વાત છે મહાભારતના યુદ્ધ પછીની. ધૃતરાષ્ટ્રે જાહેરાત કરી કે એને પાંડવોને અને તેમાંય ખાસ કરીને ભીમને મળવાની ઈચ્છા છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રના કપટને જાણતા હતા. તેથી તેમણે ભીમના આકારની લોખંડની મૂર્તિ બનાવડાવી અને ધૃતરાષ્ટ્ર સામે ધરી. અંધ ધૃતરાષ્ટ્ર પ્રેમ ઊભરાયાનો દેખાવ કરતો ભીમના પૂતળાંને વળગી પડ્યો અને એવી બાથ ભીડી કે તે પૂતળું કચડાઈ ગયું ! લોખંડના પૂતળાંની આ દશા કરી તો પ્રત્યક્ષ ભીમ મળ્યા હોત તો શું થાત ? શું ધૃતરાષ્ટ્ર ખરેખર ભીમને ‘ મળ્યા ’ કહેવાય ? સંસારમાં અનુભવાય છે કે આપણે બધા – પતિ – પત્ની, ભાઈ – ભાઈ, માતા પિતા અને સંતાનો ઘરમાં રોજ મળતા જ હોઈએ છીએ. છતાં તેમાં છૂટાછેડા, અલગ ઘર થવા, ઘરમાં ઝઘડા થવા, કોર્ટ – કચેરી સુધી પ્રશ્નો જવા વગેરે પ્રસંગો કેમ બનતા હોય છે ? ‘મળવું’નો અર્થ માત્ર સ્થૂળ રીતે ભેગા થવું એ નથી. ‘મળવા’નું રહસ્ય તો કંઈક જુદું જ છે.
વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ રોજના લગભગ 400 થી 500 વ્યક્તિને મળતા. સવાર, બપોર ને સાંજ તેઓ સૌને મળતા જ રહેતા. પરંતુ તેઓનાં ‘મિલન’ની રીત કંઈક જુદી હતી. ઘણીવાર મળવા આવનાર વ્યક્તિના પ્રશ્નો સામાન્ય હોય, ક્યારેક વિચિત્ર હોય… પણ પ્રમુખસ્વામી મહારાજ તેમાં પણ ઊંડા ઊતરી જે તે વ્યક્તિને સંતોષકારક યથાર્થ ઉત્તર આપતા. કારણ કે તેઓને મન દરેક વ્યક્તિ અને દરેકના પ્રશ્નો અગત્યના હતા.
એકવાર સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ બિરાજમાન હતા. તે સમયે મુલાકાત દરમ્યાન ગામડાના એક સામાન્ય ખેડૂતે આવીને પૂછ્યું : ‘બાપા ! મારે કૂવો કયાં કરવો ?’ પ્રમુખસ્વામી મહારાજે તેના ખેતરનો નકશો માંગ્યો. નોટબુકના લીટીવાળા કાગળ પર તે નકશો હાથથી ચીતરીને લાવેલા. પ્રમુખસ્વામી મહારાજે તેને જોતાં ‘ ખેતરનો ઢાળ કઈ બાજુ છે ? ’ વગેરે પ્રશ્નો પૂછી તેને કૂવો કરવાની દિશા ચીંધી. કચાં વિશ્વ કક્ષાએ લોકોને આભા બનાવી દે એવા મંદિરોના સર્જક પ્રમુખસ્વામી મહારાજ જેવી મહાન વિભૂતિ અને ક્યાં કૂવો ખોદવાનું માર્ગદર્શન !!! સામેની વ્યક્તિમાં રસ લેવો, તેની વિગતોને શાંતિથી, એકાગ્રતાથી સાંભળવી, તેને સમજીને ઉત્તર આપવો તેનું નામ ’મિલન’. શું આવું મિલન ઘરના સભ્યો સાથે આપણે કરીએ છીએ ? આપણે ઘરના સભ્યોને મળીએ છીએ, પણ તેની સામાન્ય જણાતી વાતમાં આ રીતે ધીરજ રાખીને રસ લઈએ છીએ ? ‘ મિલન ’ એટલે જે તે વ્યક્તિની મુશ્કેલીઓનો, નબળાઈઓનો સંપૂર્ણ ખ્યાલ હોવો.
એક કુટુંબના મોભી પિતા ગુજરી ગયા. મિલકતની વહેંચણી થઈ. સ્વાભાવિકપણે તેમાં તેઓનાં પત્નીનો ભાગ હોય જ. બંને દીકરાઓએ પોતાનો ભાગ લઈ લીધો, પણ બંને દીકરાઓ માતાને પોતાના ઘરે રાખવા માટે આગ્રહ કરવા લાગ્યા ! આવો ઊભરાઈ રહેલો માતૃપ્રેમ જોઈને માતા બોલ્યા: ‘ હું કયા રોગની, ત્રણ દવા લઉં છું તે જે પુત્ર જણાવી શકે તેની સાથે હું રહીશ. ’ માતાના આ એક પ્રશ્નથી બન્નેનાં પાણી મપાઈ ગયાં ! કારણ કે બંનેમાંથી એક પણ પુત્રે માતાના અંગત જીવનમાં રસ લીધો જ નહોતો, તેમની મુશ્કેલીને જાણતા જ નહોતા અને તેમના પ્રશ્નોને સમજવા પ્રયત્ન જ નહોતો કર્યો. એટલે સાથે રાખવાનો આગ્રહ તો કેવળ માતાની મિલ્કતનો ભાગ પોતાને મળે તે માટેનો જ હતો !
મળવું એટલે જે તે વ્યક્તિના રસ, રુચિ, સ્વભાવ, વગેરેને યથાર્થ રીતે ઓળખવું. પ્રમુખસ્વામી મહારાજમાં આ ગુણનો અનુભવ નજીકમાં રહેનારા સૌને થતો. પ્રમુખસ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. ભોજન સમયે તેઓ પાસે ગલકાંનાં ભજીયાં આવ્યાં. તરત જ પ્રમુખસ્વામી મહારાજે સામે બેઠેલા વૃદ્ધ હરિભક્તને યાદ કર્યા: ‘ભાઈકાકાને ગલકાંનાં ભજીયાં ભાવે છે. માટે તેમને તે આપો.’ રોજના સેંકડો માણસોને મળતા પ્રમુખસ્વામી મહારાજ દરેકની રસ રુચિનો કેટલો ખ્યાલ રાખતા હશે ! પતિ – પત્નીના સંબંધોની વાત કરતાં ‘રીડર્સ ડાઈજેસ્ટ’માં પ્રશ્ન પૂછાયેલો કે, ‘ તમારા જીવનસાથીને કયો રંગ ગમે છે ? ’ સામાન્ય જણાતી આવી બાબતોથી ઘણા અજાણ હોય છે. તેથી તેઓએ પ્રેમપૂર્વક આપેલી વસ્તુઓ પણ કદાચ સામેના પાત્રને સંતોષ નથી આપી શકતી. વ્યક્તિની રસરૂચિ મુજબ પીરસવામાં આવેલ વાનગી કે ઉપહાર સહુ કોઈને ગમે છે. સાથેની વ્યક્તિના રસ – રુચિનો અભ્યાસ કરવો તેનું નામ ‘ મિલન ’ છે.
એકવાર જ્યારે પ્રમુખસ્વામી મહારાજ નૈરોબી પધાર્યા ત્યારે સંતોએ નોંધ્યું કે હરિભક્તો તેઓને પગે લાગવા આવે ત્યારે સૌ માથું નમાવે છે અને તે સૌનાં મસ્તક પર પ્રમુખસ્વામી મહારાજ હસ્ત મુકી આશીર્વાદ આપે છે. પણ એક હરિભક્ત કાયમ તેમાંથી બાકાત રહે છે. તેઓ મસ્તક નમાવે છતાં કાયમ પ્રમુખસ્વામી મહારાજ તેના ખભા પર હસ્ત મુકીને જ તેને આશીર્વાદ આપે છે. એક દિવસ જિજ્ઞાસાથી એક સંતે પ્રમુખસ્વામી મહારાજને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે સ્પષ્ટતા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે: ‘તે હરિભક્ત માથા પર વીગ પહેરે છે. આપણે માથા પર હાથ મૂકીએ ને તેમની વીગ ખસી જાય તો તેમનું લોકમાં સારું ન દેખાય, તેથી ખભા પર હાથ મૂકું છું.’ આ છે સાચું ’મિલન’. તો ચાલો, મહાપુરુષનો આ ગુણ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા સ્નેહીઓને યથાર્થ જાણી સાચા અર્થમાં તેમને મળીએ.