મોટામવાના સરપંચ વિજય કોરાટ તથા નિવૃત સૈનિકોની આગેવાનીમાં શહીદોને અંજલી આપતું પ્રેરક વકતવ્ય બે મિનિટનું મૌન અને કેન્ડલ માર્ચ કરી શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ
જમ્મુ કાશ્મીરના પુલવામા જીલ્લામાં સીઆરપીએફના જવાનો પર પાકિસ્તાન સ્થિત આંતકવાદી જૂથના તથા પાકિસ્તાન પ્રેરિત ISI સાથે જોડાયેલ આંતકવાદી દ્વારા થયેલા હુમલામાં ૪૩ થી વધુ જવાનો શહીદ થતાં આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ૧૧૬૪ ફ્લેટધારકોની બનેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરના રહેવાસીઓએ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯ સાંજે ૮:૩૦ કલાકે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી . આ કાર્યક્રમ દરમિયાન અત્રેના રહેવાસી નિવૃત્ત સૈનિકોએ સરહદ પરની સ્થિતિથી સમગ્ર લોકોને અવગત કરાવ્યા.
રંગોલી પાર્ક તરીકે જાણીતી આ સોસાયટીની દીકરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતું વક્તવ્ય આપ્યું. અત્યંત સંવેદનશીલ વક્તવ્ય અત્રે ઉપસ્થિત જનમેદનીની આંખોને ભીંજવી ગયું. શોકમગ્ન રહેવાસીઓએ બે મિનિટ મૌન બાદ વીર શહીદો અમર રહો ના ગગનભેદી નારાઓ સાથે સળગતી મીણબત્તી લઇ રેલી કાઢી. મોટામવા ગામ ના સરપંચ વિજયભાઈ કોરાટ તેમજ નિવૃત્ત સૈનિકોની આગેવાની હેઠળ અત્રેના રહેવાસી બાળકો, યુવાનો, યુવતીઓ, બહેનો-માતાઓ અને વડીલો ની વિશાળ કેન્ડલ માર્ચ કાલાવડ રોડ અને બીજા રિંગરોડના ક્રોસીંગ પાસે શિસ્તબદ્ધ રીતે પહોંચી શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પુલવામા જિલ્લામાં પાક પ્રેરિત ના પાક આતંકવાદીઓ દ્વારા થયેલ અધમ કાયર કૃત્ય ને વખોડી , સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થાય અને રાષ્ટ્રના વીર શહીદોને સાચા અર્થમાં ન્યાય મળે તે માટે વર્તમાન વડાપ્રધાન દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તેમાં સંપૂર્ણ સમર્થન આપવાના એક મત સાથે, રાષ્ટ્ર વિરોધી શક્તિઓનો સમૂળ નાશ થાય તેવી પરમ ને પ્રાર્થના કરવામાં આવી.