કબજો બળવાન છે!

સંવેદનશીલ વિસ્તારના મોટા ભાગ પર ભારતીય સેનાનું પ્રભુત્વ વધતા પોઝીશન બનાવવા ચીનનો પ્રયાસ નિષ્ફળ ભારતીય સેનાએ તળાવ નજીક સૈન્યની સંખ્યા વધારી, ટેંક અને એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ ખડક્યા

ભારતીય સેનાએ લદ્દાખમાં પેંગોંગ તળાવ નજીક મહત્વના ગણાતા સ્થળો ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ના સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય સેન્યની પકડ મજબૂત બની રહી છે. બીજી તરફ ચીનની સેનાએ પણ સંવેદનશીલ વિસ્તારોમાં ધોંસ જમાવવા માટે પ્રયત્ન કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં જ ભારતીય સૈનિકોએ ઉંચા શિખરો પર ચીન દ્વારા ગોઠવવામાં આવેલા કેમેરા અને સર્વેલન્સના સાધનો તોડીને હટાવ્યા હતા. ગત તા.૨૯ અને ૩૦ના સંઘર્ષ બાદ ભારતીય સેનાની પોઝીશન મજબૂત બનતી જાય છે.

ભારત અને ચીનની સેના લદ્દાખના કેટલાક વિસ્તારમાં થોડા જ મીટરે દૂર ઉભી છે. ફોરવર્ડ લોકેશન પર તૈનાત બન્ને દેશોના સૈનિકો પાસે મોટા પ્રમાણમાં હથિયારો છે. જો કે, આ વખતે ભારતીય સેના પાસે લદ્દાખનો કેટલોક વધુ વિસ્તાર છે. ચીની સેનાએ અગાઉ ભારતની ચોકીની નજીક જ પોઝીશન લેવાની નાપાક હરકત કરી હતી. તેઓને દૂરથી ચેતવણી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોટા સ્પીકરો મારફતે ચેતવણી આપી ચીનની સેનાને અટકાવાઈ હતી. પેંગોંગ તળાવના મહત્વના ભાગ ઉપર ભારતીય સેનાનો કબજો છે. સ્પેશિયલ ફ્રન્ટ લાઈનર કોર્ષને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.

૨૯મીની મધરાતે પેંગોગના દક્ષિણ કાંઠે ઘૂસણખોરી કરવા જનારા ચીની સૈનિકોને ભારતે ભગાડયા હતા. એ પછી બે દિવસમાં જ ફરીથી ૩૧મીએ ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. એ વખતે પણ ઈન્ડિયન આર્મીએ તેમને ત્યાં ઘૂસવા દીધા ન હતા. માટે ચીની સૈનિકોએ પરત ફરવું પડયું હતું.

આ વિગતો આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીન સ્પષ્ટ રીતે બન્ને દેશો વચ્ચે સરહદ અંગે થયેલા કરારનો ભંગ કરી રહ્યું છે. ચીને પેંગોગ સરોવરના દક્ષિણ ભાગમાં પ્રમાણમાં સપાટ એવા વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં આસપાસમાં આવેલા શીખરો પર ભારતીય સૈન્યએ પોઝિશન લઈ લીધી છે. માટે ચીની સૈનિકો હવે આસાનીથી ઘૂસી શકે એમ નથી.

ભારતીય સૈનિકોએ ઊંચા શિખરો પર ચીની સૈનિકોએ ગોઠવેલા કેમેરા અને સર્વેલન્સ સાધનો તોડીને હટાવી દીધા હતા. ચીની સૈનિકોની આધુનિક ટેકનોલોજી કંઈ કામ નથી આવી. ૨૯-૩૦ની મધરાતે થયેલા સંઘર્ષ પછી ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે વાત-ચીત થઈ હતી. એ વાટા-ઘાટો ચાલુ છે ત્યાં જ ચીને ફરીથી હુમલાનો પ્રયાસ કરી ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.

ચીન કોઈ પણ ભોગે ભારતીય જમીન પર ઘૂસણખોરી કરવા માંગે છે. વિદેશ મંત્રાલયના બયાનમાં કહેવાયુ છે કે આ વર્ષની શરૂઆતથી જ ચીની સૈનિકો વારંવાર ગેરવર્તન કરી રહ્યા છે. ચીનના આ પગલાંથી બન્ને દેશો વચ્ચેના સબંધોને વિપરિત અસર થશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત આ પ્રશ્નનો શાંતિથી ઉકેલ થાય એમ ઈચ્છે છે, પરંતુ ચીનના પગલાં ઉશ્કેરણીજનક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.