ભાગવત સપ્તાહ, સમુહ લગ્ન અને માતાજીના નવલખા માંડવાનું સુંદર આયોજન તડામાર તૈયારીઓ; હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે
બાબરામાં નિલવડા રોડ ઉપર આવેલ વડલીવાળા મેલડી માતાજીધામમાં દર વર્ષે માતાજીનો નવરંગો માંડવો ધામધૂમથી યોજાય છે. આ વર્ષે તા.૬ થી ૧૨ દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહ તા.૧૩ના રોજ મા-બાપ વગરની દિકરીઓનાં સમુહ લગ્ન તા.૧૪ના રોજ માતાજીનો માંડવો સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દરમ્યાન લાખો ભાવિકો પ્રસાદ, કથાશ્રવણ અને દર્શનનો લાભ લેશે તેમ વડલીવાળા માતાજીના સેવક રાજુભાઈ જેઠવાએ જણાવ્યું હતુ.
ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપર શ્યામભાઈ ઠાકર બીરાજમાન થઈ કથાપાન કરાવશે. તા.૧૨ના રોજ શિતલા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના યજમાનપદે મીરાબેન તથા વિજયભાઈ દોશી રહેશે આ તમામ ધાર્મિક ઉત્સવોનો લાભ લેવા સર્વેભાવિકોને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.
ભાગવત સપ્તાહમાં નૃસિંહ અવતાર, ગોવર્ધન લીલા, કૃષ્ણજન્મ, રૂક્ષ્મણીવિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે તા.૧૩ના રોજ સમુહ લગ્નોત્સવમાં જાન આગમન સવારે ૭ કલાકે, રજવાડી સામૈયા સવારે ૭.૩૦ કલાકે, છાબવિધિ ૮ કલાકે, હસ્ત મેળાપ સવારે ૧૦.૩૦ કલાકે તથા બપોરે ૧.૩૦ કલાકે જાનને વિદાય અપાશે. તા.૧૧ના રોજ શીતલા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર વિધિ શાસ્ત્રી રાજેશભાઈ યાજ્ઞીકના આચાર્ય પદે તેમજ વિપ્રવૃંદ સહિત કર્મ સંપન્ન કરાવશે.
૨૪ કલાકનો માતાજીનો નવરંગો માંડવો તા.૧૪ના રોજ જેમાં સ્થંભ રોપણ અને મંડપ મુહર્ત સવારે ૮.૩૦ કલાકે થશે રાવળદેવ પ્રભાતભાઈ સોલંકી, હરદેવભાઈ, હિતેશભાઈ, જીવણભાઈ, જીતેશભાઈ મહેશભાઈ રાવળ, ધર્મેશભાઈ માતાજીને પ્રસન્ન કરશે.
પૂ.કરશનદાસ બાપુના હસ્તે તા.૬ના રોજ ભજહરિ અન્નક્ષેત્ર તથા ર્માં અતિથિ ગૃહનો શુભારંભ થશે જેમાં અતિથિ વિશેષ પદે આઈપીએસ અભયસિંહ ચુડાસમા હાજરી આપશે.દરરોજ રાત્રે યોજાનાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રીયાઝ મીર ગ્રુપના સથવારે જાગરણ, હિતેશભાઈ જીતેશભાઈ રાવળના સથવારે ડાકડમરૂ, ગુણવંતભાઈ અને દિગુભા ચુડાસમાનો હસાયરો, દાંડીયારાસ, લોકડાયરો, લગ્નગીત જેવા પ્રોગ્રામ્સનું આયોજન કરાયું છે. સર્વે માઈ ભકતોને ધર્મોત્સવનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.