પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ સંસદીય દળની બેઠકમાં ગોવાના મુખ્યમંત્રી સ્વ. મનોહર પરિકરજીના દુ:ખદ્ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી બે મીનીટનું મૌન પાળી શોક પ્રસ્તાવ પસાર કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ આ શોક પ્રસ્તાવમાં સ્વ. પર્રિકરજીને શ્રધ્ધાંજલિ પાઠવતાં જણાવ્યુ હતુ કે, જાહેર જીવનના ઉચ્ચત્તમ મુલ્યો, નિષ્ઠા, પ્રમાણિકતા, સાદુ જીવન અને ઉચ્ચ નીતિમત્તાની મિશાલ એવા સ્વ. પર્રિકરજી માત્ર ભાજપા જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષો અને જાહેર જીવન સાથે સંકળાયેલ લોકો માટે સદાકાળ પથદર્શક બની રહેશે.
સ્વ. મનોહર પરિકરજીએ ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી તરીકે આપેલી સેવાઓ તેમજ રક્ષામંત્રી તરીકે તેમના નેતૃત્વમાં સેનાએ કરેલી સર્જીકલ સટ્રાઇક ભારતમાતાની શક્તિ અને સેનાની રાષ્ટ્ર ભક્તિનું આગવું ઉદાહરણ છે, તેમ પણ સદ્દગતને ભાવાંજલી આપતા ઉમેર્યું હતું.
સ્વ.મનોહર પરિકરજીના આત્માની પરમશાંતિની પ્રાર્થના પણ સૌએ આ બેઠકમાં કરી હતી.આજે બાકી રહેલ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ, ૪ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.