બસ પલ્ટી ખાઇ નાળામાં ખાબકતા ૧૮ થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ બાવળા – સાણંદ ચોકડી પાસે મોડી રાત્રીના એસ.ટી. બસ ને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બસ પલ્ટી ખાઇ નાળામાં ખાબકતા બે બાળકોના મોત નિપજયા હતા. જયારે ૧૮ થી વધુ મુસાફરોને ઇજા થતાં બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ગઇરાત્રીના અઢી વાગ્યે અમદાવાદ થી રાજકોટ તરફ આવતી એસ.ટી બસ બાવળા સાણંદ ચોકડી પાસે પહોચતા ધોળકાથી સાણંદ તરફ જતાં ટ્રકના ચાલકે બસને બાવળા સાણંદ ચોકડી પાસે ઠોકર મારતા બસ પલ્ટી ખાઇને નાળામાં ખાબકતા તેમાં બેઠેલા ૧૮ થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને નજીકના બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેના ગંભીર રીતે ઘવાયેલી પ્રિયા રામલાલ મેડા (ઉ.વ.૧૩મહીના) તથા વિકાસ જમાલભાઇ બારૈયા (ઉ.વ.પ મહીના) નામના બે બાળકોના મોત નિપજયા શ્રમીક પરિવારમાં કરુણ કલ્પાંત સજાર્યો હતો. બનાવ અંગેની જાણ બાવળા પોલીસમાં કરવામાં આવતા પીએસઆઇ ચાવડા સહીતનો કાફલો દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી છે.