આરટીઓ અને એલસીબીના માણસો હોવાની ખોટી ઓળખ આપી 540 ચોખાના બાચકા સાથે ટ્રક લઇ ભાગી ગયા
અબતક,રાજકોટ
ગાંધીધામથી મુન્દ્રા ચોખા લઇને જઇ રહેલા ટ્રકને અંજાર નજીક આશાબા બ્રીજ પાસે કારમાં આવેલા ત્રણ શખ્સોએ અટકાવી આરટીઓ અને એલસીબીના માણસો હોવાની ખોટી ઓળખ આપી રૂ11.69 લાખની કિંમતના ચોખા અને ટ્રકની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશના નકસરના વતની અને ગાંધીધામમાં આવેલા યોગેશ્ર્વર ટ્રાન્સપોર્ટ-લોજીસ્ટીકમાં પાંચ વર્ષથી ડ્રાઇવીંગ કરતા શ્યામસુંદર રામદુલારે પ્રજાપતિ પોતાના જી.જે.12ડબલ્યુ. 8595 નંબરના ટ્રકમાં ગાંધીધામથી ચોખાના 540 બોરી લઇ મુન્દ્ર જઇ રહ્યા હતા ત્યારે અંજાર પાસેના આશાબા બ્રીજ પાસે કારમાં આવેલા ત્રણ શખ્સોએ ટ્રકની ઓવરટેક કરી ઉભા રખાવી એક શખ્સે આરટીઓના સાહેબ કહે છે તેમ છતાં કેમ ટ્રક ઉભો ન રાખ્યો અમે એલસીબીના માણસો છીએ કહી ટ્રકમાંથી નીચે ઉતારી કારમાં બેસાડી દીધો હતો.
ત્રણેય શખ્સોએ ગાંધીધામ આરટીઓએ જવાનું છે કહી મોબાઇલ લઇ લીધો હતો કાર યાદવ હોટલ પાસે ઉભી રાખી મોબાઇલ પર આપી રૂા.20 પાણીની બોટલ લેવા માટે મોકલી ત્રણેય શખ્સો કાર લઇ ભાગી ગયા હતા. શ્યામસુંદર પ્રજાપતિએ પોતાના મોબાઇલ ચેક કરતા તેમાંથી સીમ કાર્ડ કાઢી લીધું હતુ અને આશાબા બ્રીજ પાસે જઇને તપાસ કરતા તેનો ટ્રક ચોખાની બોરી સાથે ગુમ હોવાથી અંજાર પોલીસમાં ત્રણેય અજાણ્યા શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધાવતા પી.આઇ. એસ.એન.ગડુ સહિતના સ્ટાફે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.