બાઈક ઉપર ગીરનાં ખોરાસા ગામે જઈ રહ્યાં હતા ત્યારે કારની ટક્કરથી સર્જાયો ગમખ્વાર અકસ્માત

માંગરોળ નજીક શારદાગ્રામ પાસે આજે સાંજના સુમારે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઈકમાં સવાર પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં સારવાર માટે જુનાગઢ રિફર કરાયેલા પિતાએ પણ રસ્તામાં દમ તોડી દીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ દિવાસા ગામના રહેવાસી સામતભાઈ કરશનભાઈ ચુડાસમા (ઉ.વ.45) તથા તેમનો પુત્ર જયેશ (ઉ.વ. 12) કોઈ કામ સબબ ગીરના ખોરાસા ગામે ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરી રહ્યા હતા. એ સમયે શારદાગ્રામ નજીક રોંગ સાઈડમાં વણાંક લેવા જતા અન્ય એક બાઈકને બચાવવા માંગરોળ તરફથી આવી રહેલી ફોર વ્હિલે બ્રેક મારી હતી. તે સમયે સામેથી આવતી સામતભાઈની બાઈક ફોર વ્હિલ સાથે અથડાઈ હતી. જેમાં પુત્ર જયેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા હતા. બાઈકચાલક સામતભાઈને હાથ, પગ તેમજ માથામાં ઈજાઓ થતા માંગરોળ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. અહીંથી વધુ સારવાર માટે તેઓને જુનાગઢ ખસેડાતા રસ્તામાં તેમનું પણ મૃત્યુ થયું હતું.

બનાવ બાદ દિવાસા ગામના પૂર્વ સરપંચ પ્રભાતસિંહ દોલુભા, એડવોકેટ રમેશભાઈ ડાકી સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મજુરી કરી નિભાવ કરતા પરિવારના મોભી અને માસુમ પુત્રના મોતથી કુટુંબ પર આભ તુટી પડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.