પદ્મશ્રી વિજેતા સવજી ધોળકિયા સાથે છતીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ મુલાકાત લીધી હતી. ભારત સરકારના યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ 200 યુવાનો સુરતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ભારત સરકારના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા 16માં આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના કુલ 200 યુવાનો તેમજ 20 CRPF જવાનોએ સુરત ખાતે તા.26 જાન્યુઆરીથી તા.1લી ફેબ્રુઆરી સુધી સુરત ખાતે વિવિધ સ્થળોની મુલાકાત કરવામાં આવી રહી છે. જેમાં પદ્મશ્રી સવજી ધોળકિયા (હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચેરમેન) એ પ્રતિભાગીઓ સાથે મુલાકાત કરી હતી. સવજીએ તેઓને સખત મહેનત, નિશ્ચય અને આત્મવિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે યુવાનોને શિક્ષણ અને આધુનિકીકરણને અપનાવવાની સાથે સાથે તેમના વારસા અને સંસ્કૃતિમાં ગર્વ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ચોથા દિવસે તા.29મીના રોજ સવારે યોગ ગરબા, સ્વચ્છતા તેમજ વૃક્ષારોપણ કરાવાવામાં આવ્યું. ત્યારબાદ પહેલા સેશનમાં હરેન ગાંધી, એરફોર્સ ઓફિસર દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ અંગે પ્રોત્સાહિત કર્યા હતા. બીજા સેશનમાં ડૉ. વિજય રાદડિયા, એસોસિયેટ ઓફિસર્સ સીડીસી, ઓરો યુનિવર્સિટી દ્વારા નવીનતા અને ઉદ્યોગસાહસિકતા અંગે માહિતગાર કરવામાં આવ્યા. આદિવાસી યુવાઓ માટે દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ અથવા આતંકવાદ વિરુદ્ધ વિકાસ વિષય પર વક્તવ્ય સ્પર્ધા રાખવામાં આવી. સ્પર્ધામાં 30થી વધુ યુવાઓએ ખૂબ જ આત્મવિશ્વાસથી અને ઉત્સાહથી ભાગ લીધો. વિજેતા પ્રતિભાગીઓને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માય ભારત અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે