નાસ્તાની રેકડીએ ઝઘડો થયા બાદ તલવાર અને ધારિયા સાથે હુમલો કરવા ગયેલા યુવાનનું પાંચ શખ્સોએ વળતો હુમલો કરી ઢીમ ઢાળી દીધું
શહેરના જુના માકેર્ટીંગ યાર્ડ પાસે નાસ્તાની રેકડીએ નાસ્તાના પૈસા બાબતે ચાલતા ઝઘડામાં દરમિયાનગીરી કરવા ગયેલા ભરવાડ યુવાન અને કાઠી યુવાન વચ્ચે થયેલી બોલાચાલી બાદ પાંચ જેટલા સાગરીતો સાથે યાર્ડ નજીકની હોટલે કાઠી યુવાન પર તલવાર અને ધારિયાથી હુમલો કરવા ગયેલા ભરવાડ યુવાન પર છરીથી થયેલા વળતા હુમલામાં ગંભીર રીતે ઘવાતા મોત નીપજ્યું છે. પારકા ઝઘડામાં કુદી પડેલા યુવાનની હત્યા થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માકેર્ટંગ યાર્ડ પાછળ મચ્છાનગર શેરી નંબર ૩માં રહેતા માકેર્ટીંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવાની મજુરી કામ કરતા દિનેશભાઇ હીરાભાઇ ફાંગલીયા નામના ૩૬ વર્ષના ભરવાડ યુવાન મુળ ચોટીલા તાલુકાના મોલડી ગામના રવિ જેઠાભાઇ ખાચર, રાજદીપસિંહ રવુભા, લાલો કાઠી, રાહુલ આહિર, અજય કોળી અને સંજય કોળી નામના શખ્સોએ માકેર્ટીંગ યાર્ડ પાસે આવેલી સુર્યદીપ હોટલ પાસે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કાર્યની રામદેવભાઇ હીરાભાઇ ફાંગલીયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.માકેર્ટીંગ યાર્ડના શાકભાજી વિભાગ પાસે ચામુંડા હોટલ પાસે ગાઠીયાની રેકડી રવિ કાઠી નાસ્તો કરવા ગયો ત્યારે તેને ગાઠીયાની રેકડીવાળા સાથે ઝઘડો થતા ત્યાં ઉપસ્થિત દિનેશ ફાંગલીયા વચ્ચે પડી ઝઘડો ન કરવા અને પૈસા હું આપી દઇશ તેમ કહેતા રવિ ખાચર અને દિનેશ ફાંગલીયા વચ્ચે ઝઘડો થયો હતો.
રવિ ખાચર છરીનો એક ઘા ઝીંકી માકેર્ટીંગ યાર્ડમાં આવેલી ગાઠીયાની રેકડીએથી યાર્ડની બાજુમાં આવેલી પોતાના સંબંધીની સુર્યદીપ હોટલે જતો રહ્યો હતો અને દિનેશ ફાંગલીયા ઘવાયાની સુરેશ ઉર્ફે ભુરો જોગવાએ ફોન પર રામદેવ ફાંગલીયાને જાણ કરી હતી.
રામદેવ ફાંગલીયા પોતાના મિત્રો સાથે સ્કોર્પીયો લઇ માકેર્ટીગ યાર્ડે ગયો ત્યાં પોતાના ભાઇ દિનેશ ફાંગલીયા પર કંઇ રીતે હુમલો થયો તે અંગેની વિગત લઇ તેને સ્કોર્પીયોમાં બેસાડી તલવાર અને ધારિયા સાથે રવિ ખાચર પર હુમલો કરવા સુર્યદીપ હોટલે ઘસી ગયા હતા ત્યાં રવિ ખાચર, રાજદીપસિંહ લાલો કાઠી, રાહુલ આહિર, અજય કોળી અને સંજય કોળી નામના શખ્સો સાથે રામદેવ ફાંગલીયા અને તેના સાગરિતો વચ્ચે ઝપાઝપી થઇ હતી તે દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા દિનેશ ફાંગલીયાને રાજદીપસિંહ અને લાલા કાઠીએ પકડી રાખતા રવિ ખાચરે છરીનો બીજો ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયો હતો. રામદેવ ફાંગલીયાને અજય કોળી અને સંજય કોળીએ પકડી રાખી ઢીંકા પાટુ પારતા તે દરમિયાન સુરેશ ઉર્ફે ભુરાઓ ધારિયુ અને પાઇપ લઇ સંજય કોળી અને અજય કોળી પર હુમલો કરવા જતા તે બંને રામદેવ ફાંગલીયાને મુકીને ભાગી જતા રામદેવ ફાંગલીયાએ સુરેશ ઉર્ફે ભુરા પાસેથી ધારિયું લઇ રવિ ખાચર પર હુમલો કર્યો હતો. સુરેશ ઉર્ફે ભુરાએ લાલા કાઠીને પાઇપ મારતા કાઠી શખ્સો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સુરેશ ઉર્ફે ભુરા જોગવાએ ગંભીર રીતે ઘવાયેલા દિનેશ ફાંગલીયાને સ્કોર્પીયોમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા જયાં તેનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યુ હતું. બીજી તરફ ઘવાયેલા રવિ ખાચરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.