અમેરિકાના રાજદ્વારી ઈતિહાસમાં સૌપ્રથમ વખત પ્રમુખગત લોકતાંત્રીક ચૂંટણી વ્યવસ્થા સામે આંગળી ચિંધાય, ટ્રમ્પ પરીણામો માનવા તૈયાર નથી, જો ગેરરીતિના આક્ષેપો માન્ય રહે તો ફેરચૂંટણી, અંધાધૂંધી અને ટ્રમ્પકાર્ડનો પ્રભાવ અમેરિકાની દિશા અને દશા બદલી દેશે
જગત જમાદારનું બિરુદ અને પ્રમુખગત આદર્શ લોકતંત્રની છાપ ધરાવતા અમેરિકાની આ વખતની ચૂંટણીએ સમગ્ર દેશની દિશા અને દશા બદલાવી નાખી હોય તેમ વિશ્ર્વના સૌથી મોટા લોકતાંત્રીક દેશની ચૂંટણી વ્યવસ્થા સામે આંગળી ઉઠી ચૂકી છે અને ટ્રમ્પકાર્ડનું પરિબળ હવે વૈધાનિક રીતે વધુ સશક્ત બને તેવી પરિસ્થિતિમાં અમેરિકામાં અત્યારે રાજકીય-સામાજીક અને વિચારધારાનું જબરુ વિભાજન તોળાઈ રહ્યું છે.
અમેરિકામાં વિશ્ર્વની આદર્શ લોકશાહીની છાપ ધરાવતા અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ થયાના ડોનાલ્ડ ટ્રમ્પ આક્ષેપો અને પરીણામો કોઈપણ સંજોગોમાં માન્ય ન રાખવાની ટ્રમ્પની જીદનું ટ્રમ્પ કાર્ડ અમેરિકાની દિશા અને દશા બદલાવી નાખે તેવા સમીકરણો ઉભા થયા છે. અમેરિકામાં ક્યારેય થયું ન હોય એન કલ્પના પણ ન થઈ હોય તેવી પરિસ્થિતિમાં સમગ્ર ચૂંટણી વ્યવસ્થા સામે જ પ્રશ્ર્નો ઉભા થઈ ચૂક્યા છે. અમેરિકનોમાં સ્પષ્ટપણે બે ભાગલા પાડનારી આ પરિસ્થિતિમાં એક તરફ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીના પરિણામો માન્ય નથી અને તે ફેરચૂંટણીની માંગણી મજબૂતીથી આત્મવિશ્ર્વાસ સાથે કરી રહ્યાં છે. બીજી તરફ બિડેને પોતાની જાહેર થયેલી જીતને પ્રસ્થાપિત કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન અમેરિકા સાથે મૈત્રી ધરાવતા રાષ્ટ્રોને પોતાની પડખે રાખવા માટે રાજદૂતના પ્રવાસો શ કરાવી દીધા છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં સ્પષ્ટપણે ગેરરીતિ થઈ છે અને ગણતરી અમાન્ય રાખવાની માંગ સાથે સમગ્ર મામલો અદાલતમાં લઈ જવાયો છે. ટ્રમ્પની આ કવાયતને મોટી સફળતા મળી છે અને જ્યોર્જીયામાં મત પત્રોની ફેરગણતરીના આદેશો થયા છે.
જ્યોર્જીયાના મુખ્ય ચૂંટણી અધિકારીએ બુધવારે જાહેર કર્યું હતું કે, પંચ દ્વારા ૩જી નવેમ્બરે યોજેલી પ્રમુખની ચૂંટણી માટેના તમામ મતોની ફેરગણતરીનો નિર્ણય લીધો છે. ગણીતીક રીતે સંપૂર્ણ રીતે પદ્ધતિસર ધોરણે હાથો હાથથી ગણાયેલા આ મતોમાં હારજીત વચ્ચેની પાતળી સરસાઈના કારણે મત ગણતરીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. સચિવે બ્રાડ રેફેન્સ કરગરે જણાવ્યું હતું કે, આ ફેર મત ગણતરી એકાદ અઠવાડિયામાં જ શ કરવામાં આવશે. ટ્રમ્પના સમર્થકોને જ્યોર્જીયામાં ફેર મત ગણતરી કરાવવામાં સંવેધાનીક રીતે સફળતા મળી છે. જો જ્યોર્જીયાનું પરીણામ અગાઉ જાહેર થયું અને તેમાં પરિવર્તન આવે અને હાર-જીતના પાસા ફરી જાય તો સમગ્ર અમેરિકામાં ફેર મત ગણતરીથી લઈને ફેર મતદાન સુધીની નોબત આવી પડે. અત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનના સમર્થકો વચ્ચે કસોકસની વૈચારીક લડતના મંડાણ થઈ ગયા છે અને ડેમોક્રેટ અને રિપબ્લીક સમર્થકોમાં બે ભાગલા પડી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે હજુ વહીવટી પક્કડ પોતાના હાથમાં રાખી છે અને નવા પ્રમુખને સત્તાનું હસ્તાંતર કરવાનો ઈન્કાર કરી દીધો છે.
અત્યાર સુધી જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પને જીદ્દી અને પોતાનું ધાર્યું કરવામાં છેલ્લે સુધી લડી લેવાના મિજાજવાળા વ્યક્તિ ગણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જાહેર થઈ ત્યારથી આક્રમક વલણ અખત્યાર કર્યું છે. તે પોતાનો પરાજય અને બિડેનનો વિજય કોઈ કાળે સ્વીકારવા તૈયાર નથી. તેમણે પોતાની ટીમનું ગઠન કરવાની શઆતની સાથે સાથે નવી વ્યવસ્થાને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ટ્રમ્પ સતતપણે તેમના વિજયનો દાવો કરી રહ્યાં છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા અને ખાસ કરીને મત ગણતરીમાં મોટાપાયે ગેરરીતિ થયાનો પોતાનો પક્ષ મજબૂત રીતે પકડી પાડ્યો છે. અમેરિકનોમાં પણ ટ્રમ્પ કાર્ડ અને ચૂંટણી પ્રક્રિયા અંગે ઉભા ફાડીયા જેવું વિભાજન થઈ ગયું છે. રિપબ્લીકના પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા સામે જે આક્ષેપો કર્યા છે તેને ક્યાંક-ક્યાંક બળ મળી રહ્યું છે. ફિલાડેલ્ફીયાના કમિશનર અને રિપબ્લીકનના નેતાએ ચૂંટણી અંગેના સમાચારોમાં પણ શંકા ઉભી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વાત મજબૂત રીતે પકડી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિમણૂંકમાં પણ પોતાના સભ્યોને મુકવાની વાત કરી છે. બરાક ઓબામાને ટેરેરીસ્ટ ગણાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિણામોને માનવા તૈયાર નથી. બીજી તરફ જો બિડનની ટીમે પણ સત્તા હસ્તાંતરની પ્રક્રિયા શ કરવા માટે દબાણ કર્યું છે. ટ્રમ્પ અને તેની રિપબ્લીકના પાર્ટીના આગેવાનો પોતાના પરાજયને કોર્ટમાં પડકારીને ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનું કહી રહ્યાં છે. ટ્રમ્પ ભલે ચૂંટણીમાં નિષ્ફળ નિવડ્યા હોય પરંતુ તે હાર માનવા તૈયાર નથી. આવનાર દિવસોમાં ચૂંટણી પરીણામોની વિસંગતતા અમેરિકનોમાં ભાગલા પાડી દે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.