અમેરિકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત વિદેશી વિદ્યાર્થીઓ માટેની યુનિવર્સિટીઓ એક જ સાથે કોર્ટમાં પહોંચી
અમેરિકામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
અમેરિકામાં વસવાની તેમજ અભ્યાસના હેતુથી કેટલાક વિદ્યાર્થીઓ યુએસમાં આશા લઈને જતા હોય છે. જેમાં તેમને વિઝા પોલીસીને લઈ કેટલીક અડચણો આવતી હોય છે. ત્યારે વિઝા પોલીસીમાં ફેરફારોને કારણે ટ્રમ્પથી નારાજ થયેલી ૬૫ યુનિવર્સિટીઓ કોર્ટના દ્વારે પહોંચી છે.
વિઝા પોલીસી સખ્ત કરતા વિદેશથી આવતા વિદ્યાર્થીના અમેરિકામાં પ્રવેશ માટે મુશ્કેલીઓ સર્જાય છે. જેને કારણે યુનિવર્સિટીઓને વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. આ બનાવ પ્રથમ વખત બન્યો છે કે, આટલી મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ એકી સાથે ટ્રમ્પ વિરોધી નારાજગી જતાવી રહી છે. ઓગષ્ટમાં ટ્રમ્પ સરકારે સ્ટુડન્ટ વિઝા પોલીસીમાં નિયમ બનાવ્યા તેના વિરોધમાં યુનિવર્સિટીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, ચીન, રશીયા, જર્મની, બ્રિટેન, કેનેડા, ભારત જેવા દેશોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. જો વિઝા પોલીસી આટલી જ સખ્ત રહી તો યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓ શોધવા સ્વદેશ છોડીને વિદેશ જવાનો વારો આવી શકે છે.
વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં આવતા અટકાવવા કોઈ યોગ્ય નિર્ણય ન હોવાનું ૬૫ યુનિવર્સિટીઓનું કહેવું છે. વિદેશી વિદ્યાર્થીઓની બાબતે અમેરિકાની હિસ્સેદારી ૨૦૦૦ના વર્ષમાં ૨૩ ટકા જેટલી હતી જે હવે ટ્રમ્પની વિઝા પોલીસીને કારણે ઘટીને ૧૬ ટકા થઈ ચૂકી છે. અમેરિકન શિક્ષણના ઈતિહાસમાં સૌપ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે, યુનિવર્સિટીઓએ સરકાર વિરુધ્ધ અરજી કરી હોય. ટ્રમ્પની પોલીસી મુજબ વિદ્યાર્થીઓએ વિઝા પુરા થયા પછી તરત જ દેશ મુકીને સ્વદેશ જવું પડે તેવા નિયમો બનાવ્યા. આ પૂર્વે એવા નિયમો હતા કે, વિઝાની અવધી પૂર્ણ થયાના છ મહિના સુધી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકતા હતા. જો કે પોલીસીમાં કરેલા ફેરફારોથી વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસ કરવો સ્વપ્ન બરાબર થઈ ગયું છે.