આજે સાંજે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજય સરકારના મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે
આવતીકાલે દેશવાસીઓ 75 સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરશે રાજયમાં ગામે ગામ તિરંગો આન-બાન-શાન સાથે લહેરાશે. રાજય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે યોજાશે. આજે સાંજે જૂનાગઢમાં રાજયપાલ તથા મુખ્યમંત્રી ઉપસ્થિતમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વજવંદનને સલામી આપશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મંત્રી મંડળના સભ્યો અલગ અલગ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આવતીકાલે રાજયભરમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી પર્વની ઉજવણી પાટનગર પૂરતી સિમિત ન રહે અને જિલ્લા કક્ષાએ ઉજવણી થાય તેમાટે દર વર્ષે રાજયકક્ષાની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થશે આજે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જૂનાગઢમાં આગમન થઈ ચૂકયું છે. તેઓના અધ્યક્ષ સ્થાને સાંજે જૂનાગઢમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે અને સાંસ્કૃતિક કાર્યક્રફમની પણ ઉજવણી થશે.
આવતીકાલે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી વલસાડ ખાતે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે ધ્વજવંદન કરશે. રાજકોટમાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ધ્વજવંદન કરશે. રાજય સરકારના અલગ અલગ મંત્રીઓ અલગઅલગ જગ્યાઓમાં ધ્વજ વંદનમાં હાજરી આપશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામાં આવશે.
કેબીનેટ મંત્રી આર.સી. ફડદુ કચછ જીલ્લામાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરતમાં, કૌશિકભાઇ પટેલ સાંબરકાંઠામાં, સૌરભભાઇ પટેલ રાજકોટમાં, ગણપતસિંહ વસાવા દાહોદ જીલ્લામાં, જયેશભાઇ રાદડીયા ભાવનગર જીલ્લામાં, દિલીપકુમાર ઠાકોર ભરુચ જીલ્લામાં, ઇશ્ર્વરભાઇ પરમાર ગાંધીનગર જીલ્લામાં, કુંવરજીભાઇ બાવળીયા મહેસાણા જીલ્લામાં અને જવાહરભાઇ ચાવડા જામનગર જીલ્લામાં ઘ્વજવંદન કરાવશે. રાજયકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરા, જીલ્લામાં બચુભાઇ ખાબડ ખેડા જીલ્લામાં, જયદ્રથસિંહ પરમાર સુરેન્દ્રનગર જીલ્લામાં, ઇશ્ર્વરસિંહ પટેલ અમરેલી જીલ્લામાં, વાસણભાઇ આહીર બનાસકાંઠા જીલ્લામાં, વિભાવરીબેબ દવે અમદાવાદ જીલ્લામાં, રમણલાલ પાટકર નવસારી જીલ્લામાં, કિશોરભાઇ કાનાણી છોટા ઉદપુર જીલ્લામાં, યોગેશભાઇ પટેલ આણંદ જીલ્લામાં અને ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબી જીલ્લામાં ઘ્વજવંદન કરાવશે. આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવ ભૂમિદ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધીત જીલ્લાના કલેકટરના હસ્તે ઘ્વજ વંદન સમારોહ યોજાશે.
સોરઠના પાટનગર જૂનાગઢ ખાતે આજે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ તારા નામમાં ઓ સ્વતંત્રતા થીમ પર યોજાયેલા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો પ્રારંભ થશે, સાંજે રાજ્યપાલની એટ હોમ, બાદમાં 120 થી વધુ કલાકારો ગુજરાતના વીરસપૂતોની, આઝાદી ચળવળની ગાથા રજૂ કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના વરદ હસ્તે પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન, પરેડ, સલામી સહિતના કાર્યક્રમો યોજાશે.
આજે સાંજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત મલ્ટીમીડીયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 120 જેટલા કલાકારો પોતાની કલા રજૂ કરશે. તારા નામમાં ઓ સ્વતંત્રતા થીમ પર યોજાનાર કાર્યક્રમમાં કલાકારો દ્વારા ગુજરાતના સ્વાતંત્ર્યવીરો ગરબડદાસ મુખી, મુળુ માણેક, શામળદાસ ગાંધીની ગાથા રજૂ કરશે. તેમજ ગાંધીજીનો મુકદમા, આરઝી હકુમત, ગુરૂગોવિંદ જય હો એપિસોડ પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત તલવાર નૃત્ય, કસુંબીનો રંગ નૃત્ય, રઘુપતિરાધવ નૃત્ય, અને આદીવાસી નૃત્ય દ્વારા કલાકારો અભિનયના ઓજસ રજૂ કરશે.
આ તકે જૂનાગઢ જિલ્લાને વિકાસ કાર્યો માટે આ ઉજવણીના સંદર્ભમાં મુખ્યમંત્રીના હસ્તે રૂા. 7.50 કરોડની રકમ ફાળવાશે. જેમાં જૂનાગઢ મહાનગરના વિકાસ માટે રૂા. 2.50 કરોડ મ્યુ. કમિશનરને, જિલ્લાની નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે રૂા. 2.50 કરોડ કલેક્ટરને અને ગ્રામ્ય વિકાસ માટે ડીડીઓને રૂા. 2.50 કરોડનો ચેક અપર્ણ કરાશે.
આવતી કાલે 15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75માં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની પૂરી આન, બાન, શાન સાથે ઉજવણી થશે જૂનાગઢમાં ગરિમા અને ગૌરવ પૂર્ણ રાજ્યકક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે મુખ્યમંત્રી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. હેલીકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા થશે અને બાદમાં મુખ્યમંત્રી જૂનાગઢથી 75માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલશે. 15 પ્લાટુનનું નિદર્શન જેમાં 545 પોલીસ કર્મચારીઓ જોડાશે. આ ઉપરાંત સ્વાતંત્ર સેનાનીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાશે. અને મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ બાદમાં આ કાર્યક્રમનું સમાપન થશે.
આ પૂર્વે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને સુસજ્જ કરવા અને લોકોની સલામતી માટે ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અપર્ણ કરશે. આ પ્રસંગે ઇ-ઉદ્દઘાટન કરીને રાજ્યના વિવિધ સ્થળોએથી લાઇવ વિડીયો ફુટેઝ સ્કીન પર પ્રદર્શિત કરાશે, સાથોસાથ પોલીસ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ લેજીમ નૃત્ય, રશીયન પીટી, જીમ્નાસ્ટીક મલખમ, ડોગ શો, બોડી વોર્ન કેમેરા ડેમોસ્ટ્રેશન, ડ્રોન કેમેરા ડેમોસ્ટ્રેશન થશે.
શહેરની સરકારી કચેરીઓ કલેક્ટર ઓફિસ, તાલુંકા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, એસ.પી. કચેરી, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સર્કિટ હાઉસ, પોલીસ કચેરીઓને આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, આ લહાવો શહેરીજનો એ મોડી રાત્રિ સુધી મન ભરી માંણ્યો.હતો, અને રાત્રિના 12 વાગ્યા સુધી શહેરમાં કર્ફ્યું હોવા છતાં કરફ્યુ જેવું કાંઈ હોય તેવું લાગતું ન હતું.
જૂનાગઢમાં ગરિમા અને ગૌરવ પૂર્ણ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે જિલ્લા કલેકટર રૂચિત રાજના સંપૂર્ણ માર્ગદર્શન અને સુક્ષમ બાબતોને પણ ધ્યાને લઈ, રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં કોઈ કચાશ ના રહે, તે માટે 18 જેટલી સમિતિઓ બનાવી, સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત, વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે. અને આગામી 15 મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની પૂરા આન, બાન, શાન અને રંગેચંગે, રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તે માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.