- રૂ.64.73 લાખનો મુદ્દામાલ કબ્જે
થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગરો દ્વારા મોટાપાયે દારૂનો સ્ટોક એકઠો કરી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ચોટીલા શહેરી વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન 59.71 લાખનો કિંમતની શરાબની 59,713 બોટલ ઝડપાઈ હતી. પોલીસે દારૂ, ટ્રક મળી રૂ.64.73 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલા હાઈવે પરથી અંગ્રેજી દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે હાઈવે પર પોલીસે વાહનચેકિંગ તેમજ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ પાસેથી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ હાલતમાંથી પસાર થતાં એક ટ્રકને અટકાવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકચાલકે પોતાનું નામ ઓપારામ ઉર્ફે ઓપી સૌરમરામ સારણ (રહે. ઠે.રામડાવાસ, જિ.જોધપુર, રાજસ્થાન)હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તલાસી લેતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ 59,712 મળી આવી હતી. પોલીસે રૂા.59,71,200 લાખની કિંમતનો દારુ, મોબાઇલ, રોકડ રુ. 1200 અને ટ્રક મળી કુલ રૂા.64.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ટ્રકચાલક સહિત દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સ ભાવેશ, દિનેશ નામનો વ્યક્તિ અને દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂના જથ્થાના વહન માટે ટ્રક આપનાર ટ્રકમાલીક સહિતનાઓની સંડોવણી બહાર આવતા તમામ વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચોટીલા પોલીસે મોટાપાયે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પકડાયેલ ચાલકની પુછતાછમાં ટ્રક ભરીને આપનારે રાજકોટ પહોચ્યાં પછી ફોન કરવાની વિગતો પોલીસને હોવાનું ખુલ્યું છે. પકડાયેલા જથ્થાની બોટલ ઉપર ગોવાનું ઉત્પાદન હોવાનું લખાણ છે. તે જોતા મજુર વર્ગમાં વેચાણ થાય તે પ્રકારનો જથ્થો છે. રાજકોટ વિસ્તારની ઔધોગિક વસાહત વિસ્તારનાં કોઇ બુટલેગરનો હોવાની આશંકા ઉપજાવી રહેલ છે.
પોલીસને ટ્રક લોડીંગ બિલ્ટી મળી છે. જેમા ટ્રકમાં હાર્ડવેર આઇટમ હોવાનું અને વેરાવળ જીઆઇડીસીમાં આવેલા સન પ્રકાશ મરીન ટ્રેડર્સને પહોંચતો કરવાનું લખાયેલ છે. પકડાયેલ આરોપીની પુછતાછમાં બિલ્ટી નાં આધારે રાજકોટ પહોંચવાનું હતું પરંતુ તે પહેલા જ ચોટીલા પોલીસે ઝડપી લીધો છે.
એક સપ્તાહમાં ચોટીલા પંથકમાંથી દારૂની 90 હજાર બોટલ ઝડપાઈ
31 ડિસેમ્બર પહેલા એક સપ્તાહમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઇંગ્લીશ દારૂ ચોટીલા વિસ્તારમાંથી ઝડપાયો છે. વિગત મુજબ નાવા ગામે ચાલુ કટીંગમાં એસએમસીનાં હાથે 5433 બોટલ,ચોટીલા પોલીસનાં હાથે નાની મોલડી સીમ વિસ્તારમાંથી ચોટીલા પોલીસે ચાલુ કટીંગમાં 24060 બોટલ, શનિવારે વાહન ચેકિંગમાં ટ્રકમાંથી 59712 નાની બોટલો, એક અંદાજ મુજબ 90873 બોટલ નંગ ઇંગ્લીશ દારૂની એક સપ્તાહ દરમ્યાન ઝડપાયેલ છે.