પાટડી ઉદાસી આશ્રમે પૂ.જગાબાપાની 10મી પુણ્યતિથીની ભક્તિસભર ઉજવણી સવારથી લઈ મધરાત્રી સુધી વિવિધ ધાર્મિક કારીક્રમોની વણઝાર જામી
સંતો ભલે સદેહ આપણી વચ્ચે ઉપસ્થિત ન હોય પરંતુ તેઓના પરચા સતત ભાવિકોને મળતા રહેશે. ખરા હૃદ્યથી સ્મરણ કરતાની સાથે જ ભક્તોના પહાડ જેવા દુ:ખો સંતો પલવારમાં હલ કરી નાંખે છે. પાટડી ઉદાસી આશ્રમના સંત શીરોમણી પૂ.જગાબાપા દેવ થઇ ગયા હોવાને દશ-દશ વર્ષના વહાણા વિતી ગયા છે. છતા આજે પણ સિતારામ પરિવારના તમામ સભ્યો પૂ.બાપાનો સાક્ષાત્કારનો અલૌકિક અહેસાસ આજની તારીખે પણ કરી રહ્યા છે.
ગત 22મી માર્ચ પૂ.જગાબાપાની 10મી પૂણ્યતીથીની પાટડીધામ ખાતે પૂર્ણ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જામ્યો હતો. પૂ.બાપાના ધામમાં પધારી જીવનને પાવન કરવા માટે દુર-દુરથી ભાવિકોનો જમાવડો જામ્યો હતો. નામી-અનામી સંતોએ પૂ.જગાબાપાના ગુણગાન ગાઇ વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવી દીધું હતું. પાટડી સ્થિત ઉદાસી આશ્રમમાં પગ મૂકતાની સાથે આજની તારીખે દુ:ખીયારાના દુ:ખો હલ થઇ જાય છે. પૂ.જગાબાપાની ઉગ્ર તપસ્યાનું તપ તપી રહ્યું છે. માત્ર બાપાનું સ્મરણ કરતાની સાથે જ દિન દુ:ખીયાના મનને પરમ સાતા પ્રાપ્ત થાય છે. પૂ.જગાબાપા દેવ થયાને જોત-જોતામાં દશ વર્ષના લાંબા વહાણા વિતી ગયા છે.
છતા લાખો ભાવિકોના હૃદ્યમાં આજે પણ પૂ.જગાબાપા જીવિત છે. કારણ કે બાપાનું સ્મરણ માત્રથી ગમે તેવા સંકટો હલ થઇ જતા હોવાનું હજારો ભાવિકોએ અનુભવ્યું છે. પાટડી સ્થિત ઉદાસી આશ્રમ ખાતે તાજેતરમાં સિતારામ પરિવાર દ્વારા પૂ.જગાબાપાની 10મી પૂણ્યતીથીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી સૌરાષ્ટ્રના તમામ રસ્તાઓ પાટડી તરફ વળી ગયા હોય તેવું લાગતું હતું. ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૂર્તી પુજન, યજ્ઞ પૂર્ણાહુતિ, મહાપ્રસાદ, શોભાયાત્રા અને સંતવાણી જેવા ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા.
અન્ય સ્થળોએ કલાકારો મોંઢે માંગ્યા પૈસા આપવા છતા હાજરી આપી શકતા નથી. ત્યારે પાટડીના ઉદાસી આશ્રમ ખાતે રાજ્યભરના નામી-અનામી કલાકારો એકપણ રૂપીયાનું વેતન લીધા વિના પોતાની કલાને રિચાર્જ કરવા માટે હોંશે હોંશે પધારતા હોય છે. આ પ્રસંગે પીપળીધામનાં વાસુદેવ મહારાજ, ગેડીયાધામથી ભગવાનદાસ બાપુ, ધ્રાંગધ્રા રામ મહેલના સંત શ્રી, ધારાસભ્ય પી.કે.પરમાર, પાટડી નગરપાલિકાના પ્રમુખ મોલેશભાઈ સહિતના સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંતવાણી કાર્યક્રમમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો), જયમંત દવે, મેરૂ રબારી, મહેશદાન ગઢવી, રાજુભાઇ આહિર, બ્રિજરાજ ગઢવી, જીજ્ઞેશ બારોટ, હકાભા ગઢવી, શિવરાજભાઇ ગઢવી, હરિભા ગઢવી, ગમન સાંથલ, વિજય સુવાડા, ઉમેશ બારોટ, દડુભા કરપડા, રૂષભ આહીર, રમેશદાન ગઢવી, દાદુભાઇ રબારી, જીતુભાઇ બગડા, જયસુખભાઇ, મુન્નાભાઇ મારાજ, હરેશભાઇ, રવિભાઇ પરમાર, દિવ્યા ચૌધરી, વિજય જોરણગ, દશરથ ગોવાળીયા, રવિ ખોરાજ, વિપુલ સુસરા, સુરેશ ડુમાણા, વિશાલ હાપોર અને બબલુ પાનસર સહિતના કલાકારોએ પોતાની કલા રજૂ કરી ભાવિકોને ભક્તિરસમાં મશગૂલ કર્યો હતો. રાત્રે 10 વાગ્યાથી શરૂ થયેલી સંતવાણી સવારે 4 વાગ્યા સુધી ચાલી હતી.
આવતા વર્ષે જગદિશ્ર્વર મહાદેવ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ
2022માં શિવ મંદિરને બનાવવાનો ભાવ પ્રગટ થયો: સેવકો-દાતાઓએ દાનની સરવાણી વહાવી
પૂર્ણ શ્રધ્ધા સાથે જ્યારે કોઇ કાર્યનો સંકલ્પ કરવામાં આવે ત્યારે તે કામ સરળતાથી પૂર્ણ થઇ જતું હોય છે. પાટડીના ઉદાસી આશ્રમના પરિસરમાં સિતારામ પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય જગદિશ્ર્વર મહાદેવ મંદિર બનાવવાનો સંકલ્પ વર્ષ-2022માં કરવામાં આવ્યો હતો. આશ્રમના સેવકો અને અસંખ્ય નામી-અનામી ભાવિકોએ દાનની સરવાણી વહાવી હતી. હાલ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષ-2024 સુધીમાં જગદિશ્ર્વર મહાદેવ મંદિરનું કામ પૂર્ણ થઇ જશે અને ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પાવન અવસરે વિવિધ કાર્યક્રમો યોજાશે.
પોલીસની સરાહનીય કામગીરી
પાટડીના ઉદાસી આશ્રમ ખાતે ગત 22મી માર્ચના રોજ પૂ.જગાબાપાની 10મી પૂણ્યતિથી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. એકપણ વ્યક્તિને રતિભાર પણ તકલીફ વેઠવી ન પડે તે માટે પોલીસ તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી. રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, એસપી હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી. દોશીની સુચનાથી પાંચ પીઆઇ, પીએસઆઇ સહિત 50 જેટલા પોલીસ કર્મીઓએ ખડેપગે પોતાની ફરજ બજાવી હતી. પોલીસની પ્રશંસનિય કામગીરીના કારણે આશ્રમના અનુયાયીઓએ મનભેર કાર્યક્રમને માણ્યો હતો.