વોર્ડ નં.૧,૧૦,૧૧માં ટી.પી.ના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણોનું ડિમોલીશન કરી રૂ.૫.૭૫ કરોડની ૫૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ઉઠતાની સાથે જ મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાએ ફરી ડિમોલીશનની ધણધણાટી શરૂ કરી દીધી છે. આજે વેસ્ટ ઝોન કચેરીની ટીપી શાખા દ્વારા વોર્ડ નં.૧,૧૦ અને ૧૧માં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો હટાવી બજાર કિંમત મુજબ રૂ.૫.૭૫ કરોડની ૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ આજે વેસ્ટ ઝોન કચેરીના એટીપી પી.ડી.અઢીયા, એ.જે.પરસાણા, આર.એ.મકવાણા, ટાઉન પ્લાનીંગનો સ્ટાફ, વિજીલન્સનો સ્ટાફ અને એસ.આર.પી. બંદોબસ્ત સાથે અલગ અલગ વોર્ડમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧માં ટીપી સ્કીમ નં.૯ રાજકોટના સ્કુલ તથા પ્લે ગ્રાઉન્ડ હેતુના ફાઈનલ પ્લોટ નં.એસ-૧-૧૦માં ૧૫૦ ચો.મી. જગ્યામાં ખડકાયેલા છાપરાવાળા મકાનનું બાંધકામ દૂર કરી ૧.૨૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.૧૦માં ટીપી સ્કીમ નં.૫ નાનામોવા કોમર્શીયલ સેલ હેતુ માટેના ફાઈનલ પ્લોટ નં.૩૩૭માં ૫૦ ચો.મી. મકાનનું દબાણ દૂર કરી ૭૫ લાખની જમીન ખુલ્લી કરાવવામાં હતી.
વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૮માં મવડી કોમર્શીયલ હેતુ માટેના ફાઈનલ પ્લોટ નં.૧૬-એના ૧૫૯૨ ચો.મી.ના પ્લોટ પૈકી ૨૦૦ ચો.મી. જગ્યામાં પતરાની ઓરડીમાં દબાણ દૂર કરાવી રૂ.૩ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.ત્યારબાદ ટીપી શાખાનો કાફલો વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૭ મવડીમાં ત્રાટકયો હતો. અહીં સ્કૂલ તથા પ્લે ગ્રાઉન્ડ હેતુના ફાઈનલ પ્લોટ નં.૨૯-એની ૪૫૨૯ ચો.મી. જમીન પૈકી ૧૦૦ ચો.મી. જમીન પર પાકા ચબુતરાનું દબાણ થઈ ગયું હતું જે દૂર કરી ૮૦ લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આજે ડિમોલીશનની કામગીરીમાં રૂ.૫.૭૫ કરોડની ૫૦૦ ચો.મી.થી વધુની જમીન ખુલ્લી કરાવી હતી. આ કામગીરીમાં વેસ્ટ ઝોન કચેરીનો ટીપી શાખાનો સ્ટાફ જોડાયો હતો.