૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકામાં ૩૪ બોર્ડ બેઠક મળી

પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, અશ્ર્વિન ભોરણીયા, દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, જયમીન ઠાકર, અંજનાબેન મોરજરીયા, પ્રિતીબેન પનારા, દેવુબેન જાદવ, સજુબેન કળોતરા અને જ્યોત્સનાબેન ટીલાળા તમામ ૩૪ બોર્ડમાં હાજર

ગુટલી મારવામાં કોંગી કોર્પોરેટરો નંબર-૧: મકબુલ દાઉદાણી સૌથી વધુ ૧૩ વખત જનરલ બોર્ડમાં ગેરહાજર: વિજય વાંક પણ ૧૦ વખત ન ડોકાયા: દિલીપ આસવાણી, પારૂલબેન ડેર, ઉર્વશીબેન પટેલ અને સ્નેહાબેન દવેએ પણ ૯ વખત ખાડા પાડ્યા

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદત સત્તાવાર રીતે આવતીકાલે સાંજે પૂર્ણ થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશનમાં ૩૪ વખત બોર્ડ બેઠક મળી હતી. જેમાં ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરો પૈકી માત્ર ૧૦ નગરસેવકોએ જ સાચા જન સેવકની વ્યાખ્યાને પરિપૂર્ણ કરતા તમામ બોર્ડ બેઠકમાં ફૂલ હાજરી આપી હતી. તો બીજી તરફ ૧૧ નગરસેવકો એવા છે કે જે માત્ર એક જ બોર્ડ બેઠકમાં અનિવાર્ય સંજોગોના કારણે ગેરહાજર રહ્યાં હતા. ગુટલી મારવામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નગરસેવકો નંબર-૧ રહ્યાં છે. મકબુલ દાઉદાણી સૌથી વધુ ૧૩ વખત બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યાં હોવાનું ઓન રેકોર્ડ નોંધાયું છે.

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીનું પ્રથમ જનરલ બોર્ડ ૧૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ મળ્યું હતું. ત્યારથી લઈ અત્યાર સુધીમાં ૩૪ વખત બોર્ડ બેેઠક મળી છે. નિયમ અનુસાર દર બે મહિને ફરજિયાતપણે બોર્ડ બેઠક બોલાવવી પડે છે જેમાં પ્રજાને લગતા પ્રશ્ર્નોની ચર્ચા થાય છે. પ્રજાએ જે વ્યક્તિને ખોબલા મોઢે મત ભરી જનપ્રતિનિધિ બનાવ્યા તેની સામાન્ય ફરજ રહે કે તે દર બે મહિને યોજાતી જનરલ બોર્ડની બેઠકમાં હાજરી આપે અને પોતાના મત વિસ્તારના પ્રશ્ર્ન અધિકારી સમક્ષ રજૂ કરે પરંતુ રાજકોટવાસીઓના નસીબમાં એવા જન પ્રતિનિધિઓ લખાયા ન હોય તેવું લાગી રહ્યું છે. ૧૮ વોર્ડના ૭૨ નગરસેવકો પૈકી આંગળીના વેઢે ગણી શકાય તેટલા ૧૦ કોર્પોરેટરોએ જ તમામ ૩૪ બેઠકમાં હાજરી આપી હોવાનું નોંધાયું છે.

જેમાં પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, અશ્ર્વિન ભોરણીયા, દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, જયમીન ઠાકર, અંજનાબેન મોરજરીયા, પ્રિતીબેન પનારા, દેવુબેન જાદવ, સજુબેન કળોતરા અને જ્યોત્સનાબેન ટીલાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૧ નગરસેવકો એવા છે કે જે અનિવાર્ય કારણો સબબ એક બોર્ડ બેઠકમાં હાજર રહી શકયા નથી. જેમાં દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, અશ્ર્વિન મોલીયા, અજય પરમાર, રાજુભાઈ અઘેરા, શીલ્પાબેન જાવીયા, કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, બીનાબેન આચાર્ય, વર્ષાબેન રાણપરા અને અનિતાબેન ગૌસ્વામીનો સમાવેશ થાય છે.

ગુટલી મારવામાં કોંગ્રેસના નગરસેવકોએ મેદાન માર્યું છે. કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણી ૩૪ પૈકી ૧૩ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યાં છે. જ્યારે બીજા ક્રમે વિજય વાંક ૧૦ વખત બોર્ડ બેઠકમાં ડોકાયા નથી. આ ઉપરાંત દિલીપભાઈ આસવાણી, પારૂલબેન ડેર, ઉર્વશીબેન પટેલ અને સ્નેહાબેન દવા નવ-નવ વખત બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યાં છે.  જ્યારે જયાબેન ટાંક ૮ વખત ગેરહાજર રહ્યાં હોવાનું નોંધાયું છે. જ્યારે ભાજપના કોર્પોરેટર સોફિયાબેન દલ ઉપરાંત નીતાબેન પુરબીયા, વશરામભાઈ સાગઠીયા ૭ વખત, ઉદયભાઈ કાનગડ, કશ્યપભાઈ શુકલ, નીતિનભાઈ ભારદ્વાજ, ગાયત્રીબા વાઘેલા, પરેશ હરસોડા, ઉર્વશીબા જાડેજા, જાગૃતિબેન ડાંગર, માધુબેન હેરભા, રસીલાબેન ગરૈયા, વલ્લભભાઈ પરસાણા, ઘનશ્યામસિંહ જાડેજા, જયંતીભાઈ બુટાણી અને નિર્મળભાઈ મારૂ છ-છ વખત બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યાંનું ઓન રેકોર્ડ નોંધાયું છે.

સામાન્ય રીતે નગરસેવકો દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠકમાં હાજરી આપી પોતાના પ્રશ્ર્નો રજૂ કરે તેવી અપેક્ષા મતદારો રાખતા હોય છે. પરંતુ રાજકોટના ૭૨ કોર્પોરેટરો પૈકી માત્ર ૧૦ કોર્પોરેટરોએ જ સાચા જનસેવક હોવાનું પુરવાર કર્યું છે. મકબુલ દાઉદાણી જેવા નગરસેવક તો ૧૩ વખત ગેરહાજર રહ્યાં હોવાનું નોંધાયું છે. આ મહાશયે માત્ર ૪ વખત જ બોર્ડમાં ગેરહાજર રહેવા સબબ રજા રીપોર્ટ મુક્યો હતો જ્યારે ૯ વખત તો રજા રીપોર્ટ મુક્યા વગર જ ગુટલી મારી દીધી હતી. અમુક નગરસેવકો જ્યારે જ્યારે ગેરહાજરી રાખી ત્યારે ત્યારે તેમને નિયમોનુસાર બોર્ડમાં હાજરી ન આપવા સબબ રજા રીપોર્ટ પણ રજૂ કર્યા છે. જેમાં આશીષ વાગડીયા, દર્શિતાબેન શાહ, અશ્ર્વિનભાઈ મોલીયા, દક્ષાબેન ભેંસાણીયા, અરવિંદભાઈ રૈયાણી, અનિલ રાઠોડ, અજય પરમાર, રાજુભાઈ અઘેરા, જાગૃતિબેન ધાળીયા, કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, જયાબેન ડાંગર અને અનિતાબેન ગૌસ્વામીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.