સાધુ સમાજ સમુહલગ્ન, વિધવા બહેનોને સાડી વિતરણ તેમજ તુલસી વિવાહ મહોત્સવ ઉજવાયા
દ્વારકાની જાણીતી સેવાભાવી સંસ્થા શિવ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં દ્વારકા ખાતે ત્રણ અલગ અલગ સામાજિક કાર્યોનો ત્રિવેણી સંગમ યોજવામાં આવ્યો હતો. દ્વારકાના રાજભવન ખાતે તાજેતરમાં સાધુ સમાજના સમુહ લગ્નોત્સવ, ગંગા સ્વરૂપ બહેનોને ૧૫૧ જેટલી સાડી વિતરણ તેમજ તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ ધાર્મિક મેળાવડામાં ભકિતધામ સ્વામિનારાયણના મહંત ચંદ્રપ્રકાશ સ્વામી, ઓખા લોહાણા મહાજનના પ્રમુખ મનસુખભાઈ બારાઈ, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઝાખરીયા, દ્વારકા નગરપાલિકાના શાસક પક્ષના નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા, એડવોકેટ વિનુભાઈ ચૌહાણ, ગોપી તળાવના મહંત કેશવગીરી બાપુ તેમજ અમદાવાદના ઉધોગપતિ કલ્પેશભાઈ પટેલ તથા રાજેશભાઈ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શિવ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉમેદગીરી ગોસ્વામી તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીએસઆઈ સોમગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.