ટ્રમ્પની મુલાકાત ‘ઠગારી’ નિવડી!!!
ઉંચા ટેરીફના કારણે ભારત સાથે વ્યાપારીક સંબંધોમાં અમેરિકાને વેપાર ખાદ્ય જતી હોવાથી ટ્રમ્પ ચિંતિત : ટેરીફ મુદ્દે બંને દેશો વચ્ચે સમજુતી થવાના સંકેતો
અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસથી ભારતીય અર્થતંત્રને મસમોટો ફાયદો થશે તેવી આશા સરકારને હતી પરંતુ ટ્રમ્પની મુલાકાત અંતે ઠગારી નિવડી છે. ભારતનાં મહેમાન બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર કરવો હોય તો ટેરીફમાં રાહતની શરત મુકી હોય તેવી સ્થિતિ સર્જાય છે. એકંદરે ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં જોવા મળતી વેપાર ખાદ્યને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રમ્પ માટે વેપાર ખાદ્ય સૌથી મોટો પ્રશ્ર્ન છે. વર્તમાન સમયે ભારતમાંથી અનેક વસ્તુઓની નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે. અમેરિકા દ્વારા આ વસ્તુ ઉપર ઓછા ટેરીફ લેવાતા હોવાનો દાવો થયો છે જોકે જયારે અમેરિકા ભારતમાં પોતાનો સામાન નિકાસ કરે છે ત્યારે ભારત દ્વારા અમેરિકનના સામાન પર મસમોટા ટેરીફ નાખવામાં આવ્યા હોવાનું ફલિત થાય છે. પરીણામે ટ્રમ્પ હવે ભારત દ્વારા ટેરીફમાં રાહત આપવામાં આવે તેવું ઈચ્છે છે.
વર્તમાન સમયે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારીક સંબંધો લાંબા સમયથી સતત વિકસી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર અંદાજે ૯૨.૦૮ બિલીયન ડોલરનો હતો જેમાં એકસપોર્ટ ૩૪.૪૧ જયારે ઈમ્પોર્ટ ૫૭.૬૭ બિલીયન ડોલરે પહોંચી હતી પરીણામે વેપાર ખાદ્ય ૨૩.૨૬ બિલીયન ડોલરની જોવા મળી હતી. આ વેપાર ખાદ્ય જ ટ્રમ્પના માથાનો દુખાવો બની ચુકી હોય તેવું સામે આવ્યું છે. ભારતમાં અમેરિકાનો માલ ટેરીફનાં કારણે મોંઘો થઈ જાય છે. જયારે અમેરિકા તરફથી અપાતી ટેરીફ રાહતનાં કારણે અમેરિકામાં વેચાતો માલ સસ્તો હોય છે. ભારત તરફથી વધુ નિકાસ થાય છે ત્યારે અમેરિકા તરફથી ઓછી નિકાસ થાય છે માટે અમેરિકા ઈચ્છી રહ્યું છે કે ભારત દ્વારા લાદવામાં આવેલા ટેરીફનાં દર ઓછા રહે.
ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં ભારત દ્વારા લાદવામાં આવેલા મસમોટા ટેરીફની જાહેરમાં ટીકા કરી હતી. ટેરીફનો મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રમ્પનાં શાસનમાં વધુ અટપટો બન્યો છે. ટ્રમ્પ ભારત અને ચીનને વેપાર ખાદ્ય માટે જવાબદાર ઠેરવી ચુકયા છે. ગઈકાલે તેમણે કહ્યું હતું કે, ભારત સૌથી વધુ ટેરીફ ધરાવતો દેશ છે. ભારત સાથે વેપાર કરવો હોય તો સૌથી ઉંચો ટેરીફ ચુકવવો પડતો હોવાનું હું માનું છું. હાર્લી ડેવિડસન દ્વારા ભારતમાં મોટર સાયકલ મોકલવામાં આવે છે ત્યારે મોટો ટેકસ ઉઘરાવાય છે પરંતુ જયારે ભારતમાંથી સામાન અમેરિકામાં આવે છે ત્યારે અમે ટેકસ લેતા નથી માટે આ બાબત અયોગ્ય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી છે. અમે ટુંક સમયમાં ટેરીફ મુદ્દે સમાધાન કરશું જેનાથી બંને પક્ષ રાજી રહેશે. તેમણે પોતાના નિવેદનમાં આતંકવાદ કાશ્મીર સહિતનાં મુદ્દે મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી હતી. તેમના નિવેદનમાં ટ્રેડ ડિફિશીટની ચિંતા જોવા મળી હતી જો ભારત તરફથી ટેરીફ ઓછા કરવામાં આવશે તો વેપાર વધશે તેવો આગ્રહ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાખ્યો હતો.
નોંધનીય છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ પર સમગ્ર વિશ્ર્વની નજર છે. આ પ્રવાસ ભારત માટે ફાયદાકારક નિવડશે તેવું માનવામાં આવતું હતું પરંતુ ટ્રમ્પ તરફ ભારત દ્વારા રાખવામાં આવેલી તમામ આશા ઠગારી નિવડી રહી છે. ટ્રમ્પે ભારત સાથે અત્યારે આર્થિક કરાર કરવાનો નનૈયો ભણી દીધો છે. ટ્રમ્પ માટે આગામી નવેમ્બરમાં અમેરિકામાં થનારી ચુંટણી વધુ મહત્વની હોય તેમણે માત્ર ભારતીય મતને મેળવવા જ આ પ્રવાસ કર્યો હોવાનું સામે આવે છે. અધુરામાં પુરુ ભારતને કરોડો રૂપિયાના મિસાઈલ વહેંચી ટ્રમ્પ પરત ગયા છે. એકંદરે ભારત માટે ટ્રમ્પનો પ્રવાસ ફાયદાકારક નિવડયો નથી તેવું કહી શકાય. અમેરિકામાંથી ભારતમાં ઓઈલ, આલમંડ, સ્પેસક્રાફટ, સેટેલાઈટ, એરક્રાફટનાં પાર્ટ, પેટ્રોલિયમ ગેસ, હાઈડ્રોકાર્બન સહિતની વસ્તુઓની નિકાસ કરવામાં આવી છે આ તમામ વસ્તુઓ પર ઉંચા કરવેરાના કારણે મોંઘી પડે છે. અન્ય દેશોથી આવતી વસ્તુની સરખામણીએ અમેરિકાની વસ્તુઓ મોંઘી હોય છે. સામાપક્ષે ભારતમાંથી અનેક વસ્તુઓની નિકાસ અમેરિકામાં થાય છે આ વસ્તુઓ ઉપર ટેરીફ લેવામાં આવતું નથી અથવા તો ઓછું ટેરીફ લેવાય છે તેવો દાવો અમેરિકા કરી રહ્યું છે. પરીણામે ભારત અને અમેરિકાનાં વ્યાપારીક સંબંધોમાં વેપાર ખાદ્ય ઘટી જાય તેવી ઈચ્છા ટ્રમ્પની છે.