સરદાર પટેલ ભવન ખાતે પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલી સભા યોજાઈ
ખેડુત નેતા વિઠ્ઠલભાઈ પટેલ કે જેમણે સહકારી ક્ષેત્રનાં ભિષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે તેમના નિધનથી ખેડુતો, પાટીદારો સહિત તમામ સમાજના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વિઠ્ઠલભાઈની ચીર વિદાયથી સમાજને આઘાત લાગ્યો હોય તેવું ચોકકસપણે કહી શકાય વિઠ્ઠલભાઈની વિદાયને ગત તા.૨૯ ઓગષ્ટના રોજ એક માસ પૂર્ણ થતા પાટીદાર સમાજ દ્વારા રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
આ તકે સ્વ. વિઠ્ઠલભાઈના પુત્ર અને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પાટીદાર સમાજના મોભી તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તેમજ વિવિધ ક્ષેત્રોનાં આગેવાનો, પાટીદાર સમાજની સંસ્થાઓનાં અગ્રણીઓ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને પાટીદાર સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને વિઠ્ઠલભાઈને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ તકે નરેશભાઈ પટેલે કહ્યું હતુ કે, વિઠ્ઠલભાઈ એકમાત્ર એવા વ્યકિત હતા. કે જેમણે સમાજના હિતકાર્ય માટે કયારેય પાછીપાની નથી કરી જર પડયે તેઓ રાજય સરકારથી માંડી કેન્દ્ર સરકારની સામે ઉભા રહીને સમાજ માટે લડયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે વિઠ્ઠલભાઈના જવાથી સમાજમા એક મોટી ખોટ પડી છે. જે પુરાય તેવી નથી પરંતુ જયેશભાઈ ઝડપથી તેમનું સ્થાન લે તેવું જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં શાપર વેરાવળ ઈન્ડ. એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળાએ વિઠ્ઠલભાઈ એક એવી વ્યકિતત્વ હતી કે જેમણે હર હંમેશ ખેહુતો માટે લડત આપી છે. જેમણે કયારેય હાર માની ન હતી.