ચટ્ટ ભી મેરી, પટ્ટ ભી મેરી
ત્રિપલ તલ્લાક બિલ દ્વારા મોદી સરકારે મુસ્લિમ મહિલાઓની સહાનુભૂતિના સાથે હિન્દુ મતદારોની લાગણી પણ જીતી હોય, રાજયસભામાં આ બિલ પસર ન થાય તો પણ આગામી ચૂંટણીમાં ભાજપને સીધો ફાયદાની સંભાવનાઓ જોતા રાજકીય વિશ્ર્લેષકો
મુસ્લિમ મહિલાઓનાં લગ્ન જીવનને સુરક્ષીત કરનારૂ ત્રિપલ તલ્લાક બિલ આજે રાજયસભામાં રજૂ થયું હતુ. સામાજીક રૂઢીને વરવું સ્વરૂપ આપવામાં આવે તો આવતા ભયંકર પરિણામના ઉદાહરણ સમાન ત્રિપલ તલ્લાક મુસ્લિમ મહિલાઓનો સામાજીક મુદાની સાથે રાજકીય મુદો પણ બની ગયો છે. ત્રિપલ તલ્લાક મુદે રાજયસભામાં થનારા નિર્ણય પર હિન્દુ સમાજ પણ ધ્યાન રાખી બેઠો છે. આ બિલને રજૂ કર્યા બાદ મુસ્લિમ મહિલાઓમાં ભાજપ તરફી સહાનૂભૂતિ આવી છે તો મુસ્લિમ પુરૂષોમાં ધર્મના મુદા પર દખલગીરી સમાન ગણીને નારાજગી જોવા મળે છે.એક તરફ, વિશ્ર્વ ૨૧મી સદીમા પ્રવેશી ગયું છે. ત્યારે આપણા દેશમાં વિકાસ અને સ્ત્રી સશકિતકરણની વાતો થઈ રહી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સ્ત્રી સશકિતકરણની વાતો કરીને રાજકારણમાં સ્ત્રી અનામતનો હિસ્સો વધારવાની હિમાયત કરી ચૂકયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીની પરંપરાગત મુસ્લિમ વોટબેંક છીનવાય જવાની આશંકાથી રાહુલે જ પોતાની સરકાર આવશે તો ત્રિપલ તલ્લાકનો કાયદો રદ કરવાની જાહેરાત કરી છે. જેથી કોંગ્રેસ આ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિથી હિન્દુ સમાજના મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે. ભૂતકાળમાં ત્રિપલ તલ્લાકના કારણે મુસ્લિમ મહિલાઓને થતા દર્દ, મુશ્કેલી, વગેરે જેવી બાબતોને ‘નિકાહ’ જેવી ફિલ્મોમાં દર્શાવીને તેના પર સમાજનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલ્લાક મુદે પડતી મુશ્કેલીના કેસો સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યા છે. શાહબાનુકેસમાં સુપ્રીમ કોર્ટે તેનું જીન નિર્વાહ ભથ્થુ નકકી કર્યા બાદ કોંગ્રેસની તત્કાલીન, રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ મતદારોને રાજી રાખવા માટે કાયદામાં ફેરફારમાં કરાવ્યો હતો. જેથી ત્રિપલ તલ્લાકનો મુદો હંમેશાથી ભારતમાં રાજકીય મુદો રહ્યો છે. આ મુદે કોઈ રાજકીય પક્ષો ચર્ચા પણ કરવા પણ તૈયાર ન હતા. ત્યારે મોદી સરકારે ત્રિપલ તલ્લાકનો મુદો હાથમાં લઈને મુસ્લિમ મહિલાઓની સ્થિતિ સુધારવાની સાથે હિન્દુ સમાજમાં મુસ્લિમોને ધર્મના નામે મળતા લાભા સામે જોવા મળતા આક્રોશને રાજકીય લાભમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય વિશ્ર્લેષકો આ બિલને મોદી સરકારનો દેશમાં સમાન ‘સિવિલ કોડ’ લાગુ પાડવાના પૂર્વ આયોજન રૂપે જોઈ રહ્યા છે.
ત્રિપલ તલ્લાકના મુદે મોદી સરકારે મારેલી સોગઠીથી ભાજપની સામાજીકની સાથે રાજકીય સ્થિતિ મજબુત થઈ જવા પામી છે. જયારે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની પરંપરાગત મુસ્લિમા વોટબેંક છીનવાય જવાના કારણે બચાવની સ્થિતિમાં આવી ગયા છે. જેથી રાજયસભામાં આજે રજૂ થયેલા આ બિલનો તેઓ વિરોધ કરી રહ્યા છે. જેથી આ બિલની ચર્ચા દરમ્યાન હોબાળો થવાની સંભાવના વ્યકત થઈ છે. આ મુદે રાજયસભમાં કોંગ્રેસ સહિત વિપક્ષોનાં થનારા હોબાળાના કારણે હિન્દુ મતદારોમાં તેમની છબી ખરડાવવાની સંભાવના છે. જયારે લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપને કોંગ્રેસને ભીડવવાનો વધુ એક મુદો મળી ગયો હોય ભાજપની સ્થિતિ ‘ચટ્ટ ભી મેરી, પટ્ટ ભી મેરી’ જેવી થઈ જવા પામી છે.
કેન્દ્રીયકાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આજે રાજયસભમાં મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવનની સુરક્ષા પ્રદાન કરતુ બિલ રજૂ કર્યું હતુ આ બિલ ગત ૨૭મી ડીસેમ્બરે લોકસભામાં ૨૪૫ વિરૂધ્ધ ૧૧ મતોથી પસાર થઈ ગયું છે. વિપક્ષે આ બિલને પાર્લામેન્ટની સીલેકટ કમિટી પાસે મોકલીને સુધારા કરવાની માંગણી કરી રહ્યું છે. આ માંગણીને મોદી સરકારે રદ કરી નાખી હતી અગાઉ રાજયસભામાં એનડીએની પૂરતી બહુમતીના અભાવે આ બિલ પસાર થઈ શકયું નહતુ જેથી મોદી સરકારેઆ મુદે ફરીથી ખરડો લાવ્યું છે. આ બિલમાં ત્રિપલ તલ્લાકના કાયદાના બંધ બદલ પતિને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.જેનો કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે.
ગત ઓગષ્ટમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે ત્રિપલ તલ્લાકને ગેરબંધારણીય ગણાવ્યું હતુ પાંચમાંથી ત્રણ જજોએ ત્રિપલ તલ્લાકને ધર્મના નામે મુસ્લિમ મહિલાઓનાં લગ્ન જીવનના હકકના ભંગ સમાન ગણાવ્યું હતુ જેથી મોદી સરકારે આ મુદે ખરડો લાવીને મુસ્લિમ મહિલાઓની સહાનુભૂતિની સાથે હિન્દુ લોકોનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે આ મુદે કોંગ્રેસ સહિતના વિપક્ષો બચાવની સ્થિતિમાં આવી ગયા હોય રાજયસભામાં થનારો વિરોધ અને હોબાળો પણ ભાજપ માટે આગામી ચૂંટણીમાં નવા મુદો સાથે રાજકીય લાભ આપનારૂ બનશે તેવું મનાય રહ્યું છે.