કિર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્યમંત્રી રૂપાણી તથા ભાજપ પ્રમુખ અમિત શાહ સહિતના સહભાગી બન્યા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૯મી જન્મજયંતિ નિમિત્તે તેમના પોરબંદર સ્થિત જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનામાં રાજયપાલશ્રી ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપ પ્રમુખ અમીતભાઇ શાહ સહપ્રાર્થી તરીકે જોડાયા હતા અને પૂ. બાપુને સ્મરણાંજલી આપી હતી.પ્રથમ મહાનુભાવોએ પૂ. બાપુનો જયાં જન્મ થયો હતો, તે કક્ષની મુલાકાત લીધી હતી. બાદમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના આદમકદના તૈલચિત્રને પુષ્પો અર્પણ કર્યા હતા. અહીં પ્રતિ વર્ષ બીજી ઓકટોબરે યોજાતી સર્વધર્મ પ્રાર્થનામાં આ મહાનુભાવો જોડાયા હતા.રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતુ કે ગાંધીજીને ગયા તેને ૭૦ વર્ષ થયા હોવા છતા તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તેઓ વ્યકિત નહી પણ વિચાર હતા. આજના હિંસા અને કુલષિત વાતાવરણમાં તેમના વિચારો સર્વાધિક પ્રસ્તુત છે. આતંકવાદ જેવી સમસ્યા સામે અહિંસા પણ શસ્ત્ર છે.શ્રી કોહલીએ જણાવ્યું કે ગાંધીજીએ કહેવાની સાથે તેનું આચરણ પણ કર્યુ છે. તેમની નૈતિકતાના સિધ્ધાંતો અંગત અને સાર્વજનિક જીવનમાં અમલ કરવા જોઇએ.શ્રી કોહલીએ ગાંધીજીને સ્વચ્છતા થકી શ્રધ્ધાંજલી એ જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે તેવું ભારપૂર્વક જણાવ્યુ હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે જણાવ્યુ કે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધીએ આપેલો છે. સત્યા,અહિંસા અને કરૂણા તેમના પાયાના સિધ્ધાંતો છે જે દરેકને રાહ ચિંધે છે.શ્રી રૂપાણીએ જણાવ્યુ કે ગાંધીજીએ સ્વરાજયથી સુરાજયની વ્યાખ્યા કહી હતી અને તે માટે તેમણે રામરાજયની પરિકલ્પના કરી હતી. દરેકની ખેવના અને દરકાર, જનજનનું હિત થાય તેવું તેઓ ઇચ્છતા હતા.