- કન્યા નિવાસી સાક્ષરતા શાળામાં યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર
ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ 15 નવેમ્બરને કેન્દ્ર સરકાર દ્વારા ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાવડ ખાતે મંત્રી ભાનુબહેન બાબરિયાની અધ્યક્ષતામાં કન્યા નિવાસી સાક્ષરતા શાળામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે
આદિજાતી વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ સાધશે. રાજ્યભરના પીએમ-જનમન અંતર્ગત 11 જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ચિત્રાવડ ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે સ્થળ મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની વ્યવસ્થાઓ વિશે સ્થળ નિરીક્ષણ કરી શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
નાયબ કલેક્ટર-1 એફ.જે.માકડાએ કલેક્ટરને કાર્યક્રમના સ્ટોલ, કાર્યક્રમના લાભાર્થી, ટ્રાન્સપોર્ટેશન, વીજળી અને પાણી સહિતની વિવિધ વ્યવસ્થાઓ વિશે અવગત કર્યા હતાં. કલેક્ટરએ વિવિધ વિભાગોના સંકલનથી સમગ્ર કાર્યક્રમનું સૂચારૂ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરની આ મુલાકાત દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, પ્રાયોજના અધિકારી એમ.કે.મણવર, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કોટેચા