- હાસ્ય કવિ સંમેલન, મ્યુઝિકલ નાઇટ અને હસાયરો યોજાશે
- માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાનો હસાયરો યોજાશે
સંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સરગમ કલબ દ્વારા આગામી તારીખ 10 – 11 અને 12 જૂન એમ ત્રણ દિવસ માટે રેસકોર્સ મેદાનમાં જાહેર જનતા માટે યોજનાશ ત્રિવેણી સંગમ કાર્યક્રમ માણવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ નું સૌથી મોટું આકર્ષણ હિન્દી હાસ્ય કવિ સંમેલન છે જેમાં દેશના પ્રખ્યાત કવિ અને વ્યંગકાર કુમાર વિશ્વાસ ઉપસ્થિત રહેવાના છે.
કુમાર વિશ્વાસના કાવ્ય કળશને માણવાની સોનેરી તક ઊભી થઈ છે.આ કાર્યક્રમ વિશે માહિતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે કે તારીખ 10મી જૂને રાત્રે 8:30 વાગે રમેશ પારેખ રંગદર્શન (રેસકોર્ષ) ખાતે જાહેર જનતા માટે હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે જેનું નેતૃત્વ દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસ કરશે. કુમાર વિશ્વાસને સાંભળવા એક લ્હાવો હોય છે.કુમાર વિશ્વાસ ઉપરાંત જાણીતા હાસ્ય કવિઓ સુરેન્દ્ર દુબે, મનવીર મધુર,શ્લેષ ગૌતમ, ખુશબી શર્મા અને કુશલ શુકવાહા હાસ્યરસ પીરસશે.આ બધા હિન્દી ભાષાના એક એક થી ચડિયાતા કવિઓ છે અને વ્યંગ માટે જાણીતા છે. માત્ર રાજકીય ભંગ નહીં પરંતુ કોઈ પણ બાબતને હાસ્ય સાથે કેવી રીતે વણી લેવી તે બખૂબી જાણે છે.
બીજા દિવસે એટલે કે તા. 11મીએ રાત્રે 8:30 વાગ્યે રેસકોર્સમાં જ મ્યુઝીકલ મેલોઝ પ્રસ્તુત સંગીત સંધ્યા યોજાશે. રાજુ ત્રિવેદી પ્રસ્તુત આ સંગીત સંધ્યામાં ગોવિંદ મિશ્રા ( મુંબઈ ), નાનું ગુર્જર ( મુંબઈ ), રૈના લહેરી (મુંબઈ ) મનીષા કરન્ડીકર (મુંબઈ ) અને નફીસ આનંદ (અમદાવાદ ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે.
તા. 12મીને રાત્રે 8:30 વાગ્યે હસાયરો યોજાશે. આ હસયારામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશે.
ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કાર્યક્રમો જાહેર જનતા માટે છે અને ખુરશીની બેઠક વ્યવસ્થા છે, જ્યારે મહેમાનો માટે સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટેની એન્ટ્રી એરપોર્ટ રોડ પાસેના ગેઇટ પરથી રહેશે તો તેની નોંધ લેવા જણાવાયું છે, અને વી.વી.આઈ, પી માટે અને જેને નિમંત્રણ પાઠવેલ છે તેમને ઇન્ડોર સ્ટેડીયમના બાજુના રોડ ઉપરથી સ્ટેજ પાસેથી સીધી એન્ટ્રી મળશે.
આ કાર્યક્રમો માટે સરગમ કલબને બાન લેબ્સ કંપની, પુજારા ટેલીકોમ પ્રા. લી., રોલેકસ શેલ્ડ રિંગ્સ લી., જે.પી. સ્ટ્રક્વર પ્રા. લી., ક્લાસિક નેટવર્ક પ્રા. લી., ધ ડી.એમ.એલ.ગ્રુપ, જે.એમ.જે.ચૂપ અને અમીધારા ડેવલપર્સ પ્રા. લી. સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શ્રી મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ , યોગેશભાઈ પૂજારા , મનીષભાઈ માંડેકા , જગદીશભાઈ ડોબરિયા , હરેશભાઈ લાખાણી, જીતુભાઈ બેનાણી, મયુરધ્વજસિંહ જાડેજા, તેમજ કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી જહેમત ઉઠાવી રહ્યા છે.