તેમની કારકિર્દી દરમ્યાન ત્રણ વખત નામ બદલનાર તે એકમાત્ર અભિનેત્રી છે, એમના જમાનાની ફિલ્મમાં તે સૌથી વધુ મોંઘી હિરોઇન હતી, નરગિસ, મધુબાલા, મીનાકુમારી અને નૂતન જેવી ખ્યાતનામ અભિનેત્રી યુગમાં પોતાના અભિનયની તાકાતથી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું, 1957માં આવેલી ગુરૂદત્તની ફિલ્મ “પ્યાસા” તેમની કિસ્મત બદલાઇ ગઇ, આ ફિલ્મનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે
એલ્ડા સિંહનો જન્મ બંગાળમાં કલકતામાં થયો હતો. તેમના વિચિત્ર નામથી સાથે ભણતા બાળકો ચિડવતા હોવાથી માતાએ માલા નામ રાખ્યું. ફિલ્મ દુનિયામાં માલાસિંહાથી પ્રસિધ્ધ થઇ હતી. બંગાલી ફિલ્મોમાં બાલ કલાકારના રૂપમાં બેબી સિંહાથી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે હિન્દી ફિલ્મો સાથે નેપાળી ફિલ્મોમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું. સિનેમા જગતમાં 1950-1960 અને 1970ના દશકામાં તે ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી બની ગઇ હતી.
ચાર દશકાના ફિલ્મી કેરિયરમાં ગુરૂદત્તની ‘પ્યાસા’ (1957) અને યશ ચોપડાની ધૂલ કા ફૂલ (1959) ફિલ્મોથી તેમની પ્રતિભા નિખરી ઉઠી હતી. ફિલ્મ જગતના ચાર દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી પૈકી એક હતી. 1960ના દશકાની તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં અનપઢ, હરિયાલી ઔર રાસ્તા, દિલ તેરા દિવાના, ગુમરાહ, બહુરાની, જર્હાં આરા, હિમાલય કી ગોદ મેં, આંખે, દો કલીયા જેવી હિટ ફિલ્મો હતી. તેમને નેપાળનાં એસ્ટેટ વ્યવસાયી ચિદંબરમ પ્રસાદ લોહાની સાથે લગ્ન કર્યાં હતા. તેમની એક પુત્રી પ્રતિભાસિંહા પણ ઘણી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે.
માલાસિંહાએ ઉત્તમ કુમાર, દેવાનંદ, ધર્મેન્દ્ર, રાજકુમાર, રાજેન્દ્ર કુમાર, બિશ્ર્વજીત, કિશોર કુમાર, મનોજ કુમાર અને રાજેશ ખન્ના જેવા ખ્યાતનામ હિરો સાથે કામ કર્યું હતું. તે 1958 થી 1965 સુધી સૌથી વધુ ફિલ્મી વેતન લેનાર અભિનેત્રી હતી. 1966થી 1967 તે વૈજયંતીમાલાની સાથે તથા 1968 થી 71 શર્મિંલા ટાગોર પછી બીજા સ્થાને તથા 1972-73માં સાધના નંદાની સાથે ત્રીજા સ્થાન પર મોંઘી હિરોઇનની ગણના થતી હતી.
માલાસિંહાના માતા-પિતા બંગાળ બાદ નેપાળમાં રહેવા લાગ્યા હતા. તેમનું મૂળનામ એલ્ડા, બાળ કલાકાર તરીકે બેબી નઝમા અને હિન્દી ફિલ્મમાં અભિનેત્રી તરીકે માલાસિંહા નામ રાખ્યું આમ તે ત્રણ નામ બદલનારી ફિલ્મ જગતની એકમાત્ર અભિનેત્રી છે. તેમણે નાનપણથી નૃત્ય, ગાયન અને અભિનયનો બહુ જ શોખ હતો. તે ઓઇ ઇન્ડિયા રેડિયોની માન્ય ગાયિકા હતી. સ્ટેજ શો 1947થી 1975 સુધી તેમણે ગીતો ગાયા જો કે ફિલ્મમાં એક પણ ગીતો ગાવાનો મોકો ના મળ્યો.
માલાસિંહાએ બંગાલી ફિલ્મોમાં બાલકલાકાર તરીકે ઘણી ફિલ્મો કરી બાદમાં 1952માં ‘રોશન આરા’ બંગાલી ફિલ્મમાં હિરોઇન તરીકે પ્રથમ ફિલ્મ મુખ્યપાત્રમાં કરી હતી. આ ફિલ્મ પછી બે-ત્રણ ફિલ્મો બાદ મુંબઇ આવીને તેની મુલાકાત બોલીવુડની જાણિતી અભિનેત્રી ગીતાબાલી સાથે થઇને તેમણે કેદાર શર્મા સાથે મુલાકાત કરાવીને ‘બાદશાહ’ ફિલ્મમાં પ્રદિપ કુમાર સાથે મુખ્ય નાયિકા તરીકે કામ કર્યું. બાદમાં એક પૌરાણિક ફિલ્મ કરી પછી હેમલેટ આવી ત્રણ ફિલ્મો સફળ ના રહી પણ માલાસિંહાના અભિનયની નોંધ લેવાય.
1950ના દશકામાં અભિનેતા પ્રદિપ કુમાર સાથે ઘણી હિટ ફિલ્મો કરી જેમાં ફેશન, ડિટેક્ટિવ, દુનિયાના માને ફિલ્મો મુખ્ય હતી. પ્રદિપ કુમાર સાથે કરેલી ફિલ્મો પુરૂષ પ્રધાન હોવાથી તેમની નોંધ ઓછી લેવાય, પણ 1957માં અભિનેતા, નિર્માતા ગુરૂદત્તની ફિલ્મ “પ્યાસા” માલાસિંહા માટે માઇલસ્ટોન સાબિત થઇ હતી. આ ફિલ્મ આજ સુધી ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક ક્લાસિક અને માલાસિંહા માટે મહત્વપૂર્ણ સાબિત થઇ હતી.
પ્યાસા ફિલ્મ પછી ફિર સુબહ હોંગી, ધૂલ કા ફૂલ જેવી હિટ ફિલ્મોથી તે બોલીવુડની નંબર વન અભિનેત્રી બની ગઇ. ત્યારબાદ આવેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં પરવરિશ, ઉજાલા, મે નશે મેં હું, પ્રેમ વિવાહ, બેવકુફ, માયા, બોમ્બે કા ચાર જેવી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સફળ રહી હતી. મનોજ કુમાર સાથે હરિયાલી ઔર રાસ્તા અને હિમાલય કી ગોંદ મે હિટ ગઇ તો રાજેન્દ્ર કુમાર સાથે ધૂલ કા ફૂલ, પતંગ, ગીત, લલકાર તથા બિશ્ર્વજીત સાથે આસરા, દો કલિયા, નાઇટ ઇન લંડન, તમન્ના અને નઇ રોશની જેવી હિટ ફિલ્મો કરી હતી. તેમણે બિશ્ર્વજીત સાથે 10 ફિલ્મો કરી હતી.
2007માં માલાસિંહાને સ્ટાર સ્ક્રિન લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેમની સફળ ફિલ્મોના 1960 અને 1970ના દશકામાં રાજકપૂર, દેવાનંદ, કિશોર કુમાર અને પ્રદિપ કુમાર જેવા હિરો સાથે કામ કર્યું હતું. આ સાથે આ દૌરના નવા ઉભરતા કલાકારો જીતેન્દ્ર, સંજય, સુનિલ દત્ત, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું હતું. 1966માં તે નેપાલી ફિલ્મ કરવા નેપાળ ગઇ. ‘મૈત્રીઘર’ ફિલ્મના હિરો ચિંદબરમ સાથે લગ્ન કર્યા હતા. તેમના પતિ નેપાળ રહેતા અને માલાસિંહા પુત્રી પ્રતિભાસિંહા સાથે મુંબઇ રહેતી હતી. તેમની માતા જીવનનાં અંત સુધી પુત્રી માલાસિંહા સાથે જ રહેતા હતા.
1974માં અભિનેત્રી તરીકે કામ ન મળતા તેમણે 36 ઘંટે (1974), જિંદગી (1976), કર્મયોગી (1978), બે રહમ (1980) તથા હરજાઇ (1981) જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રીનો રોલ કર્યો હતો. તેમણે ચરિત્ર ભૂમિકામાં પણ શ્રેષ્ઠ રોલ કર્યા હતા. માલાસિંહાની માતા એપ્રીલ-2017 સુધી તેમની સાથે રહેતી તે શેરીના કુતરા અને બિલાડીની દેખભાળ કરતી હતી. માલાસિંહાની સાથે એ સમયમાં વૈજયંતીમાલા અને વહિદા રહેમાન પણ અભિનેત્રી તરીકે આવી ગઇ હતી. ગોલ્ડન એરા યુગમાં માલાની કમાલે તેને સૌથી સફળ અભિનેત્રી બનાવી હતી.
પ્રારંભે ‘બાદશાહ’ ફિલ્મ નિષ્ફળતા બાદ હિંમત ન હારનાર માલાસિંહાએ પરિશ્રમ, લગન અને પ્રતિભાના બળ ઉપર ફિલ્મ જગતમાં એક ચોક્કસ જગ્યા ઉભી કરી હતી. આ ફિલ્મ બાદ જર્હાં-આરા આવીને સિતારો ચમક્યો હતો. માલાસિંહાએ ફિલ્મ મર્યાદામાં ડબલ રોલમાં કામ પણ કર્યું હતું. તેમની હિટ ફિલ્મોના અભિનયને તેના ચાહકો આજે પણ યાદ કરે છે. પારિવારિક ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનયની ચર્ચા આજે પણ થાય છે.
માલાસિંહાને મળેલા વિવિધ એવોર્ડ
– 1965 – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, ફિલ્મ જર્હા-આરા
– 1967 – સર્વશ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ફિલ્મ હિમાલય કી ગોંદ મેં
– 2004 – સિક્કિમ સરકાર દ્વારા સન્માન એવોર્ડ
– 2005 – નેપાળ સરકાર દ્વારા સન્માન એવોર્ડ
– 2007 – સ્ટાર સ્ક્રિન લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
– 2013 – મહિલા પુરસ્કાર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
– 2018 – ફિલ્મ ફેયર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
પારિવારિક ફિલ્મોમાં તેમનો અભિનય શ્રેષ્ઠ
માલાસિંહાએ લગભગ દરેક પ્રકારની ભૂમિકા ભજવી હતી. તેની પારિવારિક ફિલ્મોમાં અભિનયની માસ્ટરી હતી. જે જોઇને ચાલુ ફિલ્મ શોમાં જ મહિલાઓ રડવા લાગતી. તેમની આ ક્ષમતાને જોઇને દક્ષિણ ભારતના નિર્માતાઓ તેમની આ ખૂબીને લઇને શ્રેષ્ઠ પારિવારિક ફિલ્મો બનાવી જેમાં સંજોગ, દિલ તેરા દિવાના, પૂજા કે ફૂલ, નઇ રોશની, સુનહરા સંસાર, યે રિશ્તા ન ટુટે અને બાબુ મુખ્ય હતી. માલાસિંહાએ એમના યુગના તમામ નામી-અનામી કલાકારો સાથે ફિલ્મો કરી હતી.
માલાસિંહાની હિટ ફિલ્મો
– પ્યાસા- 1957
– ધૂલ કા ફૂલ – 1959
– આંખે – 1968
– હિમાલય કી ગોંદ મે – 1965
– દો કલિયા – 1968
– ગીત – 1970
– અનપઢ – 1962
– મર્યાદા – 1971
– ધર્મપુત્ર – 1961
– દિલ તેરા દિવાના – 1962
– બહારે ફિરભી આયેંગી – 1966
– હરિયાલી ઔર રાસ્તા – 1962
– હમસાયા – 1968
– નાઇટ ઇન લંડન – 1967
– નીલા આકાશ – 1965
– જર્હાં આરા – 1964
– અપને હુએ પરાયે – 1964
– સુહાગન – 1964
– પુજા કે ફૂલ – 1964
– ગુમરાહ – 1963
– માયા – 1961