જીવના જોખમે લોકોને તુટેલા પુલ પર ચાલવું પડે છે
પુલના કાટમાળને લીધે પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ: રોગચાળો વધવાનો ભય
પાંજરાપોળ નજીક આજી નદીમાં આવેલો બેઠો પુલ ચોમાસામાં પડેલા ભારે વરસાદથી તૂટી ધોવાઈ જતા રાહદારીઓ તથા નાના વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કનૈયા-ગ્રુપની આગેવાની હેઠળ લતાવાસીઓએ મહાપાલીકાને રજૂઆત કરી બેઠા પુલને રીપેર કરવા તથા રાહદારીઓને ચાલવા લાયક બનાવવા માગણી કરી છે. બે ત્રણ માસ પૂર્વ જોરદાર વરસાદ અને વાવાઝોડા દરમિયાન આજી નદીમાં ઘોડાપુર આવેલુ તે સમયે આજી નદીનાં બંને કાંઠાને જોડતો બેઠો પુલ પુરમાં તણાઈ ગયો છે. પાંજરાપોળ, બેડીપરા, સોળથંભી, સૈફી કોલોની રણછોડનગર વિસ્તારના લોકોને આવવા જવા માટે તે પુલ અત્યંત ઉપયોગી હોઈ છેલ્લા બે ત્રણ માસથી તુટેલા પુલ પર પાણી ચાલ્યું જાય છે. અને વચ્ચેથી પુલ બેસી ગયો છે.
જેના લીધે આજી નદી કાંઠે રહેતા લોકો તેમજ આસપાસનાં વિસ્તારનાં લોકો અજાણ્યા લોકો વારંવાર પુલ પર ચાલવા દરમિયાન વાહન સાથે પાણીમા આકસ્મિક રીતે પડે છે. ઘવાય છે. અને જીવનું જોખમ વધતું જાય છે.ચોમાસુ ગયું તેને બે ત્રણ માસ પસાર થઈ ગયા હોવા છતાં કોઈ અધિકારી તુટેલા પુલને જોવા પણ નથી આવ્યા કે નથી તે પુલની કોઈ ખેર ખબર લેતુ પુલ તુટેલ હોવાથી પાણી નદીમાં જમા પડી રહે છે તેના લીધે મચ્છરનો ત્રાસ વધ્યો છે. કનૈયા ગ્રુપે પાંજરાપોળના રહેવાશી બેડીપરાના રહેવાસી સૈફી કોલોની દ્વારા તથા ઉપરોકત વિસ્તારના લોકો તેમજ તમામ રાહદારીઓને નજર સમક્ષ રાખી અને તેમના જીવ જોખમમાં ન મૂકાય તે માટે રજૂઆત કરી છે.