મેરા રંગ દે બસંતી ચોલા
કચ્છ-ભુજ સહિત જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, વાંકાનેર, ઉપલેટા, ધોરાજી, વિસાવદર, ચોટીલા, ઉના,
ગીર-ગઢડા, જેતપુર, ખંભાળીયા વગેરે તાલુકા અને જિલ્લા મથકોમાં દેશગાન અને સલામી આપી રાષ્ટ્રીય પર્વ ઉજવાયું
૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ, ૧૯૪૭માં ભારત દેશને જયારે અંગ્રેજોની ગુલામીમાંથી મુકિત મળી ત્યારબાદ ૧૯૪૯ની ર૬મી જાન્યુઆરીએ ડો. બાબા સાહેબ આંબેડકરજીએ દેશનું બંધારણ નકકી કર્યુ હતું. ત્યારથી ભારતભરમાં શહીદોને સ્મરણાંજલી રૂપે તથા આઝાદી જશ્ન મનાવવા ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગઇકાલે ફરી એકવાર ૭૨માં પ્રજાસત્તાક પર્વને દેશવાસીઓએ મનાવીને ભારત હોવાનો ગર્વ અનુભવ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રના ગામે ગામ જામનગર, જુનાગઢ, પડધરી, સોમનાથ, વિસાવદર, ખંભાળીયા ઉપલેટા, વાંકાનેર, કચ્છ-ભુજ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા સહિત વિવિધ સંસ્થાઓ તથા તમામ રાજકીય પક્ષો દ્વારા માતૃભૂમિને વંદના કરને પર્વને વધાવાયું હતું. જો કે આ વર્ષે કોરોનાના કારણે શાળાઓ હજુ ખુલી નથી તેવા માહોલમાં નાના નાના ભુલકાઓ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ વગેરે વીરજવાનોની વેશભૂષા ધારણ કરીને શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઇ શકયા નથી. પણ ઉચ્ચ માઘ્યમિક શાળાઓ ખુલી ગઇ છે ત્યારે મોટા બાળકોએ રાષ્ટ્રગાન સાથે દેશને સલામી આપી હતી. આમ, દેશ સહિત સર્વત્ર મેરા ભારત મહાન ની ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.
ચોટીલા
ચોટીલામાં ર૬મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત મામલતદારના હસ્તે ઘ્વજવંદન કરાયુ હતું
ભુજ
ભુજ શહેર ખાતે આવેલ જિલ્લા હોમ ગાર્ડ કચેરી મઘ્યે ૨૬મી જાન્યુઆરી દિવસે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા હોમ ગાર્ડ કચેરી ઇન્ચાર્જ હેડક્લાર્ક તુલસીભાઈ ઝાલા તેમજ પૂર્વ હેડક્લાર્ક જગદીશભાઈ ડુડીયા. અને ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ ભુજ શહેર વારીસ પટણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહોળી સંખ્યામાં હોમગાર્ડના સભ્યો તેમજ બોર્ડર વિંગના જવાનો ઉપસ્થિત રહ્યા હતા
ઉના
ઉના સ્વામીનારાયણ ગુરુકુળ વિઘાલય અને કોલેજમાં ૭રમો પ્રજાસત્તાદિનની રાષ્ટ્રીય ભાવના સાથે તિરંગો ઝંડાને સલામી સાથે વિઘાર્થી અને શિક્ષકોની બહોળી હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના અઘ્યેઠા પૂ. માધવદાસજી સ્વામીએ પ્રેરક પ્રવચન આપણા જણાવ્યું હતું કે, શૌર્યભર્યા આવા કાર્યક્રમો દેશમાં સર્વત્ર થવા જોઇએ, સરકારને શાળાઓ ઉજવણી કરે તેમાં જનભાગીદારી હોવી જોઇએ. તમામ ભારતીઓએ ભારત ભૂમિ પર પ્રેમ હોવો જોઇએ, ઘ્વજવંદજનના કાર્યક્રમમાં જોડાવું જોઇએ, પ્રત્યેક ભારતવાસીમાં રાષ્ઠ્રીય અસ્મિતા અને તેજસ્વીતાનું નિમાર્ણ થવું જોઇએ વગેરે બાબતો સ્વામીજીએ પ્રવચનમાં જણાવી હતી. અને તમામ ભારતીયોને વધાઇ અને ભારત માતાને વંદન અને વિઘાર્થીઓ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.
જસદણ
જસદણ શહેરમાં બોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવ ભેર ઉજવણી થઇ હતી કોરોના સંક્રમણને ઘ્યાને લઇ સરકારી ગાઇડ લાઇન અનુસરીને તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી પ્રિયાંકકુમાર ગળચરના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ હતું . જેમાં મામલતદાર સહિતના વિવિધ મહાનુભવો ઉ૫સ્થિત રહ્યા હતા. ખાસ કરીને પ્રજાસત્તાક પર્વ ઉપર મોતી ચોક સહિત વિવિધ વિસ્તારોના વેપારીઓએ પોતાની શોપ પર રાષ્ટ્રઘ્વજનું સુશોભન કરી દેશપ્રેમ વ્યકત કર્યો હતો. આ અવસરે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રુપારેલીયા જસદણ યુવા ભાજપના પ્રમુખ વિજયભાઇ જેન્તીભાઇ રાઠોડએ પણ શહેરીજનોને દેશના આ મહાપર્વની શુભેચ્છા પાઠવી હતી.
મોરબી
મોરબીમાં જીલ્લા કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ૧૮ લોકોને સન્માનિત કર્યા હતાં મોરબી જિલ્લા કક્ષાની ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસ ભેર ઉજવણી એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી.
જામજોધપુર
જામજોધપુરના ધુનડા ગામે આવેલ સતત હરિરામ વિઘાલય મુકામે સત હરિરામ વિઘાલય મુકામે ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં સતપુરણ ધામ આશ્રમના વ્યવસ્થાપક હસમુખ અદા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.
માધવપુર (ઘેડ)
પોરબંદર તા.ના માધવપુર ઘેડ ના મધુવન જગલ માં ૨૦૦ ફૂટ ઉંચો ગોંવર્ધનપર્વત ઉપર છેલ્લાં ૩ વર્ષ થી સજીવની નેચર ફાવઉન્ડેશન તેમજ રાષ્ટ્રીયસ્વયમ સેવક સંઘ દ્વારા ગણતંત્ર દિવસ ની રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી. સજીવની નેચર ફાઉન્ડેશન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા ૨૬મી જાન્યુઆરીની ધ્વજવંદન બાદ ભારતમાતા નું પૂજન કરી ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી સજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીયસ્વયમ સેવક સંગ દ્વારા ભારે જાહેમત ઉઠાવી ને ૨૦૦ ફૂટ ઉંચે આવેલ ગોવર્ધન પર્વત ઉપર રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન બાદ ભારત માતાનું પૂજન કરવા માં આવ્યુ હતુ તેમાં બને સંસ્થા ના કાર્યકરોે તેમજ અધિકારીઓ ઓશો આશ્રમ ના સંન્યાસીઓ તેમજ ગ્રામજનોે વેપારી ભાઇઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
ટંકારા
ટંકારામા આર્ય સમાજ ત્રણ હાટડી ની યુવા ટીમ આર્યવીર દળ દ્વારા દર વર્ષે યોજાતી ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા વર્તમાન સ્થિતિ ને અનુલક્ષીને છેલ્લા વર્ષમાં વિજેતા રહેલા સ્પર્ધકો ને સ્થાન આપી મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ ખાતે રાખવામાં આવી હતી. સ્પર્ધકોએ સુરીલા શુરથી ભારત માતાના સંતાનો અમર શહિદોને યાદ કરી જોમ અને જુસ્સા સાથે દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. અને દેશના નરબંકા ની શહાદત ને સલામિ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.
સુત્રાપાડા
ગીર-સોમનાથના વડા મથક વેરાવળ ખાતે આવેલ જીલ્લા ન્યાયલયમાં બાર કાઉન્સીલ વેરાવળના પ્રમુખ રિતેષભાઇ પી. પંડયા તથા સભ્યો દ્વારા નિયમોના પાલન સાથે ર૬મી જાન્યુઆરીના રોજ ઘ્વજ વંદનના કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલ,આ તકે ખાસ ઉ૫સ્થિતિ વેરાવળના વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી અને ભારત સરકારના નોટરી તેમજ પ્રદેશના મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા સહીતની મહિલા ધારાશાસ્ત્રીઓ ઉ૫સ્થિત રહી પ્રજા જોગ સંદેશ આપી પ્રજાસત્તાકદિનની ઉજવણીકરવામાં આવેલ. તસવીર: રામસિંહ મોરી
રાજુલા
રાજુલમાં ૭રમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાંત કચેરીના પટાંગણમાં કરવામાં આવી હતી. જેમાં નાયર કલેકટર ડાભી દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. તથા પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી.ઘ્વજવંદન બાદ પ્રાંત કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ ડાભી તથા મામલતદાર ગઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત રાજુલા તાલુકાના ભેરાઇ ગામે તથા રામપરા-ર ગામે પ્રજાસત્તાક દિન નીમીતે ઘ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજુલા શહેરમાં જે.એ. સંઘવી, હાઇસ્કુલ તથા ટી.જે. બી.એસ. ગર્લ્સ હાઇસ્કુલમાં પણ ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
બાબરા
જિલ્લાના બાબરા તાલુકામાં ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો .૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતના બંધારણને ભારત ના દરેક લોકોએ યાદ કરી તેમના વિચારોને અમલમાં મૂકી સાચા દિલથી યાદ કરવા જોઈએ. આજે ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે બાબરા ના કરીયાણા રોડ આંબેડકર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો
બાબરા ની સિધ્ધિ વિનાયક સોસાયટી માં પ્રાથમિક વિભાગ માં ભણતા નાના ભૂલકાઓ દ્વારા સુંદર રીતે પ્રજાસત્તાક પર્વ ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
કેશોદ
કેશોદ આજે ૭૨ માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે કેશોદ ના મામલતદાર પી.એમ.અટારા ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને ધ્વજવંદન કાર્યક્રમ કાયેકમ પુરો થયા બાદ કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ રાજકીય સામાજિક આગેવાનો અને અધિકારીઓ દ્વારા મામલતદાર કચેરીમાં ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું કોરોના ગાઈડ લાઇનને ધ્યાનને લઈ મર્યાદિત સંખ્યા માં અધિકારીઓ, પોલીસ,હોમગાર્ડ જવાનો,રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ કેશોદ ના ચાર ચોકમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત માતા નું પૂજન કરવામાં આવેલ હતું જેમાં પ્રમુખ ડો.સ્નેહલ તન્ના અને સંસ્થા ના કાયેકરો દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું
ધ્રોલ
ધ્રોલ ખાતે ૨૬ મી જાન્યુઆરીએ મામલતદાર કચેરી ખાતે ધ્રોલના પ્રાંત અધિકારી હેતલબેન જોશી ધ્વજ વંદન કર્યું અને તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ કોરોના વોરિયર્સની પોતાના જીવને પણ ચિંતા કર્યા વગર એવા યોદ્ધાઓ ના સન્માન કરવામાં આવ્યું હતું.
ધારી
ધારી ની વિ પી જી ગલેસ હાઇસ્કૂલ ખાતે મામલતદાર પી, કે, ઝાલા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ હરીપરા પ્રા, શાળા સહિત ની શાળા ના બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અહિ શાળા સંચાલક અરૂણ ભાઇ પટેલ, ટીડીઓ , સોજીત્રા, સહિત અધીકારી , આગેવાનો શાળા સ્ટાફ સહિત હોમગાડે , સ્ટાફ હાજર રહ્યા હતો
દામનગર
દામનગર ૐ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ૭૨ પ્રજાસત્તાક દિન ની અનોખી ઉજવણી કરવામાં આવી. કોરાના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકાર ની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થી અને વાલીઓ ગુગલમીટના માધ્યમથી ઓનલાઈન જોડાય ધ્વજવંદન સાથે ઉજવણી માં ભાગ લીધો હતો.
ધોરાજી
ધોરાજીમાં આઝાદી સમયના પુસ્તકોનું તેમજ ચિત્રોના પ્રદર્શન દ્વારા પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. તેમજ મુળી તાલુકામાં મામલતદાર કચેરી ખાતે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું.
પોરબંદર
પોરબંદરમાં જીલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કલેકટરના હસ્તે ઘ્વજવઁદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તેમજ સમુદ્રમાં ઘ્વજવંદન કરાયું હતું. આ સાથે અરમાવતી ઘાટ ખાતે ખારવા સમાજ દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તેમજ બરડા પંથકમાં બગવદર પોલીસ મથક ખાતે એમ વિવિધ સ્થળે ઉજવણી કરવામાં આવી હતી.
વિસાવદર
વિસાવદર ખાતે ૭રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાંત અધિકારીની કચેરી ખાતે રાખવામાં આવેલ જેમાં વિસાવદર ભેંસાણના પ્રાંત અધિકારી ડી.વી. વાળાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ. આ પ્રસંગે વિસાવદર મામલતદાર ભુમી કેશવાલા તથા તાલુકા વિકાસ અધિકારી માણાવદરીયા તેમજ પોલીસ તંત્ર પી.આઇ. એમ.આર. પટેલ તથા પોલીસ સ્ટાફ રાજકીય મહાનુભાવોમાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા, રમણીકભાઇ દુધાત્રા, નાનજીભાઇ જોધાણી, દિનુભાઇ શાહ, શિરાજભાઇ માડકિયા અબુલીભાઇ હિરાણી તેમજ અન્ય આગેવાનો ઉ૫સ્થ્તિ રહ્યા હતા આ પ્રસંગે સંતો પણ ઉપસ્થિત રહેલ આપરડા ધામથી શ્રી સદાનંદબાપુ તથા ભાસ્કરાનંદજી ખાસ ઉ૫સ્થિત રહેલ.
મહુવા
મહુવાની બેલુર વિઘાલય દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના ડાયરેકટર્સ ડો. ડી.સી. લાડુમોર દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું. ઘ્વજવંદન કાર્યક્રમ બાદ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ દિને સંસ્થાના ડાયરેકટર્સ બાલુભાઇ જી. મકવાણા, ડો. ડી.સી. લાડુમોર, મનુભાઇ જી. મકવાણા, આર.એચ. હડિયા (શૌર્ય ચક વિજેતા) મંગળભાઇ સી. લાડુમોર તથા સંચાલક મંડળ વતી બી.સી. લાડુમોર સેક્રેટરી પી.એમ. નકુમ નિલેશભાઇ બી. મકવાણા, દેવીનભાઇ એમ. મકવાણા, અંકુરભાઇ આર. હડિયા તથા સ્ટાફ ગણ વિઘાર્થીઓ તથા બેલુલ વિઘાલય પરિવારે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી.
વિશ્ર્વનું પ્રથમ એવુ મંદિર જ્યાં ધર્મની ધજા સાથે ફરકે છે રાષ્ટ્ર ધ્વજ
ખોડલધામ મંદિર પરિસરમાં લહેરાયો ૧૫૫૧ ફૂટ લાંબો ,૧૦ ફૂટ પહોળો તિરંગો
કોરોના વોરિયર્સના સન્માનમાં ગાંધીનગરના રાધે રાધે પરિવારે ફરકાવ્યો તિરંગો
પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો ૧૫૫૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા ૨૬મી જાન્યુઆરી નિમિત્તે ખોડલધામ મંદિર પરિસરમાં ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મા ખોડલનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં પણ સુશોભન કરવામાં આવ્યું હતું.
૨૬મી જાન્યુઆરીના દિવસે કોરોના વોરિયર્સના સન્માનમાં સવારે ૯ કલાકે ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ૩૦૦ જેટલા કાર્યકરો મુખ્ય પ્રવેશદ્વારથી રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિની ધૂન સાથે મંદિર સુધી પહોંચ્યા હતા. મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ રાષ્ટ્રધ્વજ પરત મુખ્ય પ્રવેશદ્વાર સુધી લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ પણ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રાધે રાધે પરિવારના સભ્યો સાથે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ જોડાયું હતું. અને સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન આપ્યું હતું. ખોડલધામ મંદિર ખાતે ફરકાવવામાં આવેલો આ રાષ્ટ્રધ્વજ ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ છે. ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર બન્યું છે જ્યાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય. વિશ્વના મંદિરોના ઇતિહાસમાં ક્યારેય પણ આટલી લંબાઈ અને પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. ૨૦૧૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળે નિર્ણય લઈને ખોડલધામ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. અને ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જ્યાં ધર્મ ધજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે.