‘અબતક’ની ઝુંબેશ પછી પણ તંત્ર જાગ્યુ નહીં…
શહેરની નાગમતિ નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. ‘અબતક’એ ૧૦ દિવસ પહેલા સતસ્વીર અહેવાલ સાથે નાગમતિમાં થયેલા ગેરકાયદે દબાણો તંત્ર હટાવે તથા સ્ટાફ સફાઈ કરાવે તેવી માંગ સાથે ઝુંબેશ હાથ ધરી હતી. ‘અબતક’ના ચાર અહેવાલ પછી પણ તંત્ર જાગ્યું ન હતું કે કોઈ પગલા લીધા ન હતા.
નાગમતિ નદી વોકળો બની ગઈ હોવાથી મુશ્કેલી, જાનહાની થશે તેવી દહેશત વ્યકત કરી હતી. શહેરના પ્રવેશ દ્વાર પાસે આવેલ રંગમતિ-નાગમતિ નદીમાં ગઈકાલના ભારે વરસાદના તથા રણજીતસાગર ડેમ ઓવરફલો થવાના કારણે પાણીની જોરદાર આવક થઈ છે અને પરિણામે ગણતરીના કલાકોમાં જ નદી બે કાંઠે વહેતી થઈ હતી.
વ્હોરાના હજીરા પાસેના બેઠા પૂરલ પરથી પાણી ફરી વળતાં હજીરાની અંદર આવેલા જુના નાગના, નવા નાગના વિગેરે વિસ્તારોમાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. આ નદીનો સમગ્ર પટ નદીના પાણીમાં ગરક થયો હતો. જામનગરમાં વરસી રહેલા અવિરત વરસાદી રંગમતી-નાગમતી નદી બે કાંઠે ભરાઈ જતા ટ્રકો, ટેન્કરો જળમગ્ન થઈ ગયા છે, તેથી વાહનો જાણે હોડીની જેમ પાણીમાં તરી રહ્યાં હોય તેવા દૃશ્યો સર્જાયા છે. આ તસ્વીર ભારે વરસાદ ના સમયે જામનગરમાં ઉભી થતી સમસ્યાઓ અને હાલાકીની ગવાહી પણ પૂરે છે. નગરની ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસથાઓના સુદૃઢીકરણની જરૂર પણ આ તસ્વીરો જણાવે છે. તંત્રો માટે આ તસ્વીર બોધપાઠ રૂપ છે, પણ તંત્રો ધ્યાને લેશે ખરા….?