રાષ્ટ્ર ગૌરવ સંસ્કૃતિ, વૈશ્વિક મૂલ્યોના પોષક અને સંરક્ષક એવા પ્રમુખસ્વામી મહારાજના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા મહાનુભાવો
અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ ‘સંસ્કૃતિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
10,000 વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન, મૂલ્ય, અધ્યાત્મ વારસાની ભાગીરથીને સમગ્ર વિશ્ર્વમાં પ્રવાહિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની ચેતનાને જનમાનસમાં જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. સંસ્કૃતિના આધારસ્તંભો એવાં – શાસ્ત્ર, મંદિર અને સંત – ત્રણેયને પોષણ આપી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી. યુગપુરૂષ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિ રક્ષાના વિવિધ પાસાંઓને આજની વિશિષ્ટ સભામાં આવરી લેવામાં આવ્યાં હતાં.પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવદ્ગુણોના ધારક એવા પ્રમુખ સ્વામી મહારાજના વિરલ ગુણોનું દર્શન બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું.
મહાનુભાવોના સ્વાગત બાદ સનાતન હિન્દુ ધર્મનાં ત્રણ આધારભૂત શાસ્ત્રો – શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર – એટલે કે પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરનાર બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન અને વિશ્ર્વવ્યાપી સર્જનો – મંદિરોની અદ્ભૂત સૃષ્ટિ વિષે પ્રકાશ પાડ્યો હતો.
આજના કાર્યક્રમમાં જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહા, એલિકોન કંપનીના ચેરમેન અને મનેજિંગ ડિરેક્ટર પ્રયાસવીન પટેલ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટર ભરતભાઈ જોશી, લીંબડીના ઠાકોર સાહેબ જયદીપસિંહજી છત્રસાલજી સિંહજી, માધવાણી ગ્રૂપના ડિરેક્ટર શ્રાઇ માધવાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટકુમાર પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશભાઈ બારોટ, ગિરીશ દત્તાત્રેય, અને યુ.કે. થી ચાર્લ્સ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
એચડીએફસી બેન્કના ચેરમેન અને આજની કોન્ફરન્સમાં કી-નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત દીપક પારેખે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, બીએપીએસ સંસ્થા જે ઉદાત્ત મૂલ્યોની પ્રતિષ્ઠા માટે કાર્યરત છે તેને ફરી દ્રઢ કરાવે છે. સમગ્ર માનવ જાત પર આધ્યાત્મિક પ્રકાશ પાથરવામાં અને વિશ્ર્વમાં માંગલ્ય પ્રસરાવવા બદલ પ્રમુખસ્વામી મહારાજના આપણે ઋણી છીએ.
આપણે સાચા અર્થમાં ભાગ્યશાળી છીએ કે આપણા પ્રધાનમંત્રીને પણ તેમના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજનું માર્ગદર્શન સાંપડ્યું. સમગ્ર વિશ્ર્વ પ્રમુખસ્વામી મહારાજને શાંતિના દૂત તરીકે યાદ કરી રહ્યું છે. ભવિષ્ય નિર્માણ આપમેળે થતું નથી પરંતુ તેના માટે પુરુષાર્થ કરવો પડે છે, બી.એ.પી.એસ. સંસ્થા ભવિષ્યનું ઘડતર કરી રહી છે. બી.એ.પી.એસ. સંસ્થાનું કાર્ય ભારતની આધ્યાત્મિક ચેતનાને પ્રજ્વલિત કરી રહી છે.
જીસીસીઆઇના પ્રમુખ પ્રતીક પટવારીએ જણાવ્યું હતું કે દર 15 દિવસે પ્રમુખસ્વામી મહારાજે એક ઇન્સ્ટિટ્યટનું સર્જન કર્યું ! કલ્પના કરો કે ભૂમિ સંપાદનથી લઈને લોકાર્પણ સુધીની સરેરાશ સમયમર્યાદા માત્ર 15 દિવસ! પ્રમુખસ્વામી મહારાજના જીવનના આંખે ઉડીને વળગે તેવા સદ્ગુણો હતા: પ્રેમ, માનવતા, સંવાદિતા, શાંતિ, સેવા અને ભગવાનમાં શ્રદ્ધા. બી.એ.પી.એસ. સંસ્થા અને આ મહોત્સવ માટે સમગ્ર વિશ્વમાં અનહદ આદર અને આકર્ષણ છે.
ભૂકંપ હોય કે મહામારી, બી.એ.પી.એસ. સંસ્થા સમાજની પડખે ઊભી રહી. દવાઓ હોય કે ભોજન, ઑક્સીજન સિલિન્ડર હોય કે મેડિકલ ટ્રાન્સપોટેશન, ઇઅઙજ સંસ્થાએ સેવામાં મોખરે રહી સમાજને રાહત પહોંચાડી.યુક્રેન – રશિયા યુદ્ધ વખતે પ્રધાનમંત્રીએ બ્રહ્મવિહારી સ્વામીને કોલ કર્યો અને માત્ર 48 કલાકમાં સ્વયંસેવકો સેવામાં હાજર થઈ ગયા. સરકારને પણ બી.એ.પી.એસ. સંસ્થા પર કેટલો વિશ્વાસ છે તે આ પ્રસંગ દર્શાવે છે. આપણાં વિદ્યાર્થીઓના ભોજન માટે સ્વયંસેવકોએ પહોંચીને ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરી દીધો. આવી આયોજન ક્ષમતા ભાગ્યે જ જોવા મળે છે.
પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આવી સ્વર્ગની અનુભૂતિ થઇ: મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ગિરીશ દત્તાત્રે
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ગિરીશ દત્તાત્રે મહાજનએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા પછી મને સ્વર્ગ ની અનુભૂતિ થઈ છે અને આ નગરનું આયોજન જોઈને આઇ.આઇ.ટીના વિદ્યાર્થીઓએ પણ અહી શીખ લેવા આવવું જોઈએ. અમે નાશિકમાં કુંભ મેળાનું આયોજન કર્યું હતું ત્યારે અમને એમ થયું હતું કે અમે ઘણું મોટુ સફળ આયોજન કર્યું છે પણ અહીં આવીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન અને સ્વયં સેવકોનું સમર્પણ જોઈને થાય છે કે અમે કંઈ જ નથી કર્યું. જલગાંવમાં પણ હું 5 એકર જમીન આપવા માંગુ છું કારણકે સ્વામિનારાયણના મંદિરો એ માત્ર મંદિરો નથી પણ જીવન ઉત્કર્ષના મંદિરો છે.
પ્રમુખ સ્વામીએ ગરીબોના ઉત્થાન માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યાં: મનોજ સિંહા (લેફ્ટનન્ટ ગવર્નર)
જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન કરતાં પણ વૈદિક સંસ્કૃતિ રૂપી માનવાકૃતિના દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર દુનિયા ને એક પરિવારના સભ્યની જેમ તમામ લોકો ની સેવા કરી છે.
પ્રમુખસ્વામી મહારાજ માનવતાના કલ્યાણમિત્ર હતા અને તેમના જન્મ થી સમગ્ર માનવતા અને સમાજ ધન્ય થઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજ ગરીબોના ઉત્થાન માટે , મહિલા સશક્તિકરણ, તેમજ પરસ્પર ભાઈચારા ની ભાવના માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યા. 1100 થી વધારે સાધુતા યુક્ત સંત સમાજનું નિર્માણ કરીને ભવિષ્યના કલ્યાણ મિત્રોનું પણ નિમાર્ણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે સને 2000 માં યુનાઈટેડ નેશન્સના ધાર્મિક પરિષદમાં ધાર્મિક સંવાદિતા માટે ખૂબ જ અદભુત પ્રવચન આપ્યું હતું.