રસ્તા પર ટ્રક પલ્ટી જતાં એસટી બસ ડીવાઈડર સાથે અથડાઈ, તેની પાછળ ટેન્કર અને ઇકો કાર પણ અથડાયા
અબતક રાજકોટ
હળવદ પાસે આવેલા કવાડિયા ગામ પાસે મોડી રાત્રીના ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે અન્ય 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને હળવદ અને ધાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર પલ્ટી મારી ગયેલા ટ્રકના કારણે એસટી બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેની પાછળ આવતું ટેન્કર પણ એસટી બસ પાછળ ઘુસી ગઈ હતી અને તેની પાછળ ઇકો કાર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.ી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામ પાસે ગત મોડી રાત્રીના 2:30 વાગ્યાના અરસામાં ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરના સેજુમલ મુલચંદ જાગિયાણી નામના 65 વર્ષના વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં રજીયાબેન અલારખા (ઉ.વ.30), રસિકભાઈ રાજાભાઈ પટેલ (ઉ.વ.45), નરેન્દ્રભાઇ પટેલ (ઉ.વ.65), લલ્લારામ કુબારામ ચૌધરી (ઉ.વ.32), અમીનાબેન મોહંમદ જામ (ઉ.વ.70), નજમાબેન રફીકભાઈ (ઉ.વ.26) અને ચંદ્રેશ મગનભાઈ ચૌહાણ (ઉ.વ.29) સહિત 17 લોકોને ઈજાઓ થતા તેઓને સારવાર માટે હળવદ અને ધાંગધ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માતના પગલે રસ્તા પર ભારે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. ઘટના અંગે જાણ થતાં 108 અને પોલીસનો કાફલો તુરંત દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ટ્રક રસ્તા પર પલ્ટી ગયા બાદ ત્યાંથી પસાર થતી સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસના ચાલકનું અચાનક ધ્યાન જતા તેને કાબૂ ગુમાવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ ગઇ હતી. તો બીજી તરફ બસ પાછળ દોડી આવેલા ટેન્કર ચાલકે પણ બસ પાછળ અથડાતા બસમાં સવાર સાત મુસાફરોને ઈજાઓ થઈ હતી. ટ્રક પાછળ ઘુસેલી ઇકો કારમાં સવાર વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.