ચુંટણીમાં લેઉવા અને કડવા પટેલ સમાજની સંભવિત પેનલો વચ્ચે જૈન, વાણિયા સહિતના અન્ય જ્ઞાતિના વેપારીઓની ત્રીજી પેનલ પણ બને તેવી શકયતા ચેમ્બરમાં લાંબા સમયથી કાર્યરત જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી અને જીતુભાઈ અદાણીએ સ્વતંત્ર રીતે પોતાના ઉમેદવારીપત્રો રજુ કર્યા
છેલ્લા થોડા સમયથી વિવાદીત બનેલી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની મધ્યસત્ર ચુંટણી આગામી ૧૬મીએ યોજાનારી છે. આ ચુંટણીમાં સતા કબજે કરવા બે કરતા વધારે પ્રબળ દાવેદારો વચ્ચે ભારે રસાકસી થવાની સંભાવના છે. જેથી ૨૪ હોદેદારો માટે યોજાનારી ચુંટણી માટે ૮૯ ઉમેદવારીપત્રો ઉપડયા છે. જેમાંથી આજે બપોર સુધીમાં ૬૮ ઉમેદવારીપત્રો ભરાઈને પરત આવી ગયા છે. આ ચુંટણીમાં લેઉવા અને કડવા પટેલ સમાજની પેનલ વચ્ચે મુખ્ય જંગ થવાની સંભાવના છે ત્યારે ચેમ્બરમાં લાંબા સમયથી કાર્યરત જૈન અગ્રણીઓ ઉપેન્દ્રભાઈ મોદી અને જીતુભાઈ અદાણીએ સ્વતંત્ર રીતે ઉમેદવારીપત્રો ભરતા ત્રીજી પેનલ પણ ચુંટણી જંગમાં ઝંપલાવે તેવી શકયતાઓ ઉભી થવા પામી છે.
ચેમ્બરની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં ગઈકાલ બપોરે લેઉવા પટેલ સમાજમાં આવતા વી.પી.વૈષ્ણવની પેનલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ સાંજે કડવા પટેલ સમાજમાંથી આવતા વર્તમાન પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયાએ પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ પ્રમુખ અને સોમાના પ્રમુખ સમીરભાઈ શાહ માટે પણ આ ચુંટણી પ્રતિષ્ઠા સમાન હોય તેઓ પણ પોતાની પેનલ બનાવીને ચુંટણી જંગમાં ઝંપલાવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. જોકે આધારભુત સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ પટેલ સમાજની બન્ને પેનલો વચ્ચે સમાધાન થાય તે માટે બન્ને સમાજના આગેવાનોએ સમજાવટના પ્રયાસો શરૂ કર્યા છે. પટેલ સમાજની સંયુકત પેનલ બને તો સામે લડત આપવા અન્ય જ્ઞાતિના વેપારી આગેવાનોની પેનલ મેદાનમાં ઝુકાવે તેવી શકયતાઓ પણ ઉભી થવા પામી છે. જેથી વેપારી મહાજનોની સંસ્થાની આ ચુંટણી રાજકીય ચુંટણી જેવી રસાકસીભરી બની રહેવાની છે. ઉમેદવારીપત્ર આગામી ૮મી સુધી પરત ખેંચી શકાય તેમ હોય આગામી ચાર દિવસ સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચાવા લાગતા વળગતાઓને સમજાવવા શરમાવવા સહિતના શામ, દામ, દંડ અને ભેદ સહિતના શસ્ત્રોનો ઉપયોગ થનારો છે. જે બાદ ચુંટણી મેદામાં રહેલા ઉમેદવારોમાંથી પોતાના લાગતા વળગતાની પેનલો બનાવવામાં આવશે. આ પેનલોમાં વધુ મતો ખેંચી શકતા ઉમેદવારોને મહત્વપૂર્ણ સ્થાનોની ઓફર પણ થશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેથી ચેમ્બરની ચુંટણી જંગનાં ઉમેદવારોનું આખરી ચિત્ર ૯મીએ સ્પષ્ટ થઈ જશે.
ચેમ્બરમાં જ્ઞાતિવાદનાં દુષણને ડામવા ઉમેદવારી કરી છે: જીતુભાઈ અદાણી
અદાણી મસાલાવાળા જીતુભાઈ અદાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચુંટણીમાં અત્યારે બધાના ફોર્મ અને વાતાવરણ જોતા એવું લાગે છે કે જ્ઞાતિવાદ અત્યારે બહુ વધુ પડતો ફેલાઈ ગયો છે. એ ઓછા થાય અથવા ચેમ્બરમાં સારા ઉમેદવારો પ્રતિનિધિત્વ રહે એ આશયથી મેં મારું આજે ફોર્મ ભરેલ છે. અમે ચેમ્બરમાં લગભગ છેલ્લા ૧૬ વર્ષથી છીએ અને ૧૬ વર્ષના મારા અનુભવમાં એવું લાગે છે કે વેપારીના પ્રશ્નો સારી રીતે ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. હું પોતે પણ એક સારો ઉધોગપતિ છું એટલે લોકોના અથવા વેપારીના શું પ્રશ્નો છે એ અમને વધારે સારી રીતે નજીકથી ખ્યાલ હોય એટલે કયારેય પણ સરકારને રજુઆત કરવી હોય તો અમે યોગ્ય સક્ષમ છીએ.
ચેમ્બરમાં ૧૮ વર્ષથી સતત સક્રિય રહીને વેપારીઓના પ્રશ્નો ઉકેલ્યા છે: ઉપેનભાઈ મોદી
ચેમ્બરની ચુંટણીમાં સ્વતંત્ર ઉમેદવારી કરનારા જૈન અગ્રણી ઉપેનભાઈ મોદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ૨૦૧૯ થી ૨૦૨૨ની ત્રણ વર્ષની ટર્મમાં ચુંટણીમાં મેં આજે મારું ઉમેદવારી પત્ર રજુ કરેલ છે. છેલ્લા ૧૮ વર્ષથી હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં કારોબારી મેમ્બર અને હોદેદાર તરીકે મેં અન્ય વિભાગોમાં પણ સેવા આપેલી છે. રાજકોટ વેપાર ઉધોગના લોકો જાણે છે કે જાગૃત પ્રતિનિધિ તરીકે ગર્વમેન્ટ અધિકારી ઉપર પછી સ્ટેટ લેવલ હોય કે સેન્ટ્રલ લેવલ, એકસ્ટ્રા ડિપાર્ટમેન્ટ આઈટી વિભાગ હોય દરેક અધિકારી ઉપર કામ કરાવવાની અને તેના ઉપરની અમારી પકડ અને દરેકના પ્રશ્નો પછી જકાત નાબુદથી લઈને આજની તારીખના વેઈટ નાબુદથી લઈ જીએસટીના પ્રશ્નો અંગે ખુબ સરસ રજુઆત કરી છે અને છેલ્લા વર્ષોની અંદર રાજકોટની અંદર મોટા મોટા પ્રકલ્પો સરકાર દ્વારા આવી રહ્યા છે એની પાછળની રજુઆતની અંદર અમારો યોગ્ય ફાળો રહ્યો છે. વેપાર ઉધોગના લોકો પણ જાણે છે કે એક સફળ પ્રતિનિધિ તરીકે છેલ્લા ૧૮ વર્ષથી ચેમ્બરમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. ૬૫ વર્ષના ચેમ્બરના ઈતિહાસની અંદર હું એક જ વ્યકિત અેવો છું કે સળંગ ૧૮ વર્ષ સુધી એક જ મારી રજા છે. ૧૮ વર્ષ સુધી તમામ બોર્ડની અંદર મારી હાજરી હોય છે અને ૧૦૦% હાજરી પુરાવનાર વ્યકિત તરીકે મારું નામ આ ચેમ્બરના રેકોર્ડમાં દર્જ છે. છેલ્લા થોડા સમયથી ચેમ્બરની અંદર જે વાતાવરણ ઉભુ થઈ રહ્યું છે અને ચેમ્બરની ગરીમા અને ચેમ્બરની જે શાખ છે એના ઉપર થોડી ઘણી ઝાખપ આવી છે એના માટે ઘણા લોકો પોતાના વ્યકિતગત ઉમેદવારો ઉભા રાખી રહ્યા છે પણ અમારો એવો પ્રયાસ છે કે અમે બંને ત્યાં સુધી ચેમ્બરમાં ભૂમિકા રજુ કરવા માંગીએ છીએ અને કોઈપણ જાતનું વાદ-વિવાદ વગર સમાધાનકારી ભૂમિકા પર લોકો બેસે. સાથે રહિને કામ કરે, કારણકે ચુંટણી તો એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. અંતે તો રમ એ રમ એક જ હોય છે અને સાથે રહીને ચેમ્બરના કાર્યો કરવાના હોય છે એટલે અમારો પ્રયત્ન એવો રહેશે તમામ મિત્રો સાથે બેસી અને એક વચગાળાનો સારો ઉકેલ કાઢે અને સારી રીતે ચેમ્બરનું પ્રતિનિધિત્વ કરી શકે અને ગુજરાત તથા સેન્ટ્રલ લેવલ ઉપર રાજકોટ ચેમ્બરનું નામ રોશન થાય એવી અમારી નેમ છે તેમ ઉપેનભાઈએ અંતમાં જણાવ્યું હતું.