પંદર દિવસ બાદ બહેનના લગ્ન કરી વિદાય આપવામાં આવે તે પહેલાં નાના ભાઇને યમનું તેડુ આવતા પરિવારમાં કરૂણાંતિકા
શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા કરણ અર્જુન પાર્ટી પ્લોટ નજીક ઠાકર ચોકમાં બાઇક સવાર એન્જિનીયરીંગના વિદ્યાર્થી ટ્રકના તોતીંગ વ્હીલ નીચે ચગદાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા પાસે આવેલા શ્યામનગરમાં રહેતા અને કાલાવડ રોડ પર આવેલી એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા સાગર ધીરજલાલ જરીયા નામનો ૧૮ વર્ષનો લોધા યુવાન પોતાના મિત્ર ધ્રુવીન મીરપરા સાથે સ્કૂટર પર આવી રહ્યા હતા ત્યારે નવા રીંગ રોડ પર કરન અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોચ્યા ત્યારે નમકીનો ટ્રક યમદુત બનીને ઘસી આવ્યો હતો અને બંને આશાસ્પદ વિદ્યાર્થીઓને હડફેટે લીધા બાદ સાગર જરીયા ટ્રકના તોતીંગ વ્હીલ નીચે ચગદાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ધ્રુવીન મીરપરા ઘવાતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જીવલેણ અકસ્માત સર્જાયાની તાલુકા પોલીસને જાણ થતા પી.એસ.આઇ. સોલંકી સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન મૃતક સાગર જરીયાના કુટુંબીક મોટા બાપુનું ગઇકાલે જ અવસાન થયું હોવાથી સગા સંબંધીઓ ત્યાં વ્યસ્ત હતા જ્યારે બીજી બાજુ સાગર જરીયાની મોટી બહેન પ્રિયા જરીયાના આગામી તા.૧૭મી જાન્યુઆરીએ લગ્ન હોવાથી પરિવારજનો લગ્નની તૈયારીમાં હતા અને બહેનને સાસરે વિદાય આપવામાં આવે તે પહેલાં નાના ભાઇને વસમી વિદાય આપવી પડે તેવી સ્થિતી સર્જાતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.