ભારત પુનઃ અખંડ ભારતવર્ષ બને એ પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી શક્તિપીઠો પર ત્રિરંગો ફરકાવ્યો
આસ્થા તીર્થ અંબાજી અનેરી આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. દેશ- વિદેશના અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના ચરણોમાં આવી ધન્યતા અનુભવે છે. ધાર્મિક ક્ષેત્રે ઉન્નત અને આગવું સ્થાન ધરાવતું અંબાજી સાંપ્રત સમયમાં ગબ્બર પર્વત ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથના લીધે વિશેષ બન્યું છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર ભારતના વિવિધ રાજ્યો અને પ્રાચીન સમયમાં ભારત જ્યારે અખંડ ભારત હતું એ સમયે આવેલ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. અહીં એક જ પરિક્રમા પથ પરશ્રધ્ધાળુઓને આ તમા શક્તિપીઠોના દર્શનનો લાભ મળે છે.
આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિમય બની ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૫૧ શક્તિપીઠ પર આવેલ તમામ શક્તિપીઠો પર રાષ્ટ્રની એકતા અને અખંડતાનું પ્રતિક તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. આ શક્તિપીઠોમાંથી કેટલાંક શક્તિપીઠ આજના સમયે ભારત સિવાય અન્ય દેશો જેવા કે નેપાળ, તિબેટ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સ્થિત છે.
આ શક્તિપીઠો પુનઃ ભારતવર્ષમાં સામેલ થાય અને આપણું રાષ્ટ્ર ફરી અખંડ ભારત બને એવી પ્રાર્થના શક્તિસ્વરૂપા માં અંબાના ચરણોમાં કરીને શક્તિપીઠો પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનને આધુનિક ભારતથી અખંડ ભારત સુધી લઇ જવાનો શુભ સંકલ્પ તીર્થક્ષેત્ર અંબાજીમાં ચરિતાર્થ થતો જોવા મળ્યો હતો.