- ઇકબાલ રેકી કરતો, હમીદ રિક્ષામાં બેસતો જયારે યુપીનો વિવેક દાનપેટી તોડી ચોરીને અંજામ આપતો
- તસ્કર ટોળકી ધાર્મિક સ્થળને ટાર્ગેટ કરતી હોવાનો ગાંધીગ્રામ પોલીસની તપાસમાં ખુલાસો
જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને નિવૃત પોલીસમેનનો પુત્ર સહિત ત્રણ શખ્સો પકડાયા હતાં. મુખ્ય સૂત્રધાર યુપીના વિવેક ચૌહાણે પૂર્વ પોલીસમેનના પુત્ર ઈકબાલ મકરાણીને સાથે લઈ હમીદ જુણેજાની રીક્ષા ભાડે કરી ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં દિનેશગીરી ઓધવગીરી ગૌસ્વામી (ઉ.વ.60) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગાયત્રીધામ સોસાયટી શેરી નં.01 માં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં એક વર્ષથી સેવાપુજા કરે છે. મંદિરમાં રૂમની બહારના ભાગે ખુલ્લા પરીસરમાં દાન પેટી રાખેલ છે. જે દાન પેટીની ચાવી દિનેશભાઈ ચાવડા પાસે રહે છે. મંદિરનો જીર્ણોદ્ધાર ઓગષ્ટ – 2024 માં કરેલ ત્યારે દાન પેટી મુકેલ હતી, દાન પેટી મુક્યા બાદ આજ સુધી એકપણ વખત ખોલેલ ન હતી.
ગઇ તા.18/03/2025 ના રાત્રીના સમયે તેઓ મંદિરમાં પુજા-પાઠ કરી અંદર રહેલ મુર્તિ વાળા રૂમને તાળુ મારી ઘરે જતાં રહેલ હતાં. ત્યારબાદ બીજા દિવસે સવારે મંદિરમાં ધુપ-દીવા કરવા આવેલ ત્યારે જોયુ તો મંદિરના ખુલ્લા પરીસરમાં રાખેલ દાન પેટી જોવામાં આવેલ નહી, જેથી આજુ-બાજુમાં રહેતા લોકોને પુછપરછ કરતા કોઇ માહીતી મળેલ ન હતી. મંદિરની દાન પેટીમાં આશરે દાનની રકમ રૂ.40 હજાર જેટલી હતી જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. ચોરીની ઘટના અંગે ગંભીરતા દાખવી પોલીસ કમીશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઈ દ્વારા ગુનો ડિટેકટ કરી તસ્કરને પકડવાની આપેલ સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.જાડેજા ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે અલગ અલગ ટીમોએ તે વિસ્તારમાં આવેલ સોસાયટીઓ તેમજ આઇ-વે પ્રોજેકટના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ફુટેજમાં દેખાયેલ શખ્સ આરોપી વિવેક બીરેન્દ્રસિંગ ચૌહાણ (રહે હાલ. રાજકોટ મુળ.યુ.પી) જે શહેરમાં અલગ અલગ જગ્યાએ રખડતો ભટકતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે 150 ફુટ રીંગ રોડ શીતલ પાર્ક મેઈન રોડ એરપોર્ટ દિવાલ પાસેથી ઓટો રીક્ષા નં. જીજે-03-એડબ્લ્યુ-0178 સાથે ત્રણ શખ્સોને પકડી પાડી નામ પૂછતાં વિવેક બીરેન્દ્રસિંગ ચૌહાણ (ઉ.વ.39),( રહે. હાલ ગ્રીન લેન્ડ ચોકડી પાસે, રામદેવ સ્ટોલ ચૈન્મય એપાર્ટમેન્ટ), ઇકબાલ મહમદઅલી મકરાણી (ઉ.વ.39),( રહે.મોચીનગર 06, જામનગરી પાન પાસે શીતલપાર્ક મેઈન રોડ) અને હમીદ અલી જુણેજા (ઉ.વ.38), (રહે.પરસાણાનગર શેરી નં.07) હોવાનું જણાવ્યું હતું. ત્રણેય શખ્સો પાસેથી રોકડ રૂ.10450 અને ઓટો રીક્ષા મળી કુલ રૂ.90450 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોરીનો મુખ્ય સૂત્રધાર વિવેક ચૌહાણ છે અને તેને અગાઉ રેકી કરી હમીદ જુણેજાને ચોરીમાં સાથે લઈ ઈકબાલ મકરાણીની રીક્ષા રૂ.400 માં ભાડે કરી ચોરી કરવાં ગયાં હતાં. તેમજ તસ્કર ઇકબાલ મકરાણી નિવૃત પોલીસમેનનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે.