દ્રાભિષેક સાથે રામ જન્મભૂમિના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવશે
કુબેર ટીલા મંદિરમાં રૂદ્રાભિષેક કરી ૧૦મીથી થશે રામ મંદિર નિર્માણ કાર્ય
હિન્દુઓની આસ્થા સાથે સંકળાયેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય આગામી તા.૧૦ જુનથી શ થશે. રામ જન્મભૂમિના પરિસરમાં આવેલા કુબેર ટીલા મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવશે. રામ જન્મભૂમિ કેસમાં હુકમનું પાનુ ધરાવનાર ત્રિલોકીનાથ પાંડેની આગેવાનીમાં આયોજન હાથ ધરાયું છે. રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત કમલનયનદાસે જણાવ્યું હતું કે, ભગવાન શિવની આરાધના કરી ભગવાન રામે સ્થાપેલી પરંપરાને અનુસરમાં આવશે.
રામ જન્મભૂમિ પર વર્તમાન સમયે રામ મંદિર નિર્માણ માટે એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓ લેવલીંગ સહિતની કામગીરી કરી રહ્યાં છે. આગામી ૧૦મીએ રામ જન્મભૂમિના પરિસરમાં આવેલા કુબેર ટીલા મંદિરમાં રુદ્રાભિષેક થશે. આ મામલે સુપ્રિમ કોર્ટે આપેલી ડિક્રી ધરાવનાર ત્રિલોકીનાથ પાંડેએ જણાવ્યું હતું કે, કુબેર ટીલા ખાતે ભગવાન શિવનું પૌરાણીક મંદિર હતું તે સ્થળે પ્રાર્થના કરવામાં આવશે. મહંત કમલનયનદાસ સહિતના સંતો-મહંતો દ્વારા ખાસ પૂજા-અર્ચનાનું આયોજન હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની આગેવાની ધરાવતી સરકારના કાર્યકાળ દરમિયાન રામ જન્મભૂમિનો ચુકાદો આવ્યો હતો. દેશની વડી અદાલતે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કર્યો હતો. ત્યારબાદ મંદિરના નિર્માણમાં સરળતા રહે તે માટે રામ મંદિર ટ્રસ્ટની રચના પણ કરવામાં આવી હતી. હવે ધીમીગતિએ રામ જન્મભૂમિ પરિસરમાં બાંધકામને લઈ એલ એન્ડ ટી કંપની દ્વારા કામગીરી ચાલુ છે. વર્તમાન સમયે લેવલીંગનું કામ ચાલુ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.