાવી જોખમમાં મુકી દીધું છે. સ્થાનિકોના મત મેળવવાના બહાને ડોનાલ્ડ ટ્રમ્પે કરેલ આ દુશાહસ મોંઘુ પડી શકે છે. શિક્ષણ મેળવવું દરેક વ્યક્તિનો અધિકાર છે. આ વાત વિશ્ર્વની મહાન હોવાનો દાવો કરતી લોકશાહી એટલે કે અમેરિકા ભૂલી ચૂકયું છે.
ભારતીય બુદ્ધિધનના કારણે મલ્ટીનેશનલ કંપનીઓની પાંખો વિસ્તરી
અમેરિકા કરતા ભારતીય પરંપરા અને સમાજ વ્યવસ્થા તદ્દન ભિન્ન છે. અમેરિકામાં શિક્ષણ ઉપર ગંભીરતા ઓછી છે. જ્યારે ભારતમાં સંતાનને ભણાવવા આખુ પરિવાર ઉંધેમાથે થતું હોય છે. લખલૂંટ ખર્ચો કરે છે. ભારતના બુદ્ધિધનના કારણે જ અત્યારે અમેરિકા ટકેલુ છે. અમેરિકાની મસમોટી કંપનીઓ હોય કે, સરકારી ક્ષેત્ર જ્યાં જુઓ ત્યાં ટોચના સ્થાને ભારતીય વ્યક્તિ જોવા મળે છે. નાની ઉંમરે ડિગ્રીની સાથે ઉંચો અભ્યાસ પ્રાપ્ત કરી ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાનો વિકાસ કરી રહ્યાં છે. ત્યારે ટ્રમ્પની આ બેવકુફીના કારણે લાંબા સમયે અમેરિકાને નુકશાન જશે.