બીલ મહિલાઓના વિરોધમાં: જોગવાઈ મુજબ પતિ ત્રણ વર્ષ માટે જેલમાં રહેશે તો ભરણ-પોષણ કેવી રીતે ચૂકવી શકશે ?
કેન્દ્ર સરકાર દ્વારા સદનમાં મુકાયેલું ત્રિપલ તલાક બીલ મહિલા વિરોધી હોવાનું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું માનવું છે. જો આ બીલની અમલવારી થશે તો અનેક પરિવારો છીન્ન-ભિન્ન થઈ જશે તેવું મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સજાદ નોમાનીએ કહ્યું હતું કે, બીલ ડ્રાફટ કરવામાં પ્રક્રિયાને સંપૂર્ણ અનુસરમાં આવી નથી. પર્સનલ લો બોર્ડના કોઈ સદસ્યને વિશ્ર્વાસમાં લેવાયો નથી. માટે સરકારને આ બીલ પરત લેવા માટે અરજી કરવામાં આવશે. બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જ ત્રિપલ તલાકની વિરુધ્ધમાં કડક નિયમો ઘડવાની પણ ભલામણ કરી છે. પરંતુ હાલના સરકારના સ્ટ્રકચરથી બોર્ડને સંતોષ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તલાક બાદ મહિલા અને બાળકને ભરણ-પોષણ આપવાની વાત ઠીક છે પરંતુ ત્રણ વર્ષની જેલની જોગવાઈની સમર્થન થતું નથી. જો પતિ જેલમાં હોય તો પત્નીને ભરણ-પોષણ કેવી રીતે ચૂકવી શકે.
ગત અઠવાડિયે કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓની ભલાઈ માટે ત્રિપલ તલાક બીલને પારીત કરવા માટે તૈયારી કરી હતી. ત્યારબાદ વાંધા-સુચનો માંગવામાં આવ્યા હતા. જો કે, આ બીલના સમર્થનમાં અનેક સંસ્થાઓ છે તેવી રીતે ઘણી સંસ્થાઓ બીલનો વિરોધ પણ કરે છે. સરકારનું બીલ જેન્ડર ઈકવીલીટીના સંદર્ભેમાં માનવામાં આવે છે. જેનાથી મુસ્લિમ મહિલાઓનું સન્માન જળવાશે તેવો દાવો પણ કરવામાં આવે છે. સરકારે બીલમાં ત્રિપલ તલાક માટે ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરી છે જેનો અનેક સંસ્થાઓ વિરોધ કરી રહી છે.