વીમા કંપનીએ છકડામાં મુસાફરી કરતા વ્યક્તિના અકસ્માત બાદ વળતર ચૂકવવાની ના પાડી, કોર્ટે વળતર ચૂકવવાનો ચુકાદો આપતા કંપની હાઇકોર્ટ પહોંચી
ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતો છકડો પેસેન્જર વ્હીકલ કહેવાય કે પછી માલસામાનની હેરફેરનું વાહન? આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રસપ્રદ દલીલો થઈ હતી. જેમાં હાઈકોર્ટે ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા છકડાને પેસેન્જર વાહન પણ ગણાવ્યું છે. મે 2009માં છકડામાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. મૃતકના વારસદારોએ વળતર માટે દાવો કરતા મામલો મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યૂનલ ગયો હતો. જ્યાં કોર્ટે ઈન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્સને મૃતકના વારસદારોને 5.20 લાખ રુપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે, ઈન્શ્યોરન્સ કંપનીએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
વાત જાણે એમ છે કે છોટાઉદેપુર જિલ્લામાં મે 2009માં એક છકડો વીજળીના થાંભલાને અથડાયો હતો. જેમાં તેમાં મુસાફરી કરી રહેલા નગીન રાઠવા નામના વ્યક્તિનું મોત થયું હતું. 2019માં આ મામલે મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યૂનલે વીમા કંપની તેમજ છકડાના માલિકને મૃતકના પરિવારજનોને 5.20 લાખ રુપિયા વળતર તરીકે ચૂકવી દેવા ઓર્ડર કર્યો હતો. બજાજ એલિયાન્સે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારતા દાવો કર્યો હતો કે છકડાના ડ્રાઈવર અમરસિંહ રાઠવા પાસે વાહન ચલાવવાનું માન્ય લાઈસન્સ નહોતું. એટલું જ નહીં, જે વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું તેઓ પેસેન્જર વ્હીકલમાં પ્રવાસ પણ નહોતા કરી રહ્યા. કંપનીએ દાવો કર્યો હતો કે, છકડો તો માલસામાનની હેરફેર માટે છે. તેમાં પેસેન્જર ટ્રાવેલ ના કરી શકે.
કંપનીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે છકડાની આરસી બુકમાં પણ દર્શાવેલું છે કે તે ગુડ્સ કેરિયર છે અને તેમાં માત્ર એક જ વ્યક્તિ (ડ્રાઈવર)ને મુસાફરી કરવાની પરવાનગી છે. આ કેસમાં રાઠવા એકમાત્ર પેસેન્જર હતા, અને છકડામાં કોઈ સામાન નહોતો અને આ હકીકત મૃતકના પરિવારજનોએ ટ્રીબ્યૂનલ સમક્ષ પણ રજૂ કરી છે. છકડો પેસેન્જર વ્હીકલ ના હોવા છતાંય તેમાં પેસેન્જરને બેસાડીને વીમા પોલિસીની શરતોનો ભંગ કરાયો છે, જેથી કંપની કોઈ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી તેમ બજાજ એલિયાન્સના વકીલે કોર્ટને જણાવ્યું હતું.
કંપનીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મૃતક સામાન સાથે મુસાફરી કરી રહ્યા હોય તેવો પણ કોઈ પુરાવો રજૂ નથી કરાયો. વળી, છકડામાં સિટિંગ કેપેસિટી પણ નથી. હાઈકોર્ટે આ કેસને એડમિટ કરી તેની વધુ સુનાવણી છ સપ્તાહ બાદ મુકરર કરી છે.વીમા કંપનીની આ દલીલ પર જસ્ટિસ ગીતા ગોપીએ જણાવ્યું હતું કે છકડો સામાનની હેરફેર માટે વપરાતું સાધન ચોક્કસ છે, પરંતુ ગુજરાત સરકારે જ તેને પેસેન્જર વ્હીકલ તરીકે માન્યતા આપી છે. જે વિસ્તારોમાં પરિવહનના સાધનો અપૂરતા છે ત્યાં છકડાને પેસેન્જર વ્હીકલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તેવું ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડેલું છે. વીમા કંપનીને પણ આ અંગે માહિતી હોવી જોઈએ. જો વીમા કંપની સરકારના નોટિફિકેશનને પડકારશે તો તેનો ધંધો બંધ થઈ જશે.